Tasty Dish : રાત્રે બચેલી રસોઈમાંથી બનાવો આ જીભે વળગતી સ્વાદિષ્ટ વાનગી

Tasty Dish

Tasty Dish : રસોઇ બનાવીએ તો ક્યારેક થોડું વધઘટ પણ થાય. પરંતુ આજના મોંઘવારીના યુગમાં ફેકી દેવું પણ ન પોસાય અને તે જ વાનગી બીજીવાર ખાવી પણ મોટાભાગે લોકોને ભાવે નહીં. પરંતુ આ વધેલી વાનગીમાંથી આપણે કઈંક નવી જ વાનગી બનાવીએ તો!! જે વાનગીનો પૂરેપૂરો સ્વાદ પણ બદલાઇ જાય ને નામ પણ, અને બધા ને ભાવે પણ ખરા!!! તો આવો જોઈએ એવી કઈ વાનગી બની શકે…

  1. સ્પાઈસી ચપાતિ:

સામગ્રી:

4 આગલા દિવસની વધેલી રોટી (ટુકડા કરેલી), 2 કપ લૉ ફેટ છાસ, 1 ટીસ્પૂન તેલ, ½ ટીસ્પૂન રાઇ, 1 ટીસ્પૂન અડદની દાળ, 7 to 8 મીઠા લીમડાના પાન, ½ ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર, 1 ટીસ્પૂન ખમણેલો ગોળ, સ્વાદાનુસાર મીઠું.

સજાવવા માટે:

2 ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર

રીત :

  1. એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી રાઇ અને અડદની દાળ ઉમેરો. જ્યારે રાઇ તતડવા માંડે ત્યારે તેમાં લીમડો નાખી છાસ ઉમેરી દો.
  2. હવે તેમાં હળદર, લાલ મરચાંનો પાવડર, ગોળ અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી વચ્ચે-વચ્ચે હલાવતા રહી ધીમા તાપ પર ઉકળવા દો.
  3. ઉકળી જાય એટલે તેમાં રોટલીના ટુકડા મિક્સ કરી 2-3 મિનિટ ઉકળવા દો. ઉપર કોથમીર ભભરાવી ગરમાગરમ સર્વ કરો.

2. મસાલા ખીચડી પરોઠા:

સામગ્રી

1 કપ આગલા દિવસની બચેલી ખીચડી, 1 કપ ઘઉંનો લોટ, ½ કપ ચણાનો લોટ, ½ ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર, ¼ ટીસ્પૂન હળદર, ¼ ટીસ્પૂન હીંગ, ¼ ટીસ્પૂન સાકર, 2 ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર, 2 ટીસ્પૂન ઘી, 1 ટીસ્પૂન લીંબુનો રસ, સ્વાદાનુસાર મીઠું, ઘઉંનો લોટ(વણવા માટે), 5 ટીસ્પૂન તેલ(શેકવા માટે), લૉ ફેટ દહીં(પીરસવા માટે)

રીત :

  1. એક ઊંડા બાઉલમાં બધી સામગ્રી ભેગી કરી, સારી રીતે મિક્સ કરી, થોડા પાણીની મદદથી મસળીને નરમ કણક બનાવો.
  2. કણકના 10 સરખા ભાગ પાડી દરેક ભાગને ઘઉંના લોટની મદદથી ગોળાકારમાં વણી લો. એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી, ½ ટીસ્પૂન તેલની મદદથી પરાઠાને બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય તે રીતે શેકી લો.
  3. લૉ ફેટ દહીં સાથે ગરમાગરમ પીરસો.

મસાલા ખીચડી પરાઠા એક સવારના નાસ્તાનો એક શ્રેષ્ઠ વિકલ્પ છે જેને તમે ધારો તો ટીફીનમાં પણ લઇ જઇ શકો     છો.

Author: Urvashi Deshani #TeamAapduJunagadh

Also Read : પ્રકૃતિ પર પ્રશ્નાર્થ?