India First Voting : સ્વતંત્ર ભારતમાં સૌપ્રથમ મતદાન આપણાં જૂનાગઢમાં થયું હતું! જાણીએ એ ઐતિહાસિક દિવસની સંપૂર્ણ માહિતી…

India First Voting

India First Voting : 15મી ઓગષ્ટ 1947ના રોજ ભારત દેશ આઝાદ થયો.  એ સમયે જૂનાગઢનાં નવાબ ભારતમાં ભળવાને બદલે પાકિસ્તાનમાં ભળવા માંગતા હતાં. ત્યારે અનેક આગેવાનો દ્વારા જૂનાગઢને આઝાદ કરવા આરઝી હકુમતની લડાઇ થઇ હતી. આઝાદી બાદ પ્રથમ મતદાન આપણાં જૂનાગઢમાં થયું હતું. આ મતદાન કોઈ પક્ષ કે નેતાને ધ્યાને લઈને નહોતું થયું, પરંતુ જૂનાગઢની પ્રજા હિન્દુસ્તાન સાથે રહેવા માંગે છે કે પાકિસ્તાન સાથે તેને લઇને આ  ખાસ મતદાન યોજાયું હતું. India first voting

India first voting

તારીખ 8 નવેમ્બર 1947ના રોજ જૂનાગઢના નવાબ મહોબતખાન ત્રીજાએ કરાંચીથી દીવાન ભુટ્ટો ઉપર તાર કરેલો. જેને પ્રજાજનોને સંબોધીને હિંસા અટકાવવા તથા હિન્દ સંઘનું જનમાનસ જાણવા આ તાર કર્યો હતો. દીવાન ભુટ્ટોએ જવાલાલ નેહરૂને આ અંગેની નવાબની લાગણીઓ જણાવી. બાદમાં સૌરાષ્ટ્ર સ્ટેટના રાજકોટના રિજિયોનલ કમિશનરને પણ આ લખાણથી વાકેફ કરવામાં આવ્યા. એ પછી કેપ્ટન હાર્વે જોન્સે હિંદ સંઘ વતી નીલમ બૂચના હુકમથી કાઠીયાવાડ ડિફેન્સ ફોર્સના કમાન્ડર ગુરૂદયાલ સિંઘને જૂનાગઢનો કબજો સોંપ્યો.

ત્યારબાદ તારીખ 10 નવેમ્બર 1947ના હિન્દ સંઘે એડમિનિસ્ટ્રેટિવની નિમણૂક કરી. 1લી જૂન 1947 થી એડમિનિસ્ટ્રેટિવને મદદ કરવા શામળદાસ ગાંધી, પુષ્પાબેન મહેતા અને દયાશંકરભાઈ દવેની કાઉન્સિલનું પ્રધાન મંડળ રચાયું. એક સંદર્ભ અનુસાર 13, નવેમ્બર, 1947ના રોજ સરદાર વલ્લભભાઇ પટેલે બહાઉદ્દીન કોલેજના પટાંગણમાં એક સભા સંબોધિ હતી. જે વેળાએ હાજર જનમેદનીને પુછ્યું હતું કે,”જે લોકો હિન્દુસ્તાનમાં રહેવા માંગતા હોય તે હાથ ઉંચા કરે”, ત્યારે સર્વે લોકોએ હાથ ઉંચા કર્યા હતાં અને સરદાર પટેલની આ વાતને સમર્થન આપ્યું હતું.

20મી ફેબ્રુઆરી 1948માં જૂનાગઢમાં સૌપ્રથમ વખત મતદાન થયું હતું. આ મતદાન કોઈ પક્ષ કે નેતાને ધ્યાને લઈને નહોતું થયું, પરંતુ જૂનાગઢની પ્રજા હિન્દુસ્તાન સાથે રહેવા માંગે છે કે પાકિસ્તાન સાથે તેને લઇને આ  ખાસ મતદાન યોજાયું હતું. જેમાં હિન્દુસ્તાન તરફી મતદાર માટે લાલ ડબ્બા અને પાકિસ્તાન તરફી મતદાન માટે લીલા ડબ્બા રખાયા હતાં. આ મતદાનમાં હિન્દુસ્તાન તરફી 1,90,688 મત અને પાકિસ્તાન તરફી 91 મત પડ્યાં હતાં. આ ઉપરાંત જૂનાગઢ આસપાસનાં માણાવદર, બાંટવા બડા, બાંટવા છોટા, બાબરીયાવાળામાં હિન્દુસ્તાન તરફી 31405 અને પાકિસ્તાન તરફી 39 મત પડ્યાં હતાં. આઝાદી પછી દેશમાં સૌપ્રથમ વખત જૂનાગઢમાં મતદાન થયું હતું. એ વેળાએ હિન્દુસ્તાન તરફી મતદાન કરવા આવેલી મહિલાઓએ લાલ સાડી તથા લાલ બંગડીઓ પહેરી હતી, જ્યારે પુરૂષોએ લાલ કપડા પહેર્યાં હતાં.

#TeamAapduJunagadh

Also Read : ઐશ્વર્યા રાય ની ડુપ્લિકેટની તસવીરો થઈ વાયરલ…….જુઓ તસવીરો….