Junagadh News : એશિયાઈ સિંહોનું ઘર એટલે ગીરનું જંગલ. આ ગીરના જંગલમાં દરવર્ષે કેટલાય પ્રવાસીઓ મુલાકાત અર્થે આવતા હોય છે. આ ગીરના જંગલમાં હવે જીપ્સી ડ્રાઇવર તરીકે મહિલાઓ કામ કરવા માટે તૈયારીઓ કરી રહી છે, સાસણ ગીરના ટુરિઝમ ઝોનમાં મહિલા ફોરેસ્ટર, મહિલા ગાઈડ પછી મહિલા ડ્રાઇવરોને તૈનાત કરવા માટે ગુજરાત સરકાર અને વન વિભાગ તરફથી સાસણ ગીરની મહિલાઓને ડ્રાઇવિંગ શીખવવામાં આવી રહ્યું છે. junagadh news
આ છે ગીરનું વિશાળ જંગલ કે જ્યાં એશિયાઈ બબ્બર સિંહ વસવાટ કરે છે. ગીરના જંગલ અને ગુજરાતના ગૌરવસમા કેસરી સિંહોની એક ઝલક જોવા માટે દુનિયાભરના સહેલાણીઓ સાસણ ગીર આવતા હોય છે, પરંતુ આપને જાણીને આશ્ચર્ય થશે કે, હવે પ્રવાસીઓને સિંહથી રૂબરૂ કરાવવા માટે જંગલમાં મહિલાઓ જીપ્સી ચલાવીને જવાની છે અને એટલે જ વન વિભાગ દ્વારા સાસણ ગીરની મહિલાઓને ડ્રાઇવિંગ શીખવવામાં આવી રહ્યું છે, સરકારના સ્ત્રી સશક્તિકરણ અભિયાનના ભાગરૂપે મહિલાઓને પગભર કરવાના હેતુ માટે સાસણ ગીરના નાયબ વન સંરક્ષક ડૉ.મોહન રામના પ્રયાસોથી સરકાર દ્વારા સૌપ્રથમ 15 મહિલાઓને ડ્રાઇવિંગની તાલીમ આપવાનું શરુ કરાયું છે. સાસણ ગીર ખાતે શરુ કરવામાં આવેલ તાલિમ વર્ગની શરૂઆત વન વિભાગના મદદનીશ અગ્ર મુખ્ય વન સંરક્ષક રામ કુમારે કરી હતી.
ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતમાં સૌપ્રથમ વખત ગીરના જંગલમાં મહિલાઓની ભરતી કરી હતી અને ત્યાર પછી સમગ્ર ગુજરાતમાં મહિલાઓ જંગલમાં ખૂંખાર પ્રાણીઓ સાથે નીડરતા પૂર્વક સંનિષ્ટ કામગીરી કરી રહી છે. ત્યાર પછી સાસણ ગીરમાં ગાઈડ તરીકે પણ મહિલાઓને જવાબદારીઓ સોંપવામાં આવી છે, તેમાં પણ મહિલાઓ સફળતાપૂર્વક કામગીરી કરી પગભર અને આત્મનિર્ભર બની છે, ત્યારે હવે ડ્રાઇવર તરીકે પણ મહિલાઓને તૈયાર કરવાનું વન વિભાગે બીડું ઝડપ્યું છે અને એટલે જ સાસણ ગીરની ગરીબ અને આદિવાસી મહિલાઓને જીપ્સીનું ડ્રાઇવિંગ શીખવવામાં આવી રહ્યું છે, જેમાં મહિલાઓ હોંશે હોંશે ડ્રાઇવિંગ શીખી રહી છે.
વન વિભાગના જણાવ્યા અનુસાર, સૌપ્રથમ 15 મહિલાઓને ડ્રાઇવિંગ શીખવવામાં આવશે અને મહિલાને દેવળીયા પાર્કમાં ચાલતી જીપ્સીઓમાં સ્થાન આપવામાં આવશે, મહિલા ડ્રાઇવર નો પ્રયોગ સફળ થયા પછી અન્ય મહિલાઓને સમાવી લઈને ગીરના જંગલમાં ચાલતી જીપ્સીઓમાં પણ મહિલાઓને ડ્રાઇવર તરીકે સ્થાન આપવામાં આવશે, તાલિમ વર્ગની શરૂઆત સમયે સાસણ ગીર એ.સી.એફ.રાજદીપસિંહ ઝાલા, આરએફઓ ડી.પી.દવે સાસણ ગીરના સરપંચ જુમ્માભાઈ કટિયા વગેરે હાજર રહ્યા હતા.
#TeamAapduJunagadh
Also Read : પ્રદૂષણ કે સ્વદૂષણ?