હિમાલયનાં દીકરી અને પાર્વતી સ્વરૂપ: માઁ હિમજા

શ્રી હિંબડી સકલ સિદ્ધિ કરી દ્વિજાનાં,શ્રી હિંબડી સકલ કામ દુધા દ્વિજાનાં,

શ્રી હિંબડી શુભ ફલાર્થ કરીદ્વિજાનાં,શ્રી હિંબડી ભવ ભયાર્તીહરી દ્વિજાનાં.

આપણાં જૂનાગઢમાં આવેલા નરસિંહ મહેતાના ચોરા સામે આવેલા એક નાના પ્રવેશદ્વારમાંથી નીચે ઉતરતા હિમજા માતાજીનું ભવ્ય મંદિર આવે છે. આ મંદિર અંદાજે 500 વર્ષ જૂનું હોવાની માન્યતા સેવાઇ રહી છે. અહીંયા હિમજા માતાજીની બે પ્રતિમાના દર્શન થાય છે. એક મંદિરના ગર્ભગૃહમાં, જ્યારે બીજી ગર્ભગૃહની નીચે આવેલી એક નાની ગુફામાં દ્રશ્યમાન થાય છે. આ માતાજીનું સ્થાપન એક કૂવા ઉપર થયું હોવાની માન્યતા છે. અહીંયા માતાજીના ચતુર્ભુજ અને મહિષાસુર મર્દીની સ્વરૂપના દર્શન થાય છે.

સ્કંદ પુરાણની એક કથા અનુસાર મહિષાસુરના દીકરા રક્તકેતુને મારવા માટેમાઁ હિમજાએ અવતાર ધારણ કર્યો હતો. હિમજા એટલે હિમાલયની દીકરી. આ હિમજા માતાજીને હિમાલયના પુત્રી એટલે માઁ પાર્વતીજીનું સ્વરૂપ માનવામાં આવે છે.

આ મંદિરના ઇતિહાસની વાત કરીએ તો,ઉત્તર ગુજરાતના રાધનપુર પાસે આવેલા ઝારોળગઢમાં આજથી કેટલાય વર્ષો પૂર્વે ઝારોળા બ્રાહ્મણો અને વણીકો નિવાસ કરતા હતા. એક સમયે ત્યાં વિધર્મીઓનું આક્રમણ થયું અને તે ગામ નાશ પામ્યું.ત્યારે ત્યાંના રહેવાસીઓએ ધંધા-રોજગાર અર્થે હિઝરત કરી અલગ-અલગ પ્રાંતમાં વસવાટ કર્યો. જેમાંના અમુક વણીકો જૂનાગઢ પ્રદેશમાં આવ્યા અને આ નગરમાં વસવાટ કરવા લાગ્યા. આ વણીકોની વસ્તી પરથી જૂનાગઢનો એક વિસ્તાર “ઝારોળાપા”(અત્યારની સંઘાળિયા બજાર) તરીકે ઓળખાતો. આ ઝારોળા વણીક અને બ્રાહ્મણો હિમજા માતાજીને કુળદેવી તરીકે પૂજતા. તેથી હિમજા માતાજીની મુળ સ્થાનકેથી અહિયાં જૂનાગઢમાં પધરામણી કરવામાં આવી.

કાળક્રમે જૂનાગઢ પર બાબી વંશનું રાજ આવ્યું, ત્યારે જૂનાગઢના નવાબ દ્વારા પણ માતાજીના દિવેલ નિમિત્તે રોકડ ભેટ ચડાવવામાં આવતી હતી. બ્રહ્મહત્યાના પાપને લીધે ઝારોળા વણીકોને હિમજા માતાજીના શાપનું ભોગ બનવું પડ્યું. નિરવંશતાનો શાપ લાગતા ધીમેધીમે ઝારોળા વણીકોની વસ્તી ઘટી જતાં ઝારોળાપા વિસ્તાર ખાલી થઈ ગયો.

એક લોકવાયકા મુજબ, પ્રાચીન કાળમાં અહીંયા માતાજીનું કોઈ શુભકાર્ય કરવા માટે વાસણોની યાદીની એક ચિઠ્ઠી અહીંયા કૂવા પાસે રાખવામાં આવતી. માતાજીનો ચમત્કાર થતાં એ ચિઠ્ઠીમાં લખવામાં આવેલાં તમામ વાસણો સોના-ચાંદીના થઈને કૂવા પાસે ગોઠવાઈ જતા. સમય જતાં કોઇની નિયત ખરાબ થવાથી વાસણોની ચોરી થતાં માતાજીનો આ ચમત્કાર બંધ થયો.

હિમજા માતાજીનું મુખ્ય મંદિર ઉત્તર ગુજરાતનાં રાધનપુર પાસેના દેવગામ ખાતે આવેલું છે. હિમજા માતાજીના અન્ય 22 જગ્યાઓએ મંદિરો આવેલા છે. જૂનાગઢમાં બિરજતાં હિમજા માતાજીને સોરઠીયા વણિક સમુદાયકુળદેવી સામુદ્રી માતા તરીકે પૂજે છે. હિમજા મંદિરે ભાદરવા સુદ છઠ્ઠનો માતાજીનો પ્રાગટ્ય ઉત્સવ ઉજવાય છે,તેમજ આસો નવરાત્રી દરમિયાન અહીંયા માતાજીનું વિશેષ પૂજન-અર્ચન કરવામાં આવે છે

આભાર: કામેશ્વરભાઈ દવે

સૌને જય માતાજી…

Author: Sumit Jani(શિવાય) #TeamAapduJunagadh