ગિરનાર ના વન્યપ્રાણીઓ માટે લાખો લિટર પાણીનો સંગ્રહ કરવા પ્રકૃતિપ્રેમીઓએ કર્યું આ ઉત્તમ શ્રમકાર્ય…

ગિરનાર

ગિરનાર : જૂનાગઢ માં આવેલી ગિરનાર તળેટી એટલે પ્રકૃતિ માતાનો હૂંફાળો ખોળો. આ પ્રકૃતિના ખોળે રમવા જૂનાગઢવાસીઓ તલપાપડ બનતા હોય છે. જેમાંના કેટલાક પ્રકૃતિને માણતા-માણતા તેને જાણતા-અજાણતા નુકસાન કરીને આવે છે, તો કેટલાક સાવધાનીપૂર્વક પ્રકૃતિનો આનંદ ઉઠાવતા હોય છે.

ગિરનાર

આપણાં જૂનાગઢના એવાજ પ્રકૃતિપ્રેમી યુવાન મિત્રોએ માત્ર “પ્રકૃતિ બચાવો”ની વાતો કરવાને બદલે કુદરતને બચાવવાના નક્કર કામ કરી અનોખી કામગીરી કરી છે. ગિરનાર વન્યપ્રાણી અભ્યારણ્યમાં અનેક જળાશયો આવેલા છે, જે જંગલમાં વસતા પશુ-પંખીઓ માટે અત્યંત મહત્વના છે. વરસાદ પડતાંની સાથે જ ગિરનાર પર્વત પરથી કેટલાય ઝરણાઓ વહી નીકળે છે. આ ઝરણાનું પાણી અનેક ચેકડેમોમાં સંગ્રહવામાં આવે છે, જેથી કરીને પ્રકૃતિના ખોળે રહેતા વન્યજીવોને સહારો મળી રહે.

આપણાં જૂનાગઢનાં વસુંધરા નેચર ક્લબના પ્રકૃતિપ્રેમી યુવા મિત્રો દ્વારા ગિરનાર વન્યપ્રાણી અભયારણ્ય પાસે આવેલા ચેકડેમને શ્રમદાન કરી રીપેર કરવામાં આવ્યો છે. લાલઢોરી વિસ્તારમાં વર્ષો પહેલા વરસાદી પાણીનો સંગ્રહ થાય તે માટે એક ચેકડેમ બનાવવામાં આવ્યો હતો, પણ છેલ્લા થોડા વર્ષોથી આ ચેકડેમના તળિયામાં ગાબડા પડતા તેનું પાણી વહી જતું હતું અને ધોવાણ થતું હતું.

જૂનાગઢ

વન્યપ્રાણી અભયારણ્ય નજીક હોવાના કારણે આ ચેકડેમ સિંહ, દીપડા, હરણ અને મગર માટે આ પાણીનો મહત્વનો સ્ત્રોત પણ હતો. વસુંધરા નેચર કલબના સભ્યોએ આ વર્ષે 5મી જૂન પર્યાવરણ દિવસના રોજ ભેગા મળીને આ ચેકડેમને રીપેર કરવાનું શરૂ કર્યું. જેમાં 20 જેટલા લોકો જોડાયા અને સ્વૈછિક શ્રમદાન કર્યું. કેટલાક લોકોએ આ કામથી પ્રેરાઈને નાણાકીય ટેકો આપ્યો અને દસ દિવસમાં સફળતાપૂર્વક કામ પાર પાડ્યું.

ગિરનાર

ચેકડેમની અંદરના ભાગે નીચે ભંગાણ થયું હતું અને પાણી વહી જતું હતું. જેને યુવાનોની આ ટીમ દ્વારા આરસીસીથી છ ફૂટ ઊંડો ખાડો કરી તે ગાબડું પૂરી અને તેની પાછળના ભાગે વરસાદી પાણીનો ધોધ ધીમો પડે તે માટે એક પ્રોટેકશન વોલ બનાવવામાં આવી. આ વર્ષે આ ચેકડેમમાં પાણી સંગ્રહ ક્ષમતા મુજબ થશે તો તે વન્યપ્રાણી માટે આશીર્વાદરૂપ બની રહેશે.

જૂનાગઢ

આ ચેકડેમમાં અંદાજિત 40 લાખ લીટરથી વધુ પાણી સંગ્રહ થઈ શકે એમ છે, જેના રિપેરિંગના શ્રમદાન કાર્યમાં શિક્ષકો, ડોક્ટરો અને અન્ય વ્યવસાય સાથે સંકળાયેલા લોકો જોડાયા હતા. લોકો તેમની આસપાસ આવેલા ચેકડેમ અને તળાવોને આવી રીતે સાચવે તો વરસાદી પાણી સંગ્રહ ક્ષેત્ર મોટું કામ થઈ શકે છે.

Also Read : મહાબત મકબરા : વ્યસ્ત સડકોની વચ્ચે ધબકતું જૂનાગઢનું હૃદય