સોમનાથ મંદિરને ‘ સ્વચ્છ આઇકોનિક પ્લેસ ’નો એવોર્ડ મળ્યો, જાણો ત્યાંની સ્વચ્છતા પાછળ રહેલી મહત્વની બાબતો…

સોમનાથ

ગુજરાતમાં આવેલું જગવિખ્યાત પવિત્ર યાત્રાધામ એટલે સોમનાથ મહાદેવ મંદિર, કે જે સૌરાષ્ટ્રની શાન કહી શકાય. અરબી સમુદ્રના કિનારે આવેલું સોમનાથ મંદિર ન કેવળ પવિત્ર યાત્રાધામ છે, પરંતુ પ્રવાસન ક્ષેત્રે પણ ઘણું મહત્વનું સ્થાન માનવામાં આવે છે. ભારત સરકારના સ્વચ્છતા મંત્રાલય દ્વારા આ સોમનાથ મંદિરને શ્રેષ્ઠ સ્વચ્છ તીર્થધામ તરીકેનો એવોર્ડ આપવામાં આવ્યો.

સોમનાથ

તા.6ઠ્ઠી સપ્ટેમ્બરને શુક્રવારના રોજ નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે યોજાયેલા એક સમારોહમાં ગુજરાતને આ એવોર્ડ અર્પણ કર્યો. ભારત સરકારના જલશકિત, પેયજળ અને સ્વચ્છતા મંત્રાલયે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા-સફાઇની ઉત્કૃષ્ટતા અને નવા પ્રયોગો માટે જે માપદંડો નક્કી કર્યા છે, તેમાં બેસ્ટ સ્વચ્છ આઇકોનીક પ્લેસ તરીકે યાત્રાધામ સોમનાથની પસંદગી કરવામાં આવી છે.

સોમનાથ

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની પ્રેરણા અને માર્ગદર્શનથી રાજ્યના યાત્રા-પ્રવાસન ધામોને સ્વચ્છ-સુઘડ સાફસુથરા રાખવાનું અભિયાન તા.1લી એપ્રિલ, 2017થી રાજ્યના દ્વારકા, સોમનાથ, અંબાજી, પાલીતાણા, શામળાજી, ગિરનાર અને પાવાગઢ સહિતના યાત્રાધામોમાં હાથ ધરવામાં આવ્યું છે. આ અન્વયે બીવીજી ઇન્ડીયા લીમીટેડને દ્વારકા અને સોમનાથની સ્વચ્છતા સફાઇની કામગીરી સોંપવામાં આવેલી છે. સોમનાથ યાત્રાધામમાં કુલ 1.74 લાખ સ્કે.મીટર વિસ્તારમાં ફેલાયેલું છે. જેની નિયમિત સ્વછતા-સફાઇની કામગીરી બીવીજી દ્વારા હાથ ધરવામાં આવે છે. આ સંસ્થા દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની સ્વચ્છતા સફાઇની કામગીરી પણ સફળતાપૂર્વક હાથ ધરાઇ રહી છે.

દેશના 12 જ્યોર્તિલીંગ પૈકીના પ્રથમ જ્યોર્તિલીંગ એવા સોમનાથ મહાદેવ મંદિરને સ્વચ્છ યાત્રાધામ જાહેર કરાયું છે. ગત શ્રાવણ માસમાં જ 18 લાખથી વધુ ભાવિકોએ સોમનાથ મહાદેવને શિશ ઝુંકાવ્યું હતું. જ્યારે સોશ્યલ મીડિયાના માધ્યમી 4.59 કરોડ લોકોએ મહાદેવના દર્શન કર્યા હતા. મંદિરમાં દર્શનાર્થીઓની સુવિધા માટે ખાસ વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. મેઈન કાઉન્ટીંગ મશીન દિગ્વિજય દ્વાર ખાતે રાખવામાં આવ્યું છે. સીસીટીવી કેમેરાના માધ્યમથી પીઆરઓ ઓફિસ સાથે લિન્કઅપ કરાયું છે. જેનાથી કાયમી ધોરણે મંદિરમાં દર્શર્નાથીઓની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવી શકાય છે.

સોમનાથ માત્ર ગુજરાત કે ભારત જ નહીં પરંતુ વિશ્વભરમાં મહાદેવના ભક્તો માટે એક અનેરી આસ્થાનું પ્રતિક છે. જેને સૌથી સ્વચ્છ યાત્રાધામ જાહેર કરવામાં આવતા ગુજરાતની સિદ્ધિમાં વધુ એક પીંછુ ઉમેરાયું છે. કેન્દ્ર સરકાર દ્વારા સોમનાથને આઈકોનિક પ્લેસ જાહેર કરાતા ખુદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મંદિર ટ્રસ્ટ અને ટ્રસ્ટીઓની અભિનંદન પાઠવ્યા હતા. સોમનાથ મહાદેવ મંદિર અને આસપાસના વિસ્તારોમાં જે રીતે સ્વચ્છતાને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે તે ખરેખર પ્રશંસનીય છે.

Also Read : Weight Loss Series Part 3