Junagadh News : વિવિધ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર જૂનાગઢ જિલ્લાના પ્રતિભા સંપન્ન 13 વ્યક્તિઓનું રાજ્યપાલ અને મુખ્યમંત્રીના હસ્તે સન્માન થયું.
- ગરવા ગઢ ગીરનારની ગોદમાં 75માં પ્રજાસત્તાક પર્વની પૂર્વસંધ્યાએ ‘સોરઠ ધરા સોહામણી’ સાંસ્કૃતિક કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં વિવિધ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર જૂનાગઢ જિલ્લાના 13 પ્રતિભા સંપન્ન વ્યક્તિઓનું પ્રશસ્તિપત્ર અને સ્મૃતિચિહ્ન આપી સન્માન કરાયું હતું.
- આ સન્માન મેળવનાર પ્રતિભા સંપન્ન વ્યક્તિઓમાં, ચિત્રકલા ક્ષેત્રમાં બેજોડ યોગદાન આપનાર રજનીકાંત ડી. અગ્રાવત, ઈમરજન્સી સેવા ક્ષેત્રમાં અતિવૃષ્ટિમાં 230 વ્યક્તિઓના જીવ બચાવનાર જૂનાગઢ ફાયર ટીમનું સન્માન કરવામાં આવ્યું.
- રમતક્ષેત્રમાં અંડર-19 યોગાસનમાં ગોલ્ડમેડલ મેળવનાર વાજા શાહનવાઝ દાઉદભાઈ, રમતક્ષેત્રમાં જ સીનિયર સીટિઝન નેશનલ માસ્ટર એથ્લેટિક ઝડપી દોડમાં છ વખત પ્રથમ આવેલા ભાનુમતિબહેન કે. પટેલનું સન્માન કરવામાં આવ્યું.
- આ ઉપરાંત પર્યાવરણ ક્ષેત્રમાં યોગદાન આપવા બદલ વસુંધરા નેચર ક્લબના પ્રમુખ પ્રણવ વઘાસિયા, સાંસ્કૃતિક ક્ષેત્રે યોગદાન આપનાર વિપુલભાઈ શાંતિલાલ ત્રિવેદી તેમજ રમેશભાઈ એલ.જોશી અને મિલિંદ ગઢવીનું સન્માન કરવામાં આવ્યું.
- ઉપરાંત મૂક અભિનય અને એકપાત્રીય અભિનયમાં ઉત્કૃષ્ટ કલા પાથરનાર ભગવાનભાઈ દેવધરિયા, જાહેર સલામતી ક્ષેત્રમાં પ્રદાન આપનાર નેત્રમ શાખાના પ્રતીક મશરૂ તેમજ ડ્રગ્સના દૂષણને ડામવા ઉત્તમ કામગીરી કરનાર નાયબ પોલીસ અધિક્ષક હિતેશ ધાંધલિયાનું સન્માન કરવામાં આવ્યું.
- ઈતિહાસવિદ્ ડો.વિશાલ આર. જોશી તેમજ વન તથા વન્ય પ્રાણી સંરક્ષણ ક્ષેત્રમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર અશોકકુમાર કરસનભાઈ અમીનનો સમાવેશ થાય છે.