આવો જાણીએ ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રતનું વિશેષ મહાત્મય…

ગૌરી વ્રત

ગૌરી વ્રત : વૈદિકકાળથી વ્રતની પરંપરા શરૂ થયેલી છે, જેનો સાદો અર્થ ‘નિયમ’ થાય છે, પરંતુ તેમાં જ્યારે ધર્મ ભળે એટલે તેનો અર્થ ‘ધર્મસંગત આચરણ’ એવો થાય છે. અષાઢ સુદ અગિયારસથી શરૂ થનારું કુમારિકાઓને મનભાવન ભરથારની એટલે કે પતિ પ્રાપ્ત કરાવનારું ગૌરીવ્રત અને અખંડ સૌભાગ્ય તથા સંતતિ પ્રાપ્ત કરાવતું જયા પાર્વતી વ્રતની શરૂઆત થઈ રહી છે, ત્યારે આપણે આ બંને વ્રતો વિશે થોડું જાણીએ…

ગૌરી વ્રત

શિવપુરાણની કથા મુજબ હિમાલયની પુત્રી પાર્વતીએ શિવજીને પતિ રૂપે પ્રાપ્ત કરવા માટે આ બંને વ્રતો કર્યા હતા. વ્રત દ્વારા જ પાર્વતીજીએ પોતાની મનોકામના પૂર્ણ કરી હતી. ત્યારથી કુમારિકા પોતાને મનગમતો પતિ પ્રાપ્ત કરવા માટે અને અખંડ સૌભાગ્ય તથા સંતતિ પ્રાપ્તિના શુભ હેતુથી આ વ્રતો કારતી આવે છે.

ગૌરી વ્રત

અષાઢ સુદ એકાદશીથી પૂર્ણિમા સુધી પાંચ દિવસનું ગૌરી વ્રત તેમજ અષાઢ વદ બીજ સુધીનું જયા પાર્વતી વ્રત સતત પાંચ વર્ષ સુધી વારાફરતી કરવામાં આવે છે. આ બંને વ્રતમાં અષાઢી હરિયાળીને અનુરૂપ ‘જ્વારા’નું પૂજન કરવામાં આવે છે. પકાવેલા રામપાત્રની અંદર ભીની માટીમાં સાત પ્રકારના ધાન્ય; ઘઉં, જઉં, તલ, મગ, તુવેર, ચોળા અને અક્ષત વાવીને જ્વારા ઉગાડાય છે. અષાઢ મહિનામાં આ સાતેય ધાન્યથી ખેતરો લહેરાતા હોય છે.

માતા પાર્વતીજીનું પ્રતિક ‘જ્વારા’:  

‘જ્વારા’એ માતા પાર્વતીનું પ્રતીક છે. રૂની પૂણીને કંકુ વડે રંગી તેમાં ગાંઠો વાળીને ‘નાગલા’ બનાવવામાં આવે છે. ‘નાગલા’ શિવનું પ્રતિક છે. શિવજી મૃત્યુંજય તો માતા પાર્વતીજી મૃત્યુંજયા છે, જેથી બંનેની સંયુક્ત પૂજા કરવામાં આવે છે. આ વ્રતના અનુસંધાનમાં આપણા સારસ્વત કવિશ્રી રમેશ પારેખએ એક સૂચક ગીત લખ્યું છે:

“ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યાં, પણ નાગલા ઓછા પડ્યા રે લોલ…”

વ્રતના પહેલા દિવસે કુમારિકાઓ સૂર્યોદય થતાં શૃંગાર કરીને વાવેલા ‘જ્વારા’ અને ‘નાગલા’ પુજાપા સાથે એક થાળીમાં લઈ સમૂહમાં શીવમંદિરે જાય છે. મંદિરે આવી જ્વારાને નાગલા ચડાવી, અક્ષત-કંકુ દ્વારા ષોડશોપચારે પૂજા કરે છે. પૂજા કરીને શિવ-પાર્વતી પાસે મનગમતો ભરથાર માંગી, અખંડ સૌભાગ્ય તથા સુસંતતિ પ્રાપ્ત થાય તે માટે શ્રદ્ધા અને નિષ્ઠાપૂર્વક પ્રાર્થના કરે છે. પાંચ દિવસના વ્રત દરમિયાન કુંવારિકાઓ મીઠા વગરનું મોળું ભોજન કરી એકટાણું કરે છે, માટે જ અમુક પ્રાંતમાં આ વ્રતને ‘મોળાવ્રત-મોળાકત’ વ્રત કહે છે.

પાંચ દિવસના બંને વ્રતો જ્યારે પૂરા થાય છે, ત્યારે પાંચમા દિવસે જ આ જ્વારા જળાશયમાં વિસર્જન કરી કુમારિકાઓ રાત્રી દરમિયાન જાગરણ કરી શિવ-પાર્વતીની ઉપાસના કરે છે. જાગરણ પછીના છઠ્ઠા દિવસના પારણા કરી વ્રતની પૂર્ણાહૂતિ કરે છે. સતત પાંચ વર્ષ સુધી આ વ્રત ક્રમાનુસાર કર્યા બાદ, તેની ઉજવણી કરવામાં આવે છે. ઉજવણીમાં સૌભાગ્યવતી સ્ત્રીઓને જમાડી તેમને સૌભાગ્ય ચિન્હોનું દાન કરવામાં આવે છે.

ગૌરીવ્રત અને જયાપાર્વતી વ્રત સંબંધી કથા ભવિષ્યોત્તરપુરાણમાં આલેખાયેલી જોવા મળે છે. બંને વ્રતોમાં શિવ-પાર્વતીની ઉપાસના કરી રૂડો વર, સૌભાગ્ય અને સંતતિ પ્રાપ્તિનો હેતુ રહેલો છે. તો આવો આપણે સૌ આ વ્રતના અધિષ્ઠાતા શિવ-પાર્વતીને પ્રાર્થના કરીએ કે,”હે શિવ-પાર્વતી! તમારું નિષ્ઠાપૂર્વક વ્રત કરનાર દીકરીઓને મનવાંછિત ફળ આપજો!”

Also Read : જૂનાગઢ : જાહેર સ્થળોમાં ચાર કે તેથી વધુ વ્યક્તિઓએ એકત્ર થવા પર પ્રતિબંધ ફરમાવેલ