Junagadh News : જૂનાગઢ જિલ્લામાં શાળા સલામતી કાર્યક્રમનો શુભારંભ. 06 દિવસ સુધી 715 શાળાના બાળકોને આપત્તિ વ્યવસ્થાપનના પાઠ ભણાવાશે.
- ભૂકંપ, વાવાઝોડું, પૂર, ઔદ્યોગિક અકસ્માત, આગ જેવી બહુવિધ આપત્તિઓ સમયે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓમાં આપત્તિ વ્યવસ્થાપન અંગે જાગૃતિ કેળવાય તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા શાળા સલામતી કાર્યક્રમ અમલમાં મુકાયો છે.
- આપત્તિ સમયે સાવચેતી અને સલામતી વિશે વિશેષ માર્ગદર્શન મળી રહે તે માટે તા.29 જાન્યુઆરી થી તા.3 ફેબ્રુઆરી સુધી જૂનાગઢ જિલ્લાની 126 પ્રાથમિક શાળામાં મેગા ઇવેન્ટ અને કુલ 715 સરકારી પ્રાથમિક શાળાઓમાં ‘શાળા સલામતી સપ્તાહ-2024’ ની ઉજવણી થઈ રહી છે.
- પ્રથમ દિવસે તમામ બાળકોને બાયસેગ ઉપર આપત્તિ વ્યવસ્થાપન કાર્યક્રમ બતાવવામાં આવશે; જેમાં આપત્તિ, જોખમ, અસૂરક્ષિતતા અને ક્ષમતાની સમાજ અને શાળા આપત્તિ વ્યવસ્થાપન યોજનાની સમાજ આપવામાં આવશે.
- તા.30 જાન્યુઆરીના રોજ બીજા દિવસે શાળાના તાલીમ પામેલા શિક્ષકો દ્વારા સંભવિત હેઝાર્ડની ચાર્ટ/પોસ્ટર, આઈઇસી, ઓડિયો, વિડિયોના માધ્યમની સમજ આપવામાં આવશે.
- તા.31 જાન્યુઆરીના રોજ ત્રીજા દિવસે તાલીમ પામેલ શિક્ષકો, ફાયર બ્રિગેડ અને આપદામિત્ર દ્વારા આગ, અકસ્માત, ભૂકંપ અને પૂર જેવી આપત્તિ સમયેની સમજ અપાશે.
- તા.01 ફેબ્રુઆરીના રોજ ચોથા દિવસે ચિત્ર, નિબંધ, વકતૃત્વ સ્પર્ધા શાળા કક્ષાએ યોજાશે.
- તા.02 ફેબ્રુઆરીના રોજ પાંચમા દિવસે 108 એમ્બ્યુલન્સ, એનડીઆરએફ, એસડીઆરએફ અને ફાયર બ્રિગેડ દ્વારા શોધ અને બચાવ તેમજ પ્રાથમિક સારવાર અંગેની માહિતી આપવામાં આવશે.
- તા.03 ફેબ્રુઆરી છઠ્ઠા દિવસે એનડીઆરએફ, એસડીઆરએફ અને ફાયર બ્રિગેડ દ્વારા ડેમોસ્ટ્રેશન, મોકડ્રિલ અને ઈનામ વિતરણ કરાશે.