ગરવો ગિરનાર એ વાદળથી વાત્યુ કરે… આ પંક્તિ દરેક સોરઠવાસીએ સાંભળી જ હોય, પરંતુ આ ગરવો ગિરનાર ખાલી પોતે જ વાદળ સાથે વાતું નથી કરતો. તે હવે દેશ વિદેશના યાત્રિકોને પણ વાદળ સાથે વાતું કરવા માટે પ્રેરે છે. આજે અહી વાત કરવી છે વાદળ સાથે કરવા માટે કરવી પડતી અઘરી પ્રક્રિયાની. જી હા અહી વાત થાય છે રોક ક્લાઈમ્બિંગની. આજે ગિરનાર પર્વત રોક ક્લાઈમ્બિંગ માટે સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર બની ગયો છે. પૌરાણિક કાળથી પોતાની અંદર અનેકાનેક શક્તિઓ, જોગણીઓ, સાધકો અને લોકવાયકાઓ લઈને બેઠેલો ગિરનાર હવે રોક ક્લાઈમ્બિંગ ડેસ્ટિનેશનની નવી ઓળખ મેળવવા તરફ પ્રયાણ કરી રહ્યો છે.
ગિરનાર પર્વત પર તાજેતરમાં વિવિધ સંસ્થાનો દ્વારા પર્વતારોહણના કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. અગ્નિકૃત ખડકોથી બનેલો ગિરનાર પર્વત પોતાની વિવિધ લાક્ષણિકતાઓ દ્વારા યાત્રિકોને અનુકૂળ જણાય છે. તેમજ આસપાસના વિસ્તારમાં જરૂરી સુવિધાઓ પણ મળી રહે છે. આટલું ઓછું હોય તેમ હાલમાં જ રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ તથા ભારતીય પર્વતારોહણ કેન્દ્રીય સંસ્થાન, નવી દિલ્હીની એક શિબિરમાં પ્રમુખ પ્રશિક્ષક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગિરનારના બે હજાર પગથીયા પાસેથી જૈન દેરાસરના પાછળના વિસ્તારને આવરી લઇ અંદાજિત 1200 ફુટના નવા બે રૂટ શરૂ કરવામાં આવશે.
ગિરનાર પર કાર્યરત રાષ્ટ્રીય પર્વતારોહણ શિબિરમાં વિશ્વમાં રોક ક્લાઇમ્બીંગ ક્ષેત્રે દેશનું નામ રોશન કરનાર મહારાષ્ટ્રનો યુવાન રીતીક પણ સહભાગી છે.રીતીકે 12 વર્ષની ઉમરે પર્વતારોહક તરીકે શરૂઆત કરી હતી. હાલ, તેની ઉમર 20 વર્ષની છે. તેમાં, સ્વીત્ઝરલેન્ડ, ફ્રાન્સ, જાપાન સહિતના દેશોમાં ભારતનુ પ્રતિનિધિત્વ કર્યુ છે. રીતીકે 8 વર્લ્ડકપ ઉપરાંત 2 રોક ક્લાઇમ્બીંગ ચેમ્પીયનશીપમાં પણ ભાગ લીધો છે. ભારતમાં તે પ્રથમ ક્રમાંકનો પર્વતારોહક છે જયારે વિશ્વમાં તે 59મુ રેન્કીંગ ધરાવે છે.
પર્વતારોહણ ક્ષેત્રે પણ સ્ત્રીઓ પુરુષ સમોવડી બની છે. વડોદરામાં એમ. એસ. યુનિવર્સિટીમાં માસ્ટરનો અભ્યાસ કરનાર અને રોક ક્લાઈમ્બિંગ ક્ષેત્રે વિશેષ આકર્ષણ રાખનાર અમી પટેલ પણ તાજેતરમાં યોજાયેલી પર્વતારોહણ શિબિરમાં સહભાગી બની હતી. અમી પટેલે કહ્યું હતું કે, છોકરીઓમાં ક્લાઈમ્બિંગને લઈને હજી અવેરનેસ ઓછી જોવા મળે છે, પરંતુ જેટલી પણ છોકરીઓ આ ક્ષેત્રે કાર્યરત છે તે સર્વે સારી ટક્કર મારી શકે છે.
ગિરનાર પર્વતનું બંધારણ ક્લાઈમ્બિંગને એકદમ અનુકૂળ છે. તેમજ ગિરનાર પર્વત શહેરી વિસ્તારની નજીક હોવાથી દેશ અને વિદેશના પર્યટકોને ખૂબ આકર્ષે છે. થોડાક સમયમાં જ ખાતમુહૂર્ત થનાર છે તેવો રોપ વે પ્રોજેકટ પણ ગિરનારની સુવિધાઓમાં વધારો કરી રહ્યો છે. આ બધુ જોતાં એવું જણાઈ રહ્યું છે કે, ટૂક સમયમાં જ ગિરનાર એક મહત્વના “એડ્વેંચર સ્પોટ” તરીકે ઓળખ પ્રાપ્ત કરી લેશે.
Information Source:- InfoJunagadh
Also Read : આજરોજ શહીદ પાર્ક ખાતે ST નિવૃત્ત સમિતિની બેઠક યોજાય હતી