Summer Special Food : આકરાં તાપમાં ઠંડકનો અહેસાસ કરાવતી જૂનાગઢની સ્પેશિયલ જગ્યાઓ અને ત્યાં મળતી ફૂડ આઇટમ્સ!!

Summer Special Food

Summer Special Food : ઉનાળામાં પડતો આકરો તડકો લોકો માટે ક્યારેક ક્યારેક અસહ્ય બની જતો હોય છે, જેથી કોઈને કહી પણ ન શકાય અને રહી પણ ન શકાય એવી હાલત બની જતી હોય છે. ઉપરથી સૂર્યનારાયણનો તપતો કોપ, સામેથી આવતી અંગ દઝાડતી ગરમાગરમ લૂ અને પરસેવેથી ન્હાતું શરીર આ બધું જ્યારે ભેગું થાયને ત્યારનો અનુભવ તમને ખબર જ હશે! એ કઈ કહેવાની જરૂર લાગતી નથી!

આપણે વાત કરવાની છે, આ કાળાં તડકામાં અનેરી ઠંડક પુરી પાડતી અને ગરમીમાં પણ ‘હા મોજ હા’નો હાંશકારો અપાવતી જગ્યાઓ વિશેની કે જ્યાં મળે છે, ગરમીથી રક્ષણ આપતી ઠંડીઠંડી અને સ્વાદિષ્ટ વાનગીઓ…

1.રાજકમલ આઇસડીસ (દીવાન ચોક):

Summer Special Food

પહેલાંના સમયમાં બરફના ગોળાવાળો ટીન ટીન ટોકરી વગાડતો આવે એટલે આપણે રંગબેરંગી ગોળો લેવા સીધાં ઘરની બહાર નિકળી જતાં! પણ હવે એ મજાને પણ ડીઝીટલાઈઝેશન મળી ગયું છે. જેવુંકે જૂનાગઢના દીવાન ચોકમાં આવેલ રાજકમલ આઇસડીસના પ્રખ્યાત ગોલા. મશીનની સ્વિચ ચાલું કરે એટલે સરરર કરતો બરફ ડિસમાં આવી જાય, તેને વ્યવસ્થિત આકાર આપવામાં આવે અને પછી ચાલું થાય એની સજાવટનું કામ! પહેલાં નાખવામાં આવે તમારી પસંદિદા ફ્લેવરની, મોઢામાં પાણી લાવનારી પ્યોર ખાંડની ચાસણી અને પછી વારો આવે મલાઈનો! પછી તો જેવી તમારી પસંદગી એવી એની સજાવટ. કાજુ-બદામ, કિસમિસ, ચેરી, કોપરાનું ખમણ, ટૂટીફૂટી વગેરે ચીજો આ બરફના ગોલાને પૂર્ણ કરતું હોય એવું લાગે! જ્યારે એ સંપૂર્ણ ગોલો તૈયાર થઈને આપણાં હાથમાં આવે ત્યારે જીભથી પાણી છૂટતાં હોય અને મન એને ખાવા તલપાપડ બન્યું હોય! એક ચમચી ગોલો મોઢામાં જાય એટલે છપ્પન ભોગ જમ્યાની અનુભૂતિ થાય!

2. રંગોલી આઈસ્ક્રીમ (જયશ્રી રોડ):

ઘણાં આઈસ્ક્રીમના રસિકોને આઈસ્ક્રીમ ખાવા મળે તો, ગમે તેવી ઉત્તમ વાનગીને નકારી, આઈસ્ક્રીમથી જ પોતાનું શિરામણ કે વાળું કરી લે! એમાંય જો વાત આવે ઉનાળાની તો તો એને ઝાલ્યા નો ઝલાય હો! આવા રસિયાઓ માટે જૂનાગઢમાં આવેલું રંગોલી આઈસ્ક્રીમમાં આઈસ્ક્રીમ ખાવા પડાપડી કરતાં જોવા મળે! ત્યાં મળતાં વિવિધ ફ્લેવર્ડ આઈસ્ક્રીમ, થિક શેઈક, જ્યુસ, આઈસ્ક્રીમ કપ-કેન્ડી, સ્વિટ્સ…બીજું કેટકેટલુય!! નામ સાંભળતાં જ પાણી આવી જાય તો એને ખાવામાં કેટલો આનંદ આવતો હશે, તમે જ વિચારજો!!

3. રાજ સ્પે.સિંગસોડા (મોતીબાગ):

Summer Special Food

વર્ષોથી પોતાનાં ચાહકોને સ્પે.સિંગસોડા પીવડાવીને જાણીતા બનેલા રાજુભાઇ આજે પણ લોકોને મસ્ત મજાની, સ્ટ્રોંગ અને ઠંડી સ્પે.સિંગસોડા પીવડાવી રહ્યાં છે. તેમનો સ્વભાવ અને આવકાર એટલો મીઠો છે કે, સોડાની ઠંડકનો મીઠો ઓડકાર જરૂરથી આવે જ! તેઓ સિંગસોડાની સાથે સાથે લીંબુ સરબત જેવાં બીજા ઠંડાપીણાંઓ પીવડાવીને રાહદારીઓને ઠંડાઠંડા કુલ કરી દે છે.

4. Shree Shakti Tavva’ssland:

શહેરનાં ઝાંઝરડા રોડ ઉપર આવેલું Tavva’ssland જૂનાગઢ અને જુનાગઢવાસીઓ માટે એક નવલું નજરાણું બનીને ઉભરી આવ્યું છે. નામ ઉપરથી કદાચ કોઈક ટાપુનું નામ લાગે, પરંતુ એવું નથી! અહીંયા આઈસ્ક્રીમને કઇંક અલગ જ રીતે તૈયાર કરવામાં આવે છે, એક ઠંડા તવા પર લિકવિડ ક્રીમને ઢાળવામાં આવે છે, તેમાં તમારી પસંદગીની ફ્લેવર, વિવિધ સોસ અને બીજી સામગ્રીઓ ઉમેરી તેને ખાસ પ્રકારના ઓજારોથી મિક્સ કરવામાં આવે છે. પછી તે જામી જાય એટલે તેના રોલ વાળી સર્વ કરવામાં આવે છે. તમે તેને લાઈવ આઈસ્ક્રીમ અથવા રોલ આઈસ્ક્રીમ કહી શકો. ઉનાળાની તપતી બપોર પછી રાત્રે વાતાવરણ ઠંડુ પડતાં જ આ અવનવા આઈસ્ક્રીમનો આનંદ ખરેખર લેવાં જેવો છે.

5. શેરડીનો રસ:

સ્વાસ્થ્ય અને શીતળતાનો સમન્વય એટલે શેરડીનો રસ.  જૂનાગઢમાં અનેક જગ્યાએ શેરડીનો મીઠો મધુરો અને તાજો રસ મળે છે. ક્યાંક ઇલેક્ટ્રિક ચિચોડાં તો, ક્યાંક માનવશ્રમથી ચાલતાં ચિચોડાં રાહદારીઓને ઠંડકનો અનુભવ કરાવતાં હોય છે. હવે તો અનાનસ, લીંબુ અને મસાલાથી ભરપૂર રસ મળતો થઈ ગયો છે, જે પીને આપણું મન કાળાં તડકે પણ થનગનાટ કરતું થઈ જાય છે.

6.કેસર કેરી:

ફળોની રાણી અને ગીરનું રતન કહી શકાય એવી કેસર કેરીનું આગમન બજારમાં થઈ રહ્યું છે. આ કેરીની ઓળખ તેના ચમકીલા કેસરી રંગને લીધે અલગ તરી આવે છે. કેસર કેરી ખુબજ ગુણકારી હોય છે. કાચી કેરીમાં વિટામિન સી અને વિટામિન બી હોય છે. કાચી કેરીનું સરબત લૂ સામે રક્ષણ આપે છે. કેસર કેરીનું સેવન બ્લડ પ્રેસર નિયંત્રણમાં રાખે છે, શરીરમાં જોશ અને સ્ફૂર્તિ આપે છે. કેરીના રસમાં મીઠું અને સૂંઠ પાવડર ઉમેરીને ખાવામાં આવે તો તે પાચ્ય બની જાય છે. આ લાજવાબ ગુણોને કારણે જ કેરીને ફળોની રાણી(રાજા) તરીકે ઓળખવામાં આવે છે.

7. સક્કર ટેટી:

પ્રત્યેક ઋતુમાં આવતાં ફળો કઇંકને કઇંક વિશિષ્ટ ગુણો ધરાવતા હોય છે. ઉનાળામાં આવતા ફળોમાં સક્કર ટેટીનું સ્થાન અનોખું છે. આ ફળમાં સાકર જેવી મીઠાશ હોવાના કારણે તેને સક્કર ટેટી તરીકે ઓળખવામાં આવે છે. આ ફળ અસ્થમા, બ્લડ પ્રેસર, શરીરના સોજા તથા આંખોની સમસ્યામાં રાહતની સાથે સાથે ઠંડક આપતું ફળ હોવાથી ઉનાળામાં તેના સેવાનનું મહત્વ ખુબજ વધી જાય છે.

8. તરબૂચ:

તરબૂચ ઉનાળામાં આવતું એવું ફળ છે, જેમાં 90% પાણી હોય છે, જે તેને હાઇડ્રેશનનો શ્રેષ્ઠ સ્ત્રોત બનાવે છે. તરબૂચ ગરમીને દૂર કરીને તરસ મટાડે છે. તેમાં વધારે પડતું પાણી હોવાથી તે ઓછી કેલેરીમાં તમને તૃપ્ત કરતું હોવાથી વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. તરબૂચમાં એમિનો એસિડ સરટ્યુલિન હોય છે જે સ્નાયુઓના દુ:ખાવામાં રાહત આપે છે. ઉનાળામાં સૌથી વધુ ખવાતું આ ફળ હવે તો બારેમાસ મળતું થઈ ગયું છે.

ઉપર જણાવેલી જગ્યાઓની યાદી અમે કરેલા અનુભવો ઉપરથી તૈયાર કરી છે, આ સિવાય જૂનાગઢમાં એવી કેટલીય ખાણીપીણીની વસ્તુઓ મળતી હશે, જ્યાં જઈને તમે ધગધગતા તાપમાં ઠંડક અનુભવતા હશો. તો જણાવો એવી જગ્યાઓ વિશે અહિયાં નીચે કોમેન્ટ બોક્સમાં.

Also Read : જાણો તારક મેહતા ના કલાકારોની શું છે પ્રતિ એપિસોડ કમાણી ….