Gayatri Temple : ગિરનારની ગોદમાં બીરાજીત વેદમાતા: માઁ ગાયત્રી

Gayatri Temple : પૂરાણોમાં ગાયત્રી માતાની ઉત્પતિ વિશે કઇંક આ પ્રકારની કથા બતાવવામાં આવી છે, સૃષ્ટિની રચના થતી હતી, ત્યારે આદિકાળમાં ભગવાન વિષ્ણુની નાભિમાંથી કમળ ઊગી નિકળ્યું અને એ કમળના પુષ્પમાં બ્રહ્માજી ઉત્પન થયા. ઉત્પન્ન થયેલા બ્રહ્માજીને તપનો આદેશ મળ્યો. ત્યારે બ્રહ્માજીને સવાલ થયો કે તપ કોનું કરવું? બ્રહ્માજી મૂંઝવણમાં મુકાયા ત્યારે એક આકાશવાણી થઈ.

|| ૐ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યોનઃ પ્રચોદયાત્ ||

બ્રહ્માજીએ આકાશવાણીના 24 અક્ષરો શબ્દ રૂપે ગૂંથતા ગાયત્રી મંત્ર તૈયાર થયો. ઉપરાંત બ્રહ્માજીને જે સર્વાંગ સુંદર દેવીના દર્શન થયા તે માઁ ગાયત્રી શક્તિના નામથી પ્રચલિત થયા. બ્રહ્માજીના મુખેથી બોલાયેલા શબ્દોને વેદવાણી નામ મળ્યું અને ચાર વેદોની રચના થઈ. આ વેદોની માતા એટલે વેદમાતા ગાયત્રી. Gayatri temple

Gayatri Temple

આપણાં જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં આવેલું ગાયત્રી મંદિર ભાવિકોમાં અનેરી આસ્થાનું પ્રતિક છે. વર્ષ 1979માં વન વિભાગ દ્વારા ગાયત્રી શક્તિપીઠ બનાવવા માટેની જમીનનું સંપાદન થયું. સૂર્યકાંતભાઈ આચાર્ય અને હેમાબેન આચાર્ય જેવા અનેક ગાયત્રી ઉપાસકોની તપસ્યા અને અથાગ મહેનતથી વનવિભાગ દ્વારા અહિયાં શક્તિપીઠ બનાવવાની મંજૂરી આપવામાં આવી અને આ ભવ્ય શક્તિપીઠનું નિર્માણ થયું. વર્ષ 1981માં શાંતીકુંજ હરિદ્વારના મુખ્યાજી પંડિત રામ શર્મા આચાર્યજીની નિશ્રામાં જૂનાગઢના પથિકજી દ્વારા આ શક્તિપીઠના અધિષ્ઠાત્રી માઁ ગાયત્રીનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો. ત્યારબાદ વર્ષ 1983માં ગાયત્રી માતાજીની પાદુકાઓની સ્થાપના કરવામાં આવી. અહિયાં વેદમાતા ગાયત્રી સાથે સાવિત્રી માતા, દુર્ગા માતા, મહાલક્ષ્મી માતા, સરસ્વતી માતા, દેવ માતા, વેદ માતા અને વિશ્વ માતા બિરાજીત થયા છે.

Gayatri Temple

આ ગાયત્રી શક્તિપીઠ માત્ર એક મંદિર જ નથી, પરંતુ અહિયાં ઘણીબધી સમાજસેવાની પ્રવૃતિઓ પણ કરવામાં આવે છે.  જેમાં આયુર્વેદિક અને હોમિયોપેથિક ચીકીત્સા પદ્ધતિ અંતર્ગત વિવિધ પ્રકારના કેમ્પોનું આયોજન થાય છે. આ મંદિરમાં ગાયત્રી પરિવાર દ્વારા છેલ્લાં 23 વર્ષોથી દર મહિને નેત્રયજ્ઞ અને દંત યજ્ઞનું આયોજન કરવામાં આવે છે. જેમાં દર મહિને લગભગ 25 થી 30 દર્દીઓની નિ:શુલ્ક સારવાર કરવામાં આવે છે. આ સિવાય આ શક્તિપીઠમાં અનેક રોગોના નિદાન માટે કેમ્પ પણ યોજાય છે. ઉપરાંત અહિયાં ધ્યાન અને યોગ શિબિરનું પણ નિયમિત આયોજન થાય છે.

Gayatri temple

ગાયત્રી શક્તિપીઠ અને ગાયત્રી પરિવાર દ્વારા હંમેશા સમાજમાં રહેલા દૂષણો દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે.  રામ શર્મા આચાર્યજીએ સમાજમાં વિચાર ક્રાંતિ અભિયાન જગાવવા તથા મગજમાં રહેલા નકારાત્મક વિચારો દૂર કરી સકારાત્મક વિચારોને કેળવવા સમગ્ર ગુજરાતભરમાં આશરે 2400 ગાયત્રી શક્તિપીઠની સ્થાપના કરી છે. ત્યારે જૂનાગઢવાસીઓમાં અનેરી આસ્થાનું પ્રતિક થઈને બીરાજિત થયેલા ગાયત્રી શક્તિપીઠમાં દરરોજ ગાયત્રી માતાજીનો યજ્ઞ થાય છે. આ ઉપરાંત વહેલી સવારે  અને સંધ્યાકાળે માતાજીની આરતી કરવામાં આવે છે. ગિરનારની ગોદમાં બિરાજતા વેદમાતા ગાયત્રીના ચરણોમાં કોટિ કોટિ વંદન…

આભાર: ટ્રસ્ટીશ્રી (ગાયત્રી શક્તિપીઠ)

સૌને જય માતાજી…

Author: Sumit Jani(શિવાય) #TeamAapduJunagadh

Also Read : Girnar Bordevi : જાણો ગિરનારનાં જંગલમાં આવેલ પૌરાણિક મંદિર બોરદેવી વિશે.