આપણાં જૂનાગઢ નું ગૌરવ કહી શકાય એવી વિશ્વવિદ્યાલય એટલે કે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી. આ કૃષિ યુનિવર્સિટી જૂનાગઢ જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર પ્રાંત માટે વરદાન સ્વરૂપ બની ગઈ છે. ત્યારે આવો જાણીએ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી વિશેની કેટલીક મહત્વની વાતો…
કૃષિ મહાવિદ્યાલય, જૂનાગઢએ જૂન, 1960થી પોતાનું કાર્ય શરૂ કર્યું. આ મહાવિદ્યાલય ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ સાથે વર્ષ 1967 સુધી જોડાયેલી રહી. જેના પછી 1968માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સ્થાપના રાજકોટમાં થયા પછી તેનું સ્થાનાંતર અને સંલગ્ન સૌરાષ્ટ્ર યુનિ. સાથે કરી દેવામાં આવ્યું. ગુજરાત કૃષિ વિશ્વવિદ્યાલયની સ્થાપના ફેબ્રુઆરી, 1972માં કૃષિ શિક્ષણ, અનુસંધાન અને વિસ્તાર શિક્ષાના હેતુથી કરવામાં આવી. આ ગુજરાત કૃષિ વિશ્વવિદ્યાલાય અંતર્ગત ચાર અલગ-અલગ કૃષિ યુનિવર્સિટીઓની રચના કરવામાં આવી. જેમાંની એક જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, 1લી મે, 2004ના રોજ અસ્તિત્વમાં આવી.
આ કૃષિ યુનિવર્સિટી દસ જિલ્લાઓનું જેવા કે અમરેલી, ભાવનગર, જામનગર, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ અને મોરબીનું ઐતિહાસિક રૂપથી નેતૃત્વ સંભાળે છે. આ સમગ્ર સૌરાષ્ટ્ર પ્રદેશમાં અનિશ્ચિત વરસાદ અને ઓછી ફળદ્રુપતાને ટક્કર આપીને આ કૃષિ યુનિવર્સિટી કામ કરી રહી છે. આ સૌરાષ્ટ્ર પ્રદેશના મુખ્ય પાકોમાં મગફળી, તલ, એરંડા, કપાસ, બાજરો, ઘઉં અને મસાલા મુખ્ય છે. જ્યારે કેસર કેરી મુખ્ય ફળમાં સામેલ છે. સૌરાષ્ટ્રના પશુઓની વાત કરીએ તો ગીર ગાય, જાફરાબાદી ભેંસ, ઝાલાવાડી બકરી અને કાઠી ઘોડા મુખ્ય છે.
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને કૃષિ વિજ્ઞાન અર્થાત કૃષિ, બાગાયતી, કૃષિ એન્જીનિયરીંગ, મત્સ્ય વિજ્ઞાન, પશુ ચિકિત્સા વિજ્ઞાનનું અધ્યયન કરાવવામાં આવે છે. કૃષિ યુનિવર્સિટીની સ્થાપના 1960માં થઇ અને જૂનાગઢમાં થઈ ત્યારબાદ વર્ષ 1984માં કૃષિ અભિયાંત્રિક અને પ્રાયોગિક મહાવિદ્યાલયની સ્થાપના થઇ. જ્યારે વર્ષ 1991માં કોલેજ ઓફ ફિશરીઝ સાયન્સની શરૂઆત કરવામાં આવી. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં બેકરી અને બાગાયતી માળીની તાલીમ આપતા સર્ટિફિકેટ કોર્ષ પણ અહી કરવવામાં આવે છે. આ ઉપરાંત જૂનાગઢ અને મહુવા ખાતે કૃષિ આધારિત આઇટીઆઇ કેન્દ્રો પણ ચલાવવામાં આવે છે.
અન્ય સુવિધાઓ ઉપર નજર કરવામાં આવે તો, અહિયાં કેન્દ્રિય પુસ્તકાલય, 24 કલાક ઇન્ટરનેટ કનેક્ટિવિટી, સ્પોર્ટ કોમ્પ્લેક્સ, જિમ્નેશીયમ, આરોગ્ય કેન્દ્ર વગેરે સુવિધાઓ પરીસરમાં જ ઉપલબ્ધ છે. જે વિદ્યાર્થીઓને તેઓના જીવન વિકાસમાં મદદરૂપ કરતું વાતાવરણ પૂરું પાડે છે.
થોડાં સમય પહેલા જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીને ગુજરાતની શ્રેષ્ઠ ચાર યુનિવર્સીટીમાં સ્થાન મળ્યું હતું. ભારત સરકારના માનવ સંશાધન વિકાસ મંત્રાલય દ્વારા દેશની તમામ યુનિવર્સિટીઓનું એન.આર.આઈ.એફ. રેન્કીંગ બહાર પાડવામાં આવ્યું હતું. જ્યારે હાલમાં એક ખાનગી સંસ્થા દ્વારા થયેલા સર્વેમાં જુનાગઢ કૃષિ યુનિવર્સીટીને દેશની ટોપ યુનિવર્સિટીમાં 21મો ક્રમ મળ્યો છે. જેમાં યુનિ. રેંકિંગ, પી.જી. અભ્યાસક્રમ અંતર્ગત પ્રવેશક્ષમતા, સંચાલન, ભૌતિક સુવિધા અને પર્સનાલીટી ડેવલપમેન્ટ જેવા વિવિધ ઘટકોના આધારે કુલ 1000 ગુણમાંથી કૃષિ યુનિવર્સિટીને 564 ગુણ મળ્યા છે.
આ સર્વેમાં દેશની અલગ અલગ કેટેગરીની 900 યુનિવર્સિટી તથા 125 સંસ્થાને પસંદ કરવામાં આવી હતી. તેમાંથી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીને 564 ગુણ મળ્યા હતા અને દેશની ટોપ યુનિવર્સિટી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનો સમાવેશ થયો છે.
અમે પણ જૂનાગઢને એટલો જ પ્રેમ કરીએ છીએ જેટલો તમે! જૂનાગઢ પ્રત્યેના આ પ્રેમને વધુ ગાઢ બનાવવા Aapdu Junagadh આપને જરૂરથી ઉપયોગી થશે. આ એક એવું માધ્યમ છે, જેના દ્વારા તમે આપણાં જૂનાગઢમાં બનતી રોજબરોજની સકારાત્મક ઘટનાઓ, નગરજનોને ઉપયોગી માહિતી, જૂનાગઢ શહેર અને તેની આજુબાજુ આવેલા સ્થળો, ધાર્મિકતા, ઐતિહાસિક સ્મારકો, વ્યક્તિ વિશેષ વિશેની માહિતી મેળવી શકશો. જો તમને ઉપરનો લેખ ગમ્યો હોય તો, શેર કરીને વધુને વધુ લોકો સુધી પહોંચાડો તથા તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો.
જો આપની પાસે જૂનાગઢ વિશેની વિશેષ માહિતી હોય તો અમારા સુધી ઇમેઈલ દ્વારા પહોંચાડી શકો છો.
Email Id: aapdujunagadh@gmail.com
Aslo Read : હાલો જાણીએ 51 શક્તિપીઠો પાછળની પૌરાણિક કથા વિષે