દિવ્યાંગ : પર્વતોના પિતામહ સમાન ગરવા ગિરનારની યાત્રા કરવા દરવર્ષે લાખોની સંખ્યામાં યાત્રાળુઓ આવતા હોય છે. આ ગિરનાર પર્વત ચઢવા માટે સશક્ત શરીરની સાથોસાથ મજબૂત મનોબળની પણ આવશ્યકતા છે. એક મત મુજબ આ ગિરનારને આશરે દસ હજાર જેટલાં પગથિયાં છે.
જે ચઢીને ગુરુદત્તની ટૂંક સુધી પહોંચી શકાય છે. ત્યારે સામાન્ય લોકો માટે આ ગિરનાર પર્વત સર કરવો કોઈ અઘરી બાબત નથી, પરંતુ કોઈ વિકલાંગ વ્યક્તિ આ ગિરનાર પર્વતની યાત્રા પોતાની જાતે કરે ત્યારે તે એક આશ્ચર્યજનક બાબત ગણી શકાય. આવો એનું એક ઉદાહરણ જોઈએ…
સંસ્કૃતની એકયુક્તિ છે, પંગુ લંઘયતે ગિરિમ. આ યુક્તિને રાજકોટના એક યુવાને સિદ્ધ કરી બતાવી છે અને એ પણ એકવાર નહીં, ચાર ચાર વાર. રાજકોટના 35 વર્ષીય યુવાન વિપુલ બોકરવાડિયા શરીરથી 80 ટકા દિવ્યાંગ હોવા છતાં ચોથી વખત ગિરનાર સર કરીને અન્ય માટે પ્રેરણારૂપ બન્યા છે.Junagadh News
મૂળ અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ચાવંડ ગામના વતની અને કેટલાક વર્ષોથી રાજકોટમાં સ્થાયી થયેલા વિપુલભાઈ બે વર્ષના હતા ત્યારે તેઓને પોલિયો થયો અને બંને પગ સહિત શરીરના 80 ટકા અંગે સાથ છોડી દીધો. શરીરની વિકલંગતાને મન પર થોડો પણ હાવી ન થવા દીધી. શિક્ષણ બાદ તેઓ વેબ ડિઝાઇનીંગના વ્યવસાયમાં જોડાયા અને ધીમે ધીમે પગભર થયા.
વર્ષ 2012 માં પાંચેક લોકોનું એક ગૃપ રાજકોટથી ગિરનાર ચઢવા રવાના થયું. તેમાં વિપુલભાઈ પણ જોડાયા. શરૂઆતમાં તેની સાથે રહેલા કેટલાક મિત્રોને લાગ્યું કે થોડાજ પગથિયાં સુધી વિપુલભાઈ સાથે રહેશે. પરંતુ તે સમયે કંઇક ઊલટું જ થયું. ફક્ત બે હાથ વડે, બેઠા-બેઠા તેઓ એક પછી એક પગથિયાં ચઢતા ગયા. ફક્ત હિંમત અને જુસ્સાના જોરે તેઓ જોતજોતામાં અંબાજી ટૂંક સુધી પહોંચી ગયા.
જ્યારથી લઈને આ વખતે તેમની આ ચોથી યાત્રામાં તેમની સાથે 45 જણ જોડાયા. 22 ડિસેમ્બર રાત્રીના 10.30 વાગ્યે ગિરનાર ચડવાનું શરૂ કર્યું અને 23 ડિસેમ્બરે બપોરના 2.30 કલાકે તેઓ નીચે ઉતરી ગયા હતા. તેઓએ એક સંદેશ આપ્યો કે, દરેક વ્યક્તિમાં ઈશ્વરે ખામી કરતા ખૂબીઓ વધુ આપેલી હોય છે, બસ આપણે ખાલી હિંમત અને મનોબળ મજબૂત કરીને કાર્ય કરવું જોઈએ. આ યાત્રા કરીને તેઓએ સિદ્ધ કરી દીધું છે કે અડગ મનના મુસાફરને વિકરાળ પહાડો પણ નડતા નથી.
Author: Sumit Jani #TeamAapduJunagadh
Also Read : વાયુ વાવાઝોડાથી આ 11 જિલ્લાઓ થઈ શકે છે અસરગ્રસ્ત, ઝીરો હ્યુમન લોસના ટાર્ગેટ સાથે તંત્ર થયું સજ્જ!