સિંહોની પ્રતિકૃતિ

સિંહોની પ્રતિકૃતિ

સિંહોની પ્રતિકૃતિ

સોરઠ ધરા જગ જુની, જગ જૂનો ગીરનાર;
જ્યાં હાવજડાં હેંજળ પિયે, જ્યાંના નમણાં નર’ને નાર!

જૂનાગઢએ સંત, શૂરા અને સિંહોની ધરતી છે. સમગ્ર વિશ્વમાં એશિયાઈ સિંહો માત્ર ગીરમાં જ જોવા મળે છે! સિંહોએ આપણી લોકસંસ્કૃતિ સાથે વણાઈ ગયા છે. આ સિંહો વર્ષોથી આપણું અનેરું આકર્ષણ છે, એટલે જ તો મંદિરોમાં, મોતીના ભરતકામમાં, ચિત્રોમાં, સિંહાસનોમાં, ટપાલ ટીકીટમાં, સિક્કાઓમાં, દરવાજાઓમાં, મેડલોમાં અહીંયા સુધી જ નહીં, પરંતુ આપણા રાષ્ટ્રચિન્હમાં પણ સિંહોની પ્રતિકૃતિ જોવા મળે છે!

આ સિંહોની પ્રતિકૃતિ જોવી એ આપણા માટે સહજ બની ગયું છે;

આ પ્રકારની સિંહોની પ્રતિકૃતિ તમે જૂનાગઢના રેલ્વે સ્ટેશનના ગેઇટ નજીક કે સરદાર બાગ પાસે પણ જોઈ હશે! જેની સાથે એક અનોખો ઈતિહાસ જોડાયેલો છે…

આ સિંહોની પ્રતિકૃતિ ક્યારે બનાવવામાં આવી?

ગીરનાર પર્વત પર એક વિશેષ ભૌગોલિક સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વે અનુસાર ગીરનાર પર્વત પરના પથ્થરો કોતરણીકામ માટે નકામા છે; એવું જાહેર કરાયું હતું. આ સર્વેના પરિણામો પર અને અભિપ્રાયો પર વઝીર બહાઉદ્દીન ભાઈને વિશ્વાસ ન હતો. આથી તેમણે ઇંગ્લેન્ડ અને અમેરીકાની પ્રયોગશાળામાં આ પથ્થરોને મોકલાવીને અમુક નમૂનાઓ તૈયાર કરાવ્યા હતા. આ પછી વઝીર બહાઉદ્દીન દ્વારા આ પથ્થરોના શિલ્પોનો ઉદ્યોગ શરૂ કરવાનો વિચાર કર્યો.

વજીર બહાઉદ્દીન દ્વારા દામોદર કુંડ પાસે સોનરખ નદીમાંથી એક મોટા પથ્થરનો ટુકડો કાઢીને તેને રાજકોટની સ્કુલ ઓફ આર્ટસને મોકલ્યો હતો. આ શાળાના સુપ્રિન્ટેન્ડેન્ટ મિ.કિલ્મેટ એમ.સાયકસે તેમાંથી કુલ 4 સિંહો કોતરી આપ્યાં હતાં.

આ ચાર સિંહો ઈ.સ.1880 માં કુલ રૂ.1170 ના ખર્ચે બનાવવામાં આવ્યા હતા. આ ચાર સિંહોમાંથી બે સિંહોની કિંમત રાજકોટના ઠાકોર સાહેબ બાવાજીરાજએ ચૂકવી હતી. આ સિંહોમાંના બે સિંહોને સાબલપુર ચોકડી નજીક લોલ નદીના બાર્ટન બ્રિજ ઉપર મુકવામાં આવ્યા હતા, ત્યારબાદ ત્યાંથી ખસેડીને ઈ.સ.1888માં રેલ્વે સ્ટેશનના પાસે લગાડવામાં આવ્યા હતા.

આ સિંહોનું મુખ પહેલાં રેલ્વે સ્ટેશનના પ્રવેશદ્વાર તરફ હતું, પરંતુ ત્યારબાદ આ સિંહોનું મુખ સરદાર ગેઈટ તરફ ફેરવવામાં આવ્યું! આ સિંહો મૂકવા માટે આશરે રૂ.320 મજૂરી ખર્ચ થયો હતો. અન્ય બે સિંહોને સરદાર બાગના દરવાજા બહાર મૂકવામાં આવ્યા હતા. આ સિંહોમાંથી એક સિંહ ઈ.સ.1995 આસપાસના એક અકસ્માતમાં પડી ગયો હતો, આથી તેને ત્યાંથી ખસેડી લેવામાં આવ્યો હતો, ત્યારબાદ તે ક્યાં ગયો તે જાણી શકાતું નથી!

આમ, જૂનાગઢના પાણે-પાણે ઉજળા ઇતિહાસો રહેલા છે; એવું કહેવું જરા પણ અતિશયોક્તિ નથી!