જાણો જૂનાગઢના એક એવાં ઔષધાલય વિશે, જ્યાં હજારો ઔષધીઓની ઉપલબ્ધી છે!

ઔષધાલય

ઔષધાલય : આપણાં ગિરનારની સામે જોઈએ તો એવું લાગે કે જાણે કોઈ જટાળો જોગી બધી મોહમાયા ખંખેરીને એકદમ શાંત ચિત કરીને સૂતો હોય. ખરેખર ગિરનારનું પણ કઈક એવું જ છે, તે પણ આસપાસના વિસ્તારોમાં અમુલ્ય સંપતિ આપીને પોતે ચીરનિંદ્રામાં પોઢી ગયેલ છે. ગિરનારના જંગલમાં જે સમૃદ્ધિ સચવાયેલી છે તે કોઈ ખજાનાથી ઓછી નથી, ત્યારે ચાલો અહી વાત કરીએ આવી અમુલ્ય સંપતિ રૂપી વનસ્પતિઓની જે સામાન્ય જ્વરથી માંડીને કેન્સર જેવા જટિલ રોગોમાં પણ ઉપયોગી થઈ શકે છે.

સૌ પ્રથમ વાત કરીએ ગોરખ આમલીની, જેનું લેટિન નામ છે એડ્ન્સોનિયા ડીજેટીટા. ભવનાથ તરફ જતાં વાઘેશ્વરી મંદિર પાસે જતાં જે રૂખડ વૃક્ષ આવે છે તે જ ગોરખ આમલી. આ ઝાડના પાંદડા કઈક અંશે શીમળાના પાન જેવા હોય છે. તેમજ તેના ફળ પણ દૂધી જેવા થાય છે, પરંતુ તેના ફળની લંબાઈ માત્ર એક વેંત જેટલી જ હોય છે. ગોરખ આમલી દમના વ્યાધિમાં ખાસ અસરકારક છે. ત્રણ ભાગ ગોરખ આમલીનો ભૂકો લઈને તેમાં એક ભાગ સૂકા અંજીરનો પાવડર ભેળવીને તેનું સેવન કરવાથી દમમાં ફાયદાકારક રહે છે.

ઔષધાલય

આવી જ બીજી એક અલભ્ય વનસ્પતિ છે ઇન્દ્રજવ. જેનું અંગ્રેજી નામ ઓવલલીવ્ડ છે. ઇંદ્રજવનો ઉપયોગ કૃમિ ઉપર ખૂબ સારી રીતે અસરકારક થાય છે. સાથોસાથ તેની શીંગ અથાણાં બનાવવામાં પણ ખૂબ વપરાય છે. તેમજ કમળી અને વિષ પર ખાસ અસર કરે છે.

ગિરનારના જંગલમાં જોવા મળતી બીજી એક અમુલ્ય વનસ્પતિ છે આલ. જેનું લેટિન નામ વધુ જાણીતું છે. આલનું લેટિન નામ છે મોરિન્ડા, સીટ્રીફોલિયા. આ વનસ્પતિનું લાંબો સમય સેવન કરવાથી મૂત્રમાર્ગના તમામ રોગ દૂર થાય છે. તેમજ વૃદ્ધાવસ્થાની નિર્બળતા દૂર થઈને સફેદ વાળ કાળા થાય છે.

હાલ ખૂબ ઓછી જોવા મળતી વનસ્પતિ એવી અર્જુન સજડ અથવા ધોળો સાજડ આપણાં ગિરનારના જંગલમાં પ્રાપ્ય છે. આ વનસ્પતિનું લેટિન નામ ટર્મિનેલિયા ટોમેન્ટોસા છે. આ એક જંગલી વૃક્ષ છે. સામાન્ય રીતે આ વૃક્ષ હાલ ક્યાય પણ જોવા મળતું નથી, પરંતુ ગિરનારના જંગલમાં ધોળો સાજડ મળવાપાત્ર છે.

આમ આવા બીજા પણ ઘણા અમૂલ્ય અને અલભ્ય વૃક્ષો ગિરનારના જંગલમાં જોવા મળે છે. જેના ઉપયોગ થકી જટિલ બીમારીઓમાં પણ સચોટ અને સરળ ઈલાજ પ્રાપ્ત થઈ શકે છે. એટલા માટે જ ગિરનારને કદાચ જડીબુટ્ટીનું આશ્રયસ્થાન માનવમાં આવે છે…

આવી જ બીજી ઔષધીઓ વિષેની માહિતી આપીશું બીજા ભાગમાં….

(Information Source:- Aaryabhishek book)

Also Read : Aapdu Junagadh is the leading Digital and Social Media Marketing Agency Junagadh