મૃગીકુંડ : શા માટે દિગંબર સાધુઓ મૃગીકુંડ માં કરે છે શાહી સ્નાન? જાણો મૃગીકુંડનો વિશેષ મહિમા..

મૃગીકુંડ

મૃગીકુંડ : કાન્યકુબ્જ(કનોજ) નામના નગરમાં યદુવંશી રાજા ભોજ રાજ કરતો. પૂર્વ કર્મના પુણ્યના પ્રતાપે પોતાની પ્રજાનું ધર્મયુક્ત પાલન કરતો હતો. તે વિદ્વાનો અને ઋષિઓ પાસેથી ધર્મકથા અને જ્ઞાનવાર્તા સાંભળતો હતો તથા સૌ સામે ઉદારતાથી વર્તતો. એક વખત જંગલોમાં રહેનારો એક અનુચર કે જેણે જંગલમાં એક મૃગ ટોળાંને જોયું અને તે ટોળામાં મૃગમુખી સ્ત્રીને જોઈ, જે મૃગની માફક કૂદે છે. અનુચરે આ વાત ની જાણ રાજા ભોજને કરી. રાજા ભોજે એ મૃગમુખીને હિંસા ન થાય તે રીતે મહેલમાં લાવવા આદેશ કર્યો.
મૃગીકુંડ

અથાક પ્રયત્નોથી આખરે મૃગમુખીને પોતાના મહેલ લઈ જવામાં રાજા ભોજને સફળતા મળી. નગરજનોને આ વાતની જાણ થતાં મૃગમુખીને જોવા લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા. ત્યારબાદ રાજા ભોજે તે મૃગમુખીને સ્નાન આદિ ક્રિયાઓથી શુદ્ધ કરી અનુપમ શણગારથી સજ્જ કરી. એ પછી રાજાએ એ મૃગમુખીને પૂછ્યું કે તમે કોણ છો? ત્યારે મૃગમુખીએ વાત માંડી કે,“સુવર્ણરેખા નદીના કિનારે ઉદાલક નામે ઋષિ રહેતા હતા. આ ઋષિ લઘુશંકા કરવા બેઠા ત્યારે દૈવી ચમત્કારથી તેમનું વિર્ય પૃથ્વી ઉપર પડયું. ત્યારે એક મૃગી કુદરતી રીતે ત્યાં આવી અને તે વિર્યનું ભક્ષણ કરતી હતી તે સમયે ઋષિએ તેમને જોઈ અને કહ્યું કે,”તને મનુષ્ય શરીરવાળો ગર્ભ રહેશે, જેનું મસ્તક મૃગનું થશે. તને વનનાં દેવતાઓ વિવિધ રસ વડે મોટી કરશે અને તે પછી કેટલાંક સમય પછી તને ફરીથી મનુષ્યનું જીવન પ્રાપ્ત થશે.”

મૃગમુખી એ કહ્યું કે,”હે રાજા મારા અગ્નીપ્રવેશ વખતે મેં લીધેલી પ્રતિજ્ઞાને કારણે તમારો જન્મ મારા પતિ તરીકે સાત વખત થયો છે. જયારે હું અગ્નીપ્રવેશ કરતી હતી ત્યારે એક આકાશવાણી થઈ હતી કે પ્રથમ પાપ ભોગવ્યા પછી જ તમને સ્વર્ગ મળશે. તેથી મારો જન્મ જે મૃગીરૂપે થયો છે, તે મૃગીનાં માથાની ખોપરી વાંસની જાળીમાં ટીંગાય છે. જો કોઈ મનુષ્ય જઈને આ મૃગીની ખોપરી ભવનાથ પાસેની સુવર્ણરેખા નદીના જળમાં પધરાવશે તો મારો ચહેરો મૃગમાંથી મનુષ્યનો થઈ જશે.” મૃગમુખીનાં વચન સાંભળી ભોજરાજાને નવાઈ લાગી. ત્યાં રહેલા એક સારસ્વત બ્રાહ્મણે રાજાને કહ્યું કે મૃગમુખી જે કહે છે તે સત્ય છે.

મૃગીકુંડ

સારસ્વત બ્રાહ્મણનાં વચન મુજબ રાજાએ વાંસની જાળીમાં અટવાયેલી મૃગની ખોપરી શોધીને તેને વિધિપૂર્વક મૃગીકુંડમાં સ્નાન કરાવ્યું. સ્નાન કરાવતાની સાથેજ મૃગમુખીનું મુખ શરદઋતુનાં ચંદ્ર સમાન સુંદર કેશવાળું થઈ ગયું. આ મૃગમુખી જાણે કોઈ ગાંધર્વ કન્યા કે કોઈ દેવકન્યા હોય તેવી સ્વરૂપવાન સ્ત્રી બની ગઈ. સારસ્વત મુનીના આશિર્વાદથી ભોજરાજા એ તે સુંદર સ્ત્રી સાથે લગ્ન કર્યા. જે જગ્યાએ મૃગના મસ્તકને સ્નાન કરાવ્યું હતું ત્યાં ભોજ રાજાએ સુંદર કુંડ બનાવ્યો અને તેનું નામ મૃગીકુંડ પાડ્યું. જે હાલમાં ગરવા ગિરનારની તળેટીમાં ભવનાથ મહાદેવના સાનિધ્યમાં આવેલું છે.

મહાશિવરાત્રીની મધ્યરાત્રીએ નાગાબાવાઓ અહિં શાહી સ્નાન કરે છે. આ પવિત્ર મૃગીકુંડમાં શ્રદ્ધાપૂર્વક સ્નાન કરવાથી અવશ્ય મુકિત પ્રાપ્ત થાય છે. એક લોકવાયકા મુજબ નાગા સાધુઓના શાહી સ્નાન વખતે પાર્વતીજી સાથે શિવજી કોઈને કોઈ રૂપમાં પ્રથમ સ્નાન કરે છે. તેમજ માતા કુંતા, અશ્વત્થામા, રાજા ભરથરી, રાજા ભૃતુહરી, રાજા ગોપીચંદ સહિતના નવનાથ ચોર્યાસી સિધ્ધો, ચોસઠ જોગણીઓ, સતી જતીઓ વગેરે દેવી-દેવતાઓ અહી સ્નાન કરે છે. જેનાં ભાગ્યમાં હોય તેને જ આ દર્શન થાય છે. સાધુઓના શાહી સ્નાન વખતે વાતાવરણ એકદમ ભક્તિરસથી તરબોળ બની જાય છે.

તો આ હતી આપણાં જૂનાગઢના ભવનાથ ક્ષેત્રમાં આવેલા મૃગીકુંડની અલૌકિક ગાથા…

Also Read : આવો મળીએ નરેન્દ્ર મોદી ની મહાસેનાને…