“જૂનાગઢને ખજાને પડી ખોટ : બ્રહ્મલીન થયાં ભારતી બાપુ”
Bharti Bapu : ભવનાથ ભારતી આશ્રમના મહામંડલેશ્વર ભારતી બાપુ બ્રહ્મલીન થતાં જૂનાગઢને કદી ન વિસરાય તેવી ખોટ પડી છે. સરખેજ સ્થિત ભારતી આશ્રમ ખાતે ગઈકાલ મોડી રાતે ભારતી બાપુ નાદુરસ્ત તબિયતને કારણે બ્રહ્મલીન થયા છે.
સાધુ સમાજ અખાડાના પૂજનીય સંત ભારતી બાપુની જીવનયાત્રાને ચાલો કરીએ યાદ:
- ભારતી બાપુનો જન્મ તા. ૦૧/૦૪/૧૯૩૦ ના રોજ અમદાવાદ જિલ્લાના અરણેજ ગામમાં થયો હતો.
- તેમના માતાનું નામ મણીબાઈ અને પિતાનું નામ હરિભાઈ હતું.
- ભારતી બાપુએ ૧૭ વર્ષની ઉંમર સુધી અરણેજ ગામમાં જ અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ તેઓ અમદાવાદ આવ્યા હતા.
- તેમના પૂર્વાશ્રમમાં એક જ વર્ષમાં ૧૩ વ્યક્તિઓ બ્રહ્મલીન થતાં ભારતી બાપુને સંસારની અસરતાનો ખ્યાલ આવ્યો હતો.
- સંસારની બંધી વેદનાનો અનુભવ થયાં બાદ વનથળ નિવાસી પૂજ્ય બ્રહ્મચારી લાલજી મહારાજ અરણેજ મૂકામે આવ્યા. તેમના સંગમાં આવ્યા બાદ વિરમગામ તાલુકાના વનથળ ખાતે આવેલા આનંદઆશ્રમમાં ૧૦ વર્ષ તેમની પાસે રહી, ભારતી બાપુએ બ્રહ્મચારી દીક્ષા ધારણ કરી હતી.
- વર્ષ ૧૯૬૫માં ભારતી બાપુને તેમના ગુરુદેવ શ્રીમદ્દ સૂર્યપ્રકાશ ભારતીજી મહારાજ સાથે અલ્હાબાદ ખાતે કુંભ મેળામાં જવાનું થયું. એ દરમિયાન, શ્રીમદ્દ સૂર્યપ્રકાશ ભારતીજી મહારાજે તા.૧૪મી જાન્યુઆરીના રોજ બાપુને સંન્યાસની દીક્ષા આપી તેમનું નવું નામ “વિશ્વંભર ભારતીજી”રાખી નામકરણ કર્યું.
- વર્ષ ૧૯૯૨માં ભારતી બાપુ મહામંડલેશ્વર બન્યાં હતાં. વર્ષ ૧૯૯૩થી લઈને આજ સુધી જૂનાગઢની રવેડી યાત્રામાં ભારતી બાપુની પાલખી કાઢવામાં આવે છે.
- જેમાં સૌથી પહેલાં ભગવાન દત્તાત્રેય, ત્યારબાદ ભારતી બાપુ અને પછી દિગમ્બર સાધુઓ અન્ય મંડલેશ્વર તેમજ આહવાહન અખાડાના સાધુઓ અને અગ્નિ અખાડાના સાધુઓ હોય છે.
- બ્રહ્મલીન ભારતી બાપુને જૂનાગઢ ખાતે સમાધિ અપાશે.
બ્રહ્મલીન ભારતી બાપુ આપણાં સૌનાં હ્ર્દયમાં સદાય જીવંત રહેશે…
તેમના ચરણોમાં સત સત નમન…
– Morvee Raval