Question on Nature : પ્રકૃતિ પર પ્રશ્નાર્થ?

Question on Nature

Question on Nature : આપણે જો એક ક્ષણ માટે વિચારીએ કે, જો આપણી આ જૂનાગઢની ધરાને અલભ્ય વનસ્પતિઓ ધરાવતો ગિરનાર પર્વત, ઈતિહાસને જીવંત રાખતો ઐતિહાસિક વારસો, શિલ્પ સ્થાપત્યના ઉત્તમ ઉદાહરણ બનીને ઉભેલા સ્મારકો, પ્રકૃતિનો અઢળક ખજાનો, વિવિધતા ભરેલી વન્યસૃષ્ટિ વગેરે બાબતો જ ના મળી હોત તો, આજે આ જૂનાગઢ કેવું હોત? આવી કલ્પના આપણે ક્યારેય કરી જ ના શકીએ, અને જો આ કલ્પના હકીકત બને તો કદાચ જૂનાગઢનું અસ્તિત્વ જ ના રહે!

આ બધી બાબતો જાણતાં હોવાં છતાં, આજે આપણે જૂનાગઢની સંભાળ લેવાનું ચુકી જઈએ છીએ. શહેરમાં જ્યાં પણ ગંદવાડ કે અવ્યવસ્થા જોવાં મળે, એટલે બેદરકારીનો ટોપલો સીધો સરકાર ઉપર ઠાલવી દઈએ છીએ, પરંતુ આપણાં ઘરને સ્વચ્છ અને સુંદર બનાવવાની જવાબદારી આપણી પણ હોય છે, એ બાબત આપણે ત્યારે ભૂલી જઈએ છીએ. જૂનાગઢ એ ફક્ત શહેર નથી, આપણું મોસાળ છે, આપણું પોતાનું ઘર છે. આ ઘરની સારસંભાળ લેવી એ શું આપણી નૈતિક ફરજ નથી?

Question on Nature

ક્યારેક એવું પણ થતું હશે કે, આપણી નજર સામે જ આપણાં શહેરની ઈજ્જત ઉછળતી હશે અને આપણે ચુપચાપ આ બધું જોતાં હોઈશું! મનમાં દુઃખ તો હશે જ પણ, મારા એકલાથી શું થાય? આ પ્રશ્ન તમારાં હાથ સદાયને માટે બાંધી દેશે, પરંતુ શરૂઆત કોઈકે તો કરવી જ પડશે ને! જૂનાગઢને પોતાનું બનાવીને, ધબકતું રાખવાની જવાબદારી આપણે નહીં લઈએ તો કોણ લેશે?

જૂનાગઢ આપણું ઘર છે, તો જૂનાગઢવાસીઓ આપણાં કુટુંબીજનો છે. જ્યારે ઘરમાં કોઈ કચરો ફેંકે ત્યારે તે કચરો ઉઠાવી કચરાપેટીમાં નાખતા કે કચરો ફેંકનારને કચરાના યોગ્ય નિકાલ માટે શીખ આપતાં આપણે કોઈ ખચકાટ નથી અનુભવતા, તો પછી જૂનાગઢના જાહેર રસ્તાઓ કે જાહેર જગ્યાઓમાં આપણી નજર સામે ફેંકાતા કચરાનો યોગ્ય નિકાલ આપણે ન કરીએ તો કંઈ નહીં, પરંતુ કચરો ફેંકનારને સમજાવી તો શકીએ જ ને?

Question on Nature

રસ્તા પર ગમે ત્યાં થૂંકવું, ગમે ત્યાં કચરો ફેંકવો, કારણ વગરના હોર્ન વગાડી ઘોંઘાટ કરવો, આપણે ખાવાના ખાદ્યપદાર્થો પશુપંખીઓને ખવડાવવા, ખાધેલી વસ્તુઓના ખાલી પેકેટ્સ જ્યાં ત્યાં કે જળાશયોમાં ફેંકવા જેવી ઘણી બધી બાબતોને આપણે નજરઅંદાજ કરી, જાણે-અજાણે આ બાબતોને પ્રોત્સાહન આપીએ છીએ! જે બાબતે આપણે જાગૃત થવાની જરૂર તો છે જ, સાથેસાથે શહેરીજનોમાં પણ જાગૃતિ લાવવાની જરૂર છે. ખરું ને?

જેના માટે  ‘પ્રકૃતિ પર પ્રશ્નાર્થ?’ નામની આ ખાસ આર્ટિકલ સિરીઝ શરૂ કરવામાં આવી છે. જેમાં આપણે કેટલાંક મુદ્દાઓની ચર્ચા કરીશું, જે આપણાં જૂનાગઢના સ્વમાનને જાળવી રાખવા માટે ખુબજ જરૂરી છે. જો તમે પણ આવી કોઈ બાબત લોકો સુધી પહોંચાડવા માંગતા હોય તો, નીચે કોમેન્ટ બોક્સમાં અથવા તો ઇમેઇલ દ્વારા અમને જણાવી શકો છો. અમે એ બાબતોનું સ્પષ્ટીકરણ કરી લોકો સુધી પહોંચાડીશું. તો આવો સૌ સાથે મળીને જૂનાગઢના સ્વમાનની જાળવણી કરીએ…

અમે પણ જૂનાગઢને એટલો જ પ્રેમ કરીએ છીએ જેટલો તમે! જૂનાગઢ પ્રત્યેના આ પ્રેમને વધુ ગાઢ બનાવવા Aapdu Junagadh આપને જરૂરથી ઉપયોગી થશે. આ એક એવું માધ્યમ છે, જેના દ્વારા તમે આપણાં જૂનાગઢમાં બનતી રોજબરોજની સકારાત્મક ઘટનાઓ, નગરજનોને ઉપયોગી માહિતી, જૂનાગઢ શહેર અને તેની આજુબાજુ આવેલા સ્થળો, ધાર્મિકતા, ઐતિહાસિક સ્મારકો, વ્યક્તિ વિશેષ વિશેની માહિતી મેળવી શકશો. જો તમને ઉપરનો લેખ ગમ્યો હોય તો, શેર કરીને વધુને વધુ લોકો સુધી પહોંચાડો તથા તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો.
જો આપની પાસે જૂનાગઢ વિશેની વિશેષ માહિતી હોય તો અમારા સુધી ઇમેઈલ દ્વારા પહોંચાડી શકો છો.

Email Id: aapdujunagadh@gmail.com

Also Read : Tasty Dish : રાત્રે બચેલી રસોઈમાંથી બનાવો આ જીભે વળગતી સ્વાદિષ્ટ વાનગી