Junagadh News : પ્રદૂષણ કે સ્વદૂષણ?

Junagadh News

Junagadh News : આપણાં દેશને આપણે માંનો દરજ્જો આપ્યો છે, ખરુંને! પરંતુ આ ભારત માં પ્રત્યેની આપણી ફરજો શું સાચા અર્થમાં અદા કરી રહ્યા છીએ? દેશની વાત તો આપણે નથી કરવી, આપણે આપણાં નગરની વાત કરવી છે, આપણાં જૂનાગઢની વાત કરવી છે. ઇતિહાસ, પ્રકૃતિ અને આધ્યાત્મિકતાનો અનોખો સંયોગ આપણાં જૂનાગઢ નગરમાં જોવા મળે, પરંતુ શું ખરેખર આપણે તેનું નૈતિકતાથી જતન કરીએ છીએ? શું ખરેખર આપણાં જૂનાગઢને આપણે “આપણું” માનીએ છીએ?

Junagadh News :

તાજેતરમાં જ આપણે “પ્રકૃતિ પર પ્રશ્નાર્થ?” શીર્ષકવાળી આર્ટીકલ સીરિઝમાં ઘણાબધા પ્રશ્નો દ્વારા આપણે આપણી જ પરીક્ષા કરી! રસ્તામાં ગમે ત્યાં આડેધડ ફેંકાતો કચરો, ગમે ત્યાં થૂંકવાની કળા, જળાશયોમાં ફેંકાતો કચરો, પશુ-પંખીઓને ન ખવડાવવાની વસ્તુઓ ખવડાવીને આપણે ક્યાંકને ક્યાંક પ્રદૂષણ ફેલાવવામાં એક અહમ ફાળો આપીએ છીએ. આ વાત કોઇ સમજાવે’ને આપણે સમજી જઈએ તો તો શું જોઈએ? પરંતુ આપણને તો આદત જ છે ને, સખ્ત મનાઈના પાટિયા ઉપર મૂત્ર વિસર્જન કે પાનની પિચકારી મારવાની! ત્યારે સાલું એમ થાય કે આ પ્રદૂષણ છે કે સ્વદુષણ?

રવિવારની સાંજે પ્રકૃતિના ખોળામાં ભરાતો મેળો તો સૌને ગમે છે, પરંતુ સાહેબ ક્યારેક સોમવારની સવારે તમારા કામકાજમાંથી સમય કાઢીને આ મેદાનની મુલાકાત લેજો! બધુજ સમજાય જશે કે, શું જૂનાગઢવાસીઓ આ પ્રકૃતિના ખજાનાને લાયક છે કે નથી? સિગારેટનો ધુમાડો કાઢવા, પાનમાવાની પિચકારી મારવા અને નાસ્તા-પાણી કરીને કચરો ગમે ત્યાં ફેંકવા જ આ પ્રકૃતિનું નિર્માણ થયું છે? વૃક્ષો ન વાવી શકો તો કઈ નહીં, પરંતુ પ્રકૃતિમાં રહેતા જીવોનો વિચાર કરીને, ત્યાં સિગારેટના ધુમાડા છોડવાનું છોડી દો, તો પણ એ જીવદયા જ છે!Junagadh News

આધ્યાત્મિકતાથી ભરેલા આ નગરના ભોળા ભક્તજનો, જળમાં પણ કૃષ્ણનો વાસ છે એ ભૂલીને પૂજાનો કચરો, નકામી વસ્તુઓ જળમાં જ પધરાવે છે. પછી એ પાણી વહેતું હોય તો’ય ભલે, બંધિયાર હોય તો’ય ભલે! હવે એક ક્ષણ માટે વિચારો, તમારા પીવાના પાણીમાં જરાક જેવો કચરો હોય તો પણ તમે એ પાણી ફેંકી દો છો! તો એ જળાશય તો કેટલાય જીવોનું નિવાસસ્થાન છે. જો આવો વિચાર પણ મનમાં આવશે ને, તો એક માળા કર્યાનું પુણ્ય મળી જશે!

અડીકડી વાવની મુલાકાતે આવતા પ્રવાસીઓને ક્યારેક તેમનો અનુભવ પૂછજો! જે જવાબ મળે એ મનમાં જ દાબી દેજો! આ વાવના બાંધકામ સમયે ઓ’લી બલિદાન આપનારી બે કન્યાઓનો આત્મા હાલની ગંદકી જોઈને જેટલો દુભાતો હશે, એટલો બલિદાન આપવા સમયે નહીં દૂભાયો હોય! આની પાછળ તંત્ર જવાબદાર છે કે કેમ એતો પછીની બાબત છે, પહેલા આપણે તો ગંદકીનું દૂષણ અટકાવીએ!

ચોમાસાને આડે હવે થોડાક જ દિ’ રહ્યાં છે, ત્યારે ગીર અને ગિરનારની લીલુડી ધરતી સાથે સેલફી લેવા સૌ નીકળી પડશે! પરંતુ સાહેબ, આ સેલફી લેવાની સાથે એક સંકલ્પ પણ લેવાઈ તો લેજો! કે ચોમાસું બેસે એટલે ઘર-આંગણે નહીં તો, યોગ્ય જગ્યાએ એક વૃક્ષ પગભર થાય ત્યાં સુધીની જવાબદારી સાથે વાવજો. જેથી કહેવાતા પ્રદૂષણ અને સ્વદુષણમાંથી છૂટીને અહિયાં જ સ્વર્ગ જેવું જીવન જીવી શકાય અને દરરોજ પર્યાવરણ દિવસની ઉજવણી કરી શકાય!

અમે પણ જૂનાગઢને એટલો જ પ્રેમ કરીએ છીએ જેટલો તમે! જૂનાગઢ પ્રત્યેના આ પ્રેમને વધુ ગાઢ બનાવવા Aapdu Junagadh આપને જરૂરથી ઉપયોગી થશે. આ એક એવું માધ્યમ છે, જેના દ્વારા તમે આપણાં જૂનાગઢમાં બનતી રોજબરોજની સકારાત્મક ઘટનાઓ, નગરજનોને ઉપયોગી માહિતી, જૂનાગઢ શહેર અને તેની આજુબાજુ આવેલા સ્થળો, ધાર્મિકતા, ઐતિહાસિક સ્મારકો, વ્યક્તિ વિશેષ વિશેની માહિતી મેળવી શકશો. જો તમને ઉપરનો લેખ ગમ્યો હોય તો, શેર કરીને વધુને વધુ લોકો સુધી પહોંચાડો તથા તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો.
જો આપની પાસે જૂનાગઢ વિશેની વિશેષ માહિતી હોય તો અમારા સુધી ઇમેઈલ દ્વારા પહોંચાડી શકો છો.

Email Id: aapdujunagadh@gmail.com

Also Read : Junagadh News : સાસણમાં સિંહ દર્શન માટે હવે મહિલાઓ ચલાવશે સફારી જિપ્સી