નાગા સાધુબાવાની રવાડી: જૂનાગઢ શિવરાત્રી મેળાનું મુખ્ય આકર્ષણ

મહાશિવરાત્રીનું નામ પડે એટલે સૌપ્રથમ આપણી નજર સમક્ષ ભવનાથનો મેળો જ આવી જાય! જ્યારે ભવનાથના મેળાનું ચિત્ર નજર સમક્ષ આવે ત્યારે ભજન, ભોજન અને ભક્તિનો સમન્વય યાદ આવી જાય! દરવર્ષે મહાવદ નોમના દિવસે ધ્વજારોહણ કરીને મેળાનો પ્રારંભ કરવામાં આવે છે અને મહાવદ તેરસની રાત્રે આ મેળાનું સમાપન થાય છે.

સામાન્ય રીતે મેળાનું નામ આપણાં કાને પડે એટલેએવું લાગે કે, જ્યાં લોકો મોજ કરવા આવ્યા હોય, બાળકો કોઈ રમકડાં માટે જીદ કરતા હોય, યુવાનોની નજર તેના ભાવિને ઉજ્જવળ કરનાર કોઈ પ્રિયપાત્રને શોધતી હોય! ટૂંકમાં મેળો એટલે સાંસારિક લોકો માટે મનોરંજન કરવાનું સ્થળ એવું અનુમાન બંધાય જાય, પરંતુ ભવનાથ મહાશિવરાત્રીનો મેળો થોડો જુદો પડતો છે. અહીં સાંસારિક લોકો કરતા સાધુ-સંતો અને સંન્યાસીઓને મુખ્ય માનવામાં આવે છે.

ભવનાથના મેળાની વાત કરીએ તો, આ મેળાનું મુખ્ય આકર્ષણ દેશભરમાંથી આવતા દિગમ્બર સાધુ-બાવાઓ તેમજ મહાશિવરાત્રીની મધ્યરાત્રિએ તેઓ દ્વારા નીકળતી રવેડી છે. આ રવેડીમાં અલગ અલગ અખાડાઓના સાધુઓ જોડાય છે. આ અખાડા એટલે પંચ દશનામી અખાડા, અગ્નિ અખાડા અને આવાહન અખાડાના સાધુઓ મુખ્યત્વે રવેડીમાં સામેલ હોય છે. જેમાંના જૂના દશનામી પંચ અખાડામાંથી 300 જેટલા નાગાબાવાઓ આ સરઘસમાં જોડાય છે.

સૌપ્રથમ પંચ દશનામી અખાડાની ગુરૂ દત્તાત્રેયની પાલખી હોય છે. જૂના અખાડા, આવાહન અખાડા અને અગ્નિ અખાડાઓના સાધુઓ આગળ હોય છે. ત્યારબાદ દેશભરમાંથી આવેલા નાગાબાવાઓ જોડાય છે. એક માન્યતા મુજબ, આ રવેડીની આગેવાની લેવા ભગવાન શિવ અને ગુરૂદત્તાત્રેય પણ કોઈને કોઈ રૂપે જોડાય છે. લોકોમાં એવી શ્રદ્ધા પણ જોવા મળે છે કે, આ રવેડીમાં અમર આત્મા ગણાતાં અશ્વત્થામા, રાજા ભરથરી અને રાજા ગોપીચંદ પણ કોઈને કોઈ સ્વરૂપે હાજર હોય છે.

હિન્દૂ ધર્મ અને સંસ્કૃતિમાં નાગાબાવાઓનું મહાત્મ્ય ખૂબજ રહેલું છે. નાગાસાધુઓની ફોજ, ધર્મ અને દેશની રક્ષા કાજે દુશ્મન પર હુમલો બોલાવીને તેમના અસ્તિત્વનો પાયો ડગમગાવી નાખવા સક્ષમ હોય છે. ભવનાથના મેળામાં પધારેલા હઠયોગીઓ પણ તેમની અનેક સિદ્ધિઓ રવેડીમાં રજૂ કરે છે. આ ઉપરાંત ભાલા, તલવાર, પટ્ટાબાજીના ખેલ પણ રવેડીમાં જોવા મળે છે.

રવેડીની પૂર્ણાહુતિમાં દરેક નાગાસાધુઓ ભવનાથ મંદિર સ્થિત મૃગીકુંડમાં શાહી સ્નાન માટે પધારે છે. અંદાજીત 12×12 ફૂટના મૃગીકુંડમાં શાહી સ્નાન માટે પધારેલા નાગાસાધુઓમાં સહેજ પણ અવ્યવસ્થા જોવા મળતી નથી. જે જોઈને કહેવાતા સભ્ય સમાજને પણ કંઈક પ્રેરણા લેવાનું મન થઇ જાય છે. સ્નાન કર્યા બાદ દરેક સાધુ મહાદેવના દર્શન કરીને પોતાના ગંતવ્ય સ્થાન તરફ નીકળી જાય છે. આશ્ચર્યની વાત એ છે કે, આ નાગાસાધુઓ ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે તે એક રહસ્ય સમાન છે.

નાગાસાધુઓ વિશે જો વિશેષ વાત કરીએ તો; નાગાસાધુઓ અજ્ઞાત દૈવી શક્તિ ધરાવે છે, તેમજ ભગવાન શિવના ઉપાસક એવાં નાગાસાધુઓને ભગવાન શિવજીએ ત્રીજું નેત્ર ખોલવાનું વરદાન પણ આપેલું છે. ઇતિહાસ પર નજર કરીએ તો ખબર પડે કે, ઇ.સ.1591માં ભુચરમૌરિની લડાઈમાં પણ દુશમનોને આવી ગેબી શક્તિનો પરચો મળી ગયો હતો. કર્નલ ટોડે ઘણા સમય પહેલા કેટલાક અઘોરીને ગિરનાર જંગલમાંથી બહાર તળેટી પર કે ગોરખ મંદિર પર જોયા છે, જે બકરાને નખ વડે ફાડી નાંખી ખાઈ જતા કે સમાધીમાં આવી જઈ કોઈ જોરાવર આત્મા પ્રવેશ્યો હોય તેમ બની જતા હતા.

નાગાસાધુઓના વિવિધ અખાડાઓ વિશે વાત કરીએ તો, આ અખાડાઓ પૈકીનો આનંદ અખાડો ઇ.સ.856, નિરંજન અખાડો ઈ.સ.904 અને જૂનો અખાડો સૌથી પ્રાચીન ઈ.સ.પૂર્વે 1246નો છે. આ ઉપરાંત આહવાન અખાડો, મહાનિર્વાણી અખાડો અને અટલ અખાડો છે.

આમ, ભવનાથના મેળાના મુળમાં કે કેન્દ્રમાં ભગવાન દત્તાત્રેય અને ભગવાન શિવના ઉપાસકો એવાં દિગમ્બર સાધુઓ છે.