વાયુ વાવાઝોડાથી આ 11 જિલ્લાઓ થઈ શકે છે અસરગ્રસ્ત, ઝીરો હ્યુમન લોસના ટાર્ગેટ સાથે તંત્ર થયું સજ્જ!

વાયુ

વાયુ : અરબી સમુદ્રમાં વેરાવળથી 650 કિલોમીટર દૂર કેન્દ્રિત થયેલું વાવાઝોડું “વાયુ” 140 થી 150 કિલોમીટરની ઝડપે આગળ વધી રહ્યું છે. 12મી જૂનની મધરાતે અને 13મીના સવારે વેરાવળથી દીવ વચ્ચેના દરિયાકાંઠે 165 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે ત્રાટકે તેવી સંભાવના છે.

વાયુ
આ તસવીર http://windy.com પરથી લીધેલી છે, જે એવું દર્શાવે છે કે “વાયુ” વાવાઝોડું ધીમેધીમે સૌરાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું છે.

વાયુ વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્ર- કચ્છના 11 જિલ્લા કચ્છ, ભાવનગર, અમરેલી, બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ ઉપરાંત દીવને પણ અસર પહોંચવાની સંભાવના છે. જ્યારે વાવાઝોડાના પગલે અત્યારે દક્ષિણ ગુજરાત, દીવ અને સૌરાષ્ટ્રમાં કેટલાક સ્થળે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જ્યારે ગુજરાતના બાકીના વિસ્તારમાં છાંટા પડ્યા હોવાના અને વાતાવરણમાં પલટો આવ્યાના અહેવાલ છે.

વાયુ
આ તસવીર http://windy.com પરથી લીધેલી છે, જે એવું દર્શાવે છે કે “વાયુ” વાવાઝોડું ધીમેધીમે સૌરાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું છે.

વાવાઝોડાના પગલે અત્યારથી વેરાવળના દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે. સંભવતઃ આજે મોડી રાત્રે વાવાઝોડું વાયુ વેરાવળના દરિયાને ટકરાશે. જેને પગલે ગીર સોમનાથ જિલ્લાનું વહિવટી તંત્ર સ્ટેન્ડ બાય છે. અહીં એનડીઆરએફની ટીમ પહોંચી ગઈ હતી.

આ તરફ વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા તથા જાનમાલનું ઓછામાં ઓછું નુકસાન થાય તે માટે રાજ્ય સરકારે બેઠકો યોજી હતી. મુખ્યમંત્રી અને મુખ્ય સચિવ દ્વારા સમીક્ષા બેઠકો બોલાવાઈ હતી ઉપરાંત કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ અને કેબિનેટ સચિવ દ્વારા પણ બેઠકો યોજી જરૂરી તમામ વ્યવસ્થા ગોઠવવા કવાયત કરી હતી.

કેન્દ્ર સરકારે અધિકારીઓની એક ટીમ પણ ગુજરાત મોકલી છે. વાવાઝોડાથી સંભવિત અસરગ્રસ્ત એવા 10 જિલ્લાઓમાં 12 અને 13 જૂન એમ બે દિવસ તમામ શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. અધિકારી-કર્મચારીઓની રજાઓ રદ કરીને હેડ ક્વાર્ટર નહીં છોડવા તાકીદ કરાઇ છે.

એનડીઆરએફની કુલ 35 ટીમો અસરગ્રસ્ત વિસ્તારોમાં તૈનાત કરાશે સાથે આર્મીની 34 ટીમોને સૌરાષ્ટ્ર-કચ્છ તરફ રવાના કરાઇ છે. ડીજીપી દ્વારા મરીન સિક્યોરીટી ફોર્સના જવાનો અને એસડીઆરએફની 11 ટીમો રવાના કરાઇ છે. રાહત- બચાવ કામગીરી માટે વિવિધ વિભાગો સાથે સંકલન કરવામાં આવી રહ્યું છે. 15 જેટલી બોટમાં 45 જેટલા માછીમારો પરત બોલાવવાની તજવીજ ચાલી રહી છે.

મુખ્યમંત્રી રૂપાણીએ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ રદ કરવાનો નિર્ણય કર્યો છે. રૂપાણીએ બુધવારે યોજાનાર કેબિનેટ બેઠક અને ગુજરાતના સાંસદો સાથેની બેઠક પણ રાહત કામગીરીને ધ્યાને રાખીને મોકૂફ રાખી છે. સરકારે ઝીરો હ્યુમન લોસના ટાર્ગેટ સાથે કામગીરી શરૂ કરી છે.

વાવાઝોડા પૂર્વે થયેલી સુરક્ષાને લઈને વિવિધ તૈયારીઓ:

  • NDRF, SDRF, આર્મી, એરફોર્સ, નેવી, કોસ્ટ ગાર્ડ, રાજ્ય પોલીસ, મરીન પોલીસ, ફાયરબ્રિગેડ બચાવ-રાહત માટે તૈનાત…
  • એરફોર્સના સી-17 વિમાનમાં NDRFના 160 જવાનોને વિજયવાડાથી ગુજરાત ખસેડાશે.
  • ચીફ સેક્રેટરી સિંઘે ઓડિશાના ચીફ સેક્રેટરી સાથે ચર્ચા કરી.
  • વાયુદળે રાજ્યમાં લાઇટ હેલિકોપ્ટર તથા રડાર સિસ્ટમ તહેનાત કરી છે. સાથે સંદેશાવ્યવહાર જળવાય એ માટે
    વિવિધ સ્થળે સેટેલાઇટ કમ્યુનિકેશન સિસ્ટમ અને મોબાઇલ કમ્યુનિકેશન વ્હીકલ્સ પણ તૈનાત કર્યા છે.
  • 5 લાખથી વધુ ફૂડ પેકેટ્સ સૌરાષ્ટ્ર-કચ્છ મોકલાશે
  • એનડીઆરએફની વધારાની 20 ટીમ પૂના અને ભટીંડાથી ગુજરાત બોલાવાઇ.
  • દરિયાકિનારાનાં વિસ્તારોમાં ચક્રવાત વખતે 1.5 મીટરથી વધારે ઊંચાઈ ધરાવતી મોટી ભરતી સર્જાશે એવી આશંકા સેવાઇ રહી છે.

સાવચેત રહો, સુરક્ષિત રહો…

સંદર્ભ: દિવ્ય ભાસ્કર

Also Read : શરીરથી 80 ટકા દિવ્યાંગ આ યુવાને ચોથી વખત સર કર્યો ગિરનાર