Junagadh News : આવો જાણીએ આગામી લોકસભા ચૂંટણી માટે લેવાયેલા જરૂરી નિર્ણયો તથા મહત્વની તારીખો વિશે

Junagadh News : ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થતા જૂનાગઢ લોકસભા બેઠક વિસ્તારમાં ચુંટણી અંગેની થયેલી તૈયારીઓ અને થનાર વ્યવસ્થાઓ અંગે તા.11, માર્ચના રોજ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ડો.સૌરભ પારધીએ

Junagadh News

પત્રકારોની હાજરીમાં મહત્વની માહિતી આપતી એક બેઠક યોજી હતી. જેમાં આગામી લોકસભા ચૂંટણી અંગેના વિચારો અને આયોજનની માહિતી અપાઈ હતી.

આ બેઠકમાં લોકસભા ચૂંટણી ભય મુક્ત, પારદર્શક અને તટસ્થ રીતે થાય તે અંગેનું આયોજન ઘડવામાં આવ્યું. ચૂંટણી વ્યવસ્થા તેમજ ચૂંટણીપંચની માર્ગદર્શિકા અનુસાર આદર્શ આચાર સંહિતાની અમલવારી થાય તે માટેની તૈયારીઓ હાથ ધરવા જણાવાયું. વધુમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે જૂનાગઢ લોકસભા વિસ્તારમાં કુલ મતદારો 16,28,512 છે. જેમાં જૂનાગઢ જિલ્લાના પાંચ વિધાનસભા વિસ્તારના કુલ મતદારો 11,89,424 છે.

આ ઉપરાંત કેટલીક મહત્વની તારીખો જાહેર કરવામાં આવી, જે નીચે મુજબ છે:

  1. ચૂંટણીનું નોટિફિકેશન જાહેર કરવાની તારીખ: 28, માર્ચ, 2019
  2. ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ: 4, એપ્રિલ, 2019
  3. ફોર્મની ચકાસણીની તારીખ: 5, એપ્રિલ, 2019
  4. ફોર્મ પરત ખેંચવાની તારીખ; 8, એપ્રિલ, 2019
  5. મતદાનની તારીખ: 23, એપ્રિલ, 2019
  6. મત ગણતરીની તારીખ: 23, મે, 2019

જૂનાગઢ લોકસભા મત વિસ્તારમાં કુલ મતદાન મથક 1910 અને મતદાન મથક સ્થળ 1080 રહેશે. જૂનાગઢ જિલ્લામાં કુલ 4302 શારીરિક રીતે અક્ષમ વ્યક્તિઓ મતદારયાદીમાં નોંધાયેલ છે. મહિલા સંચાલિત મતદાન મથક પ્રતિ વિધાનસભા દીઠ પાંચ રાખવામાં આવશે, એ રીતે જૂનાગઢ જિલ્લામાં 25 મતદાન મથક રાખવામાં આવશે.

નવા ઇવીએમ વીવીપેટ મશીનના ઉપયોગ અંગે જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે એક નિદર્શન કક્ષ પણ જાહેર જનતા માટે રાખવામાં આવેલ છે. જિલ્લામાં 11 વિડીયો નિરીક્ષણ ટુકડી, 15 સ્થાયી દેખરેખ ટુકડી, 15 ફ્લાઈંગ સ્કવોડ સુરક્ષા જાળવી રાખશે. આદર્શ આચાર સંહિતાના અમલ તેમજ દેખરેખ માટે જિલ્લામાં મહાનગરપાલિકા વિસ્તાર માટે એક, નગરપાલિકા વિસ્તાર માટે સાત, ગ્રામ્ય વિસ્તાર માટે નવ મળી કુલ 17 એમસીસી ટીમની રચના કરવામાં આવેલ છે. લોકસભાની બેઠક માટે ઉમેદવારની ખર્ચ મર્યાદા રૂપિયા 70 લાખ રાખવામાં આવેલ છે. જિલ્લાકક્ષાએ ઉમેદવારી ખર્ચના હિસાબો ત્રણ વખત ચકાસવામાં આવશે.

#TeamAapduJunagadh

Also Read : પવિત્ર રમઝાન માસ અને રોઝા