ભાદરવા સુદ પૂનમના દિવસથી શ્રાદ્ધનો પ્રારંભ થઈને ભાદરવા વદ અમાસ સુધીના સોળ દિવસના ગાળાને (25 સપ્ટેમ્બરથી 9 ઓક્ટોબર) શ્રાદ્ધપક્ષ કહેવાય છે. પરંતુ આ વખતે છઠ્ઠની તિથિનો ક્ષય હોવાથી આ વર્ષે પંદર દિવસ જ શ્રાદ્ધ કરાશે. આ દિવસોને પિતૃપક્ષ પણ કહેવામાં આવે છે.
શ્રાદ્ધપક્ષમાં આપણા પરિવારના પિતૃની મૃત્યુતિથિએ પરિવારના લોકો ભેગા મળીને બ્રહ્મભોજન કરાવે છે.આ સાથે બ્રહ્મદાન પણ કરવામાં આવે છે. પરિવારના પિતૃદોષની સમસ્યા હોઈ તો ગૌદાન, કાળા તલનું દાન, વસ્ત્રદાન કરીને દૂર કરી શકાય છે. આ પક્ષમાં પિતૃઓનું શ્રાદ્ધ, તર્પણ, મુક્તિ માટે વિધિ કરવામાં આવે છે.
શ્રાદ્ધના અલગ અલગ ત્રણ પ્રકારો હોય છે નિત્ય,નૈમિતિ અને કામ્ય। …. નિત્ય શ્રાદ્ધ એ શ્રાદ્ધપક્ષના દિવસોમાં મૃતકની તિથિએ થાય, નૈમિતિ શ્રાદ્ધ ઘરના કોઈ શુભ પ્રસંગમાં મૃતકને યાદ કરીને કરવામાં આવે છે. કામ્ય શ્રાદ્ધ પિતૃઓ પાસેથી ખાસ માગણી સાથે કરવામાં આવતું શ્રાદ્ધ છે.
આ દિવસોમાં પરિવારના ચોક્કસ સ્વજનની મૃત્યુતિથિએ ખીર-પૂરીનો કાગવાસ બનાવવામાં આવે છે અને એ કાગડાઓને નાખવામાં આવે છે. જો કાગડાઓ એ કાગવાસ ગ્રહણ કરી લે તો શ્રાદ્ધ પિતૃઓ સુધી પહોંચી ગયું એમ માનવામાં આવે છે. આમ પિતૃઓના ઋણ ચૂકવવા માટે માનવાતા આ પર્વ ‘શ્રાદ્ધપક્ષ’નું ભારતીય સંસ્કૃતિમાં અનોખું પર્વ છે.
Also Read : શ્યામ સાધુ : જુનાગઢી ધરાનું સૂફીયાણું નામ…