Lion Present History : આજે ડાલામથા સાવજની હાજરી, જૂનાગઢ નવાબને આભારી

Lion Present History

Lion Present History : ગાંડી ગીર અને ઐતિહાસિક નગર જૂનાગઢનું રતન એટલે સાવજ. જૂનાગઢ અને સિંહ એકબીજા સાથે વણાઈ ચૂક્યા છે. ત્યારે જૂનાગઢ નવાબને કેમ ભુલાઈ?ગીરમાં સિંહોની વસતી સલામત રહી શકી તે માટેનો શ્રેય તો નવાબને જ મળે.

  ‘ગીર ફોરેસ્ટ ઍન્ડ સાગા ઑફ ધી એશિયાટિક લાયન’ નામના પુસ્તકમાં સુદિપ્તા મિત્રાના વર્ણન અનુસાર,ગીરનું જંગલ એશિયાઈ સિંહોનું અંતિમ આશ્રયસ્થાન બની રહ્યું છે અને તેને સુરક્ષિત રાખવાનો શ્રેય તે વખતના જૂનાગઢના નવાબ સાહેબ સર મહોમ્મદ મહાબતખાનજી ત્રીજાને જાય છે.તેઓ ન હોત તો કદાચ આજે ગીરના જંગલનું અસ્તિત્વ જ ન હોત.

ઇતિહાસકારો એવું માને છે કે,મુસ્લિમ શાસકોનું ભારતમાં આગમન સિંહો માટે આફત લાવ્યું. મુઘલો અને એમના પુરોગામી મુસ્લિમ સુલતાનો સિંહોના શિકારના શોખીન હતા. તેમનો આ શોખ સિંહો માટે કાળ સાબિત થયો.એક સમયે હાલના પાકિસ્તાનથી લઈને વર્તમાન બિહાર સુધી ફેલાયેલા સિંહોનું નિકંદન નીકળી ગયું અને સિંહો માત્ર ગીરના જંગલ પૂરતા જ સીમિત રહી ગયા.

સિંહોને સૌથી વધુ નુકસાન બ્રિટિશ સમય દરમિયાન થયું. અંગ્રેજો શિકાર માટે બંદૂકનો ઉપયોગ કરતા, જે સુલતાનોના પારંપરિક શિકાર કરતાં સિંહો માટે વધુ વિનાશક નીવડી.અંગ્રેજોના શાસન દરમિયાન બ્રિટિશ અધિકારીઓ અને સ્થાનિક રાજવીઓ માટે સિંહનો શિકાર એ ‘શક્તિનું ખરૂ પ્રતિક’ માનવામાં આવતું,એટલે જ એ સમયે સિંહોના સંરક્ષણની વાત સ્વીકાર્ય નહતી.

ગીરનું જંગલ જૂનાગઢના રાજની હદમાં આવતું. વર્ષ 1871માં જૂનાગઢના નવાબ મહાબતખાન બીજાએ, તેવખતના બૉમ્બેના ગવર્નર સર સૅયમૉર ફિત્ઝગેરાલ્ડને ગીરના જંગલમાં શિકાર માટે આમંત્રણ આપ્યું.સિંહના સંરક્ષણની ખરી શરૂઆત મહાબતખાનના પુત્ર રસુલ ખાને કરી.નવાબ રસુલ ખાન બહુ મોટા શિકારી હતા, પરંતુ એમણે ક્યારેય સિંહનો શિકાર નહોતો કર્યો. એમના પુત્ર મહાબતખાન ત્રીજા પણ પિતાની માફક ઉમદા શિકારી હતા. તેઓએ પણ સિંહના શિકારથી પોતાની જાતને હંમેશા દૂર જ રાખી હતી.

1870 સુધી એ સમયગાળો હતો કે જ્યારે સિંહના શિકાર માટે નવાબની મંજૂરી પણ મળતી અને ઈનામો જાહેર કરવામાં આવતા,પરંતુ આ ઘટનાક્રમમાં વણાંક વર્ષ 1890માં આવ્યો.જ્યારે ડ્યુક ઑફ ક્લૅરન્સે ગીરની મુલાકાત લીધી. એ વખતે પ્રથમ વખત નવાબને ખ્યાલ આવ્યો કે, સિંહના અસ્તિત્વ પર જોખમ તોળાઈ રહ્યું છે. વર્ષ 1900ની સાલમાં ગીરમાં શિકાર માટે આવેલા લૉર્ડ કર્ઝનને જ્યારે સિંહના અસ્તિત્વ પર ખતરો જણાયો,ત્યારે તેઓ જાતે જ સિંહના શિકારથી દૂર રહ્યા.

Lion Present History

‘બર્મા ગેમ પ્રિઝર્વેશન ઍસોસિયેશન’માં સિંહોને બચાવવા માટે કર્ઝને લખ્યું હતું, ‘જો સિંહોને બચાવવામાં આપણે નિષ્ફળ રહ્યા તો, ઇતિહાસ આપણને ક્યારેય માફ નહીં કરે’.બ્રિટિશ ઇન્ડિયા દ્વારા લુપ્ત થવા આવેલા સિંહો અંગે કરાયેલી એ પ્રથમ ચિંતા હતી.કારણ કે ‘કાઠિયાવાડ ગૅઝેટિયર’ અનુસાર 1884માં ગીરમાં 10થી 12 સિંહો જ બચ્યા હતા.

Lion Present History

સિંહના અસ્તિત્વ પર તોળાઈ રહેલા જોખમનો ખ્યાલ આવતા, જૂનાગઢ સ્ટેટે સિંહોને બચાવવાની કામગીરી શરૂ કરી દીધી. એ વખતના એજન્સી નોટિફિકેશનમાં નવાબ મહાબતખાનજી બીજાએ પ્રજા અને યુરોપીયનોને સિંહનો શિકાર ન કરવાની ભલામણ કરી. વર્ષ 1920માં જૂનાગઢની ગાદી સંભાળનારા મહાબતખાન ત્રીજાએ સિંહને જૂનાગઢની અસ્મિતા સાથે જોડ્યા.તેમણે સિંહને ‘રાજ્યાશ્રય’ આપ્યો અને સિંહનો શિકાર બંધ કરાવ્યો.એમના શાસન દરમિયાન 13 વર્ષમાં માત્ર એક વખત જ સિંહનો શિકાર થયો.

જૂનાગઢને અડીને આવેલા બીજા રજવાડાઓમાં રાજવીઓ માંચડા બાંધીને બેરોકટોક સિંહનો શિકાર કરતા.જેના પર નવાબનો કોઈ જ અંકુશ નહોતો. જેથી જૂનાગઢના નવાબે બ્રિટિશ સરકાર સામે ધા નાખી તેમનું પીઠબળ મેળવ્યું. આ કારણે એક સમયે જે ગીરમાં માત્ર 10થી 12 સિંહો જ બચ્યા હતા, ત્યાં ધીમેધીમે સિંહોની વસતી વધવા લાગી. વર્ષ 1950સુધીમાં સિંહોની સંખ્યા 200નો આંકડો પાર કરી ગઈ.

ભારતને સ્વતંત્રતા મળતાં જૂનાગઢના નવાબે પાકિસ્તાન સાથે જોડાણ જાહેર કર્યું અને તેઓ પાકિસ્તાન જતા રહ્યા.મહાબતખાન પાકિસ્તાન જતા રહેતા ગીરના સિંહો નોંધારા થઈ ગયા. નવાબના ગયાં પછી સિંહોનો શિકાર ફરીથી શરૂ થયો. વર્ષ 1952માં ‘ઇન્ડિયન બૉર્ડ ઑફ વાઇલ્ડ લાઇફ’ની રચના થઈ અને વન્યસંપદા બચાવવા માટેના કાયદાઓ અમલમાં આવ્યા, પરંતુ એનાથી શિકારીઓને ખાસ ફેર ન પડ્યો. 1983 સુધી શિકારના પરવાના મળતા રહ્યા અને અન્ય વન્યપ્રાણીઓ સાથે સિંહનો પણ શિકાર થતો રહ્યો.આખરે સરકારે છેક વર્ષ 1983માં ગીરના તમામ પ્રાણીઓના શિકાર પર પ્રતિબંધ ફરમાવી દીધો.

9,જૂલાઈ,1969ના દિવસે ભારત સરકારે સિંહોને રાષ્ટ્રીય પ્રાણી તરીકે જાહેર કર્યા હતા. જે પછી 18,નવેમ્બર,1972ના રોજ આ સ્થાન વાઘને આપી દેવાયું.

અમે પણ જૂનાગઢને એટલો જ પ્રેમ કરીએ છીએ જેટલો તમે! જૂનાગઢ પ્રત્યેના આ પ્રેમને વધુ ગાઢ બનાવવા Aapdu Junagadh આપને જરૂરથી ઉપયોગી થશે. આ એક એવું માધ્યમ છે, જેના દ્વારા તમે આપણાં જૂનાગઢમાં બનતી રોજબરોજની સકારાત્મક ઘટનાઓ, નગરજનોને ઉપયોગી માહિતી, જૂનાગઢ શહેર અને તેની આજુબાજુ આવેલા સ્થળો, ધાર્મિકતા, ઐતિહાસિક સ્મારકો, વ્યક્તિ વિશેષ વિશેની માહિતી મેળવી શકશો. જો તમને ઉપરનો લેખ ગમ્યો હોય તો, શેર કરીને વધુને વધુ લોકો સુધી પહોંચાડો તથા તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો.
જો આપની પાસે જૂનાગઢ વિશેની વિશેષ માહિતી હોય તો અમારા સુધી ઇમેઈલ દ્વારા પહોંચાડી શકો છો.

Email Id: aapdujunagadh@gmail.com

Also Read : Wagheshwari Temple : ભક્તરાજ વિપ્રને પ્રસન્ન થઈ સ્વયંભૂ બીરાજીત થયેલા: માઁ વાઘેશ્વરી