કેશોદ એરપોર્ટ : જૂનાગઢ અને સમગ્ર સોરઠ પંથક પ્રવાસન ક્ષેત્રનું મોટું મથક ગણાય છે. ગિરનાર પર્વત, સોમનાથ મહાદેવ મંદિર, ચોરવાડ હોલિડે કેમ્પ સહિત વિવિધ યાત્રાધામો પ્રવાસીઓને સતત આકર્ષતા રહ્યા છે. ત્યારે હવે આ ક્ષેત્રે વધુ પ્રગતિના એંધાણ મળી ચૂક્યા છે. ચાલો જાણીએ કે શુ છે આ ભેટ…
આપણે જાણીએ છીએ કે કેશોદ એ જૂનાગઢ જિલ્લાનું એકમાત્ર અને મહત્વનુ એરપોર્ટ છે. જેની સ્થાપના જૂનાગઢના નવાબ મહોબ્બતખાનજી દ્વારા ઈ. સ. 1944 થી ઈ. સ. 1947 ના સમયગાળા દરમ્યાન કરવામાં આવી હતી. કેશોદ જે તે સમયમાં ભારતના પ્રખ્યાત હવાઈમથકોમાનું એક હતું. જેની કામગીરીને ધ્યાનમાં રાખીને ઈ. સ. 1980માં આ એરપોર્ટનું નવીનીકરણ કરવામાં આવ્યૂ હતું. ત્યારબાદ કોઈ કારણસર આ હવાઈમથક ઈ. સ. 2000માં બંધ કરી દેવામાં આવ્યુ હતું. અહીં ઉડાન ભરેલી છેલ્લી ફ્લાઇટ જેટ એરવેઝની હતી જે વર્ષ 2000 માં બંધ કરવામાં આવી. ત્યારથી આ એરપોર્ટ માત્ર એક યાદગીરી રૂપે જ સચવાયેલું હતું.
જો કે હવે જૂનાગઢવાસીઓ અને સમગ્ર સોરઠ પંથક માટે બહુ મોટી જાહેરાત કરવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે, આગામી તા.23મી માર્ચથી ટ્રૂ જેટ કંપનીનું ATR-72 વિમાન અમદાવાદ અને કેશોદ વચે ઉડાન ભરશે. આ હવાઈજહાજ તેના મુજબ 72 સીટર હશે. જેના થકી મુસાફરીમાં ખાસ્સો ફાયદો થશે. તાજેતરમાં મળેલા અહેવાલ મુજબ અમદાવાદ અને કેશોદ વચ્ચે ડેઇલી ઉડાન ભરવામાં આવશે. અમદાવાદથી સવારે 10 વાગે હવાઈજહાજ ટેકઓફ કરશે જે કેશોદમાં સવારે 11 વાગે લેન્ડ કરશે, તેમજ કેશોદથી સવારે 11.20 વાગે ફરીથી અમદાવાદ જવા માટે રવાના થશે.
જૂનાગઢ અને આસપાસના પ્રવાસન સ્થળો માટે આ એક મોટા સમાચાર છે, કારણ કે આ ઉડાન થકી સોરઠના પ્રવાસન વિભાગને આંતરરાષ્ટ્રીય ફલક પર ઓળખ મળશે. અમદાવાદ જેવા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રવાસીઓ આવતા હોય છે, જેના માધ્યમથી કેશોદ આવવા માટે હવે એક જ કલાકનો સફર ખેડવાનો રહેશે. તેમજ કેશોદથી જૂનાગઢ પહોચવા માટે પણ હવે સાધનો ઉપલબ્ધ હોવાના કારણે જૂનાગઢ આવવા માટે યાત્રિકો વધુ આકર્ષિત થશે. આ જ બાબત સોમનાથ મંદિર માટે પણ લાગુ પડે છે.
જૂનાગઢ અને આસપાસના પ્રવાસ વિભાગોને આમ જ સતત વેગ મળતો રહે તો ગુજરાતનો સોરઠ પ્રાંત એક ઉમદા પ્રવાસ ક્ષેત્ર બની શકે છે.
Also Read : 7 day adventure course