Junagadh News : વાંદરાઓને બટેટા ખવડાવવા એ શું સાચી જીવદયા છે? પ્રકૃતિ પર પ્રશ્નાર્થ?

Junagadh News

Junagadh News : આપણે જીવદયામાં ખુબ માનીએ છીએ. ગાયને માતા માનીએ છીએ, છતાં શહેરોમાં અને નગરોમાં ગાયમાતા અને કૂતરાં ભૂખ્યાં રખડતાં હોય છે. જે મળે એ ખાઈ લેવા ફાંફા મારતાં હોય છે. એની સામે ઘણાબધા લોકો ગાયમાતાને રોજેરોજ રોટલો ખવડાવે છે. ઘણા પ્રાણી પ્રેમીઓ શહેરમાં ફરીફરીને કૂતરાંને બિસ્કીટ ખવડાવે છે. ઘણા કબૂતરોને ચણ નાંખે છે. ઘણા કીડિયારું પૂરતા હોય છે.

Junagadh News

સાચી વાત એ છે કે કૂતરાં, ગાય, ભેંસ, કૂતરાં, બકરાં વગેરે પ્રાણીઓ એમના ખોરાક માટે આપણી ઉપર આધારિત છે, પરંતુ એમને બેઠાં-બેઠાં ખાવાનું મળી રહે એવી સગવડ આપીને આપણે એમને ગંભીર રોગનો ભોગ બનાવીએ છીએ. એ બિચારા જીવ કશું સમજ્યા વગર આપણી દયાથી માંદા પડતા રહે છે, તરફડી તરફડીને કવેળા મૃત્યુ પામતા રહે છે. દરેક પશુ-પંખી માટે કુદરતે એવી ગોઠવણ કરી છે કે એમણે ખોરાક શોધવા માટે અને ખાવા માટે રઝળપાટ કરવી પડે. એથી એમના સ્નાયુઓ સરસ મજબુત રહે અને પાચનતંત્ર પણ સરસ કામ કરતું રહે. એટલા માટે જ સાચા અને સમજુ પશુપાલકો પોતાના પશુઓને ઘેરબેઠાં ખાણ આપવાને બદલે એમને ચરાવવા લઈ જાય છે.

આજકાલ જીવદયાના નામે પાલતુ પ્રાણીઓ કે વન્યપ્રાણીઓને જુદીજુદી વસ્તુઓ ખવડાવવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. જેમાં પક્ષીઓને સેવ-ગાંઠિયા અને વાંદરાઓને બટેટાને બિસ્કિટ ખવડાવવામાં આવે છે. સાહેબ! વાંદરાઓને પોતાનો ખોરાક જંગલમાંથી જ મળી રહે છે એને આપણી જીવદયાની કઈ જરૂર નથી. પ્રાણી સંગ્રહાલયોમાં શું એમજ સૂચનાઓ લખી હશે?

વાંદરાઓ ફળ પર નભતા પ્રાણી છે. જેમના ખોરાકમાં 70% જેવા ફળ અને બાકીમાં પાંદડાનો સમાવેશ થાય છે. Frugivorous (ફળ પર નભતા પ્રાણીઓ) આવા પ્રાણીઓ ખોરાકમાં ફળ ખાય છે સાથે-સાથે તેના બીજ અથવા ઠળિયા પણ ખાય જાય છે. આવા બીજ જ્યારે તેના આંતરડામાં જાય છે અને ચયાપચયની ક્રિયામાંથી મળ વાટે બહાર નીકળે છે, ત્યારે ન પચેલા બીજ અથવા ઠળિયામાં અંકુરિત થવાની શક્તિમાં ખૂબજ વધારો થાય છે.

Junagadh News

જેને પરિણામે વાંદરાના મળના ફેલાવા સાથે જંગલનો ફેલાવો પણ થાય છે. આવીજ રીતે પક્ષીઓની ચરકમાં પણ એજ વસ્તુ થાય છે. પક્ષીઓ ટેટા તેમજ અન્ય નાના ફળ ખાઈને બીજ નો ફેલાવો કરે છે. દરેક જંગલમાં રહેતા દરેક શાકાહારીઓ આ રીતે બીજના ફેલાવામાં મદદ રૂપ થાય છે અને જંગલનો વિસ્તાર વધારે છે. આપણે ઘરે જે બીજ વાવી શકતા નથી તે કુદરતી રીતે ફેલાય છે અને કુદરતી રીતે જ વૃક્ષારોપણ થાય છે.

પ્રાણીઓના ખોરાકની ચિંતા કુદરત પોતે કરતું હોય છે, પરંતુ એને ગાંઠિયા, બિસ્કિટ અને બટેટા ખવડાવીને આપણે શું ખરેખર જીવદયા કરીએ છીએ? બીજી બાજુ જોઈએ તો, મનુષ્યનો ખોરાક પ્રાણીઓને પચે છે કે કેમ? એ પણ આપણે જાણતા હોતા નથી! તેમ છતાં જીવદયાના નામે તેઓને ન ખવડાવવાની વસ્તુઓ ખવડાવી તેને આડકતરી રીતે નુકશાન જ પહોંચાડીએ છીએ, સાથોસાથ ઉપર વાત કરી તેમ, કુદરતી રીતે જંગલને આગળ વધતું પણ આપણે જ અટકાવીએ છીએ.

ખરેખર જીવદયા કરવાના બીજા વિકલ્પો અપનાવીએ અને જીવસૃષ્ટિને થતું નુકશાન અટકાવીએ…

કડવું છે પણ સાચું છે…

આભાર: પ્રણવભાઈ વઘાસિયા

પણ જૂનાગઢને એટલો જ પ્રેમ કરીએ છીએ જેટલો તમે! જૂનાગઢ પ્રત્યેના આ પ્રેમને વધુ ગાઢ બનાવવા Aapdu Junagadh આપને જરૂરથી ઉપયોગી થશે. આ એક એવું માધ્યમ છે, જેના દ્વારા તમે આપણાં જૂનાગઢમાં બનતી રોજબરોજની સકારાત્મક ઘટનાઓ, નગરજનોને ઉપયોગી માહિતી, જૂનાગઢ શહેર અને તેની આજુબાજુ આવેલા સ્થળો, ધાર્મિકતા, ઐતિહાસિક સ્મારકો, વ્યક્તિ વિશેષ વિશેની માહિતી મેળવી શકશો. જો તમને ઉપરનો લેખ ગમ્યો હોય તો, શેર કરીને વધુને વધુ લોકો સુધી પહોંચાડો તથા તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો.
જો આપની પાસે જૂનાગઢ વિશેની વિશેષ માહિતી હોય તો અમારા સુધી ઇમેઈલ દ્વારા પહોંચાડી શકો છો.

Email Id: aapdujunagadh@gmail.com

Also Read : World Inbox Academy : જીવનને મળશે કારકિર્દીની એક નવી દિશા, “વર્લ્ડ ઇનબોક્સ એકેડેમી”ના સથવારે