શ્યામ સાધુ : જુનાગઢી ધરાનું સૂફીયાણું નામ…

શ્યામ સાધુ

શ્યામ સાધુ : આપણું ગુજરાતી સાહિત્ય જુદાં-જુદાં કવિઓના કવિકર્મથી સમૃધ્ધ થયું છે. દરેક સર્જકની આગવી ઓળખ, આગવી લેખન શૈલી અને આગવી સર્જન પ્રક્રિયા હોય છે. આજે આપણે એવા કવિત્વની વાત કરવાના છીએ, જે જીવનની વાસ્તવીકતાઓને, માનવિય વિટંબણાઓને જુદી-જુદી પરિસ્થિતઓને શબ્દોમાં ઢાળી દેતા. આ કવિ એટલે જૂનાગઢી ધરાનું સુફિયાણું નામ “શ્યામ સાધુ”…

શ્યામ સાધુ

જૂનાગઢનું નામ આવે ત્યારે ગીરનાર, તળેટી, લીલી વનરાજી, નાની-મોટી ટેકરીઓ, સંતો-મહંતોના આશ્રમો, ઝરણાઓ, પશુપક્ષીઓ વગેરે આપણી નજરની સામે ઉભુ થવા લાગે, ત્યારે વહેલી પહોરનાં ટાણે ગવાતા પ્રભાતિયાનો સુર કાને પડે કે ના પડે તો નરસિંહ મહેતા યાદ આવી જાય અને શબ્દો સાથે આપણું અનુસંધાન જોડાય કે ક્રમશઃ જૂનાગઢી સાહિત્યનાં શબ્દ સાધકોનાં એક પછી એક સ્મરણ થવા લાગે ત્યારે જૂનાગઢી ગઝલ વારસાનાં અમર વારસદાર એવાં ‘સુફીયાણા’ ગઝલકાર સ્વ.

શ્યામ સાધુ

શ્યામ સાધુનું પુણ્ય સ્મરણ થઇ આવે અને પછી એમની એક-એક ગઝલોની વાત કરવાનું મન થાય તેમની અર્થસભર, મર્મસભર, લાગણીસભર અને સાથોસાથ એકલતા, ઉદાસી અને સ્મરણોની આસપાસ હરતી-ફરતી ગઝલો ગુજરાતી ગઝલ સાહિત્યમાં નોખી ભાત ઉભી કરે છે. એમની ગઝલોમાંથી પસાર થવાનું કામ એટલે માનવિય પરિસ્થિતીઓની જુદાં-જુદાં પ્રભાવોથી ઉભી થતી મનઃસ્થિતીઓનાં આલેખનમાંથી પસાર થવું. આપણાં સ્વયંની મનઃસ્થિતીઓનું દર્શન થઇ આવે એવી કવિતાનાં સર્જક એટલે શ્યામ સાધુ.

 

શ્યામ સાધુનું પુરૂ નામ શામળદાસ મુળદાસ સોલંકી, પત્નિ- શાંતાબહેન, માતા- દેવુબાઇ અને પિતા- મુળદાસ મોહનદાસ સોલંકી (જેઓ આંબેડકરવાદી વિચારધારાથી પ્રભાવિત થયાં અને સમાજ ઉત્થાનનાં કાર્યો માટે લડત ચલાવી અને વર્ષો સુધી જૂનાગઢ નગર પાલીકાના સભ્ય તરીકે પણ ફરજ બજાવી હતી) તેઓનો જન્મ 15 જૂન, 1941 અને અવસાન 16 ડિસેમ્બર, 2001 નાં રોજ થયું. અભ્યાસ એસ.એસ.સી. સુધીનો, વ્યવસાય- નોકરી, દુકાન, જુનાગઢ નગરપાલીકામાં સેવા, તેમનાં કાવ્ય સંગ્રહો- યાયાવરી, થોડાં બિજા ઇન્દ્રધનુષ અને આત્મકથાનાં પાના એમની કવિતાંનાં મુખ્ય બે સંપાદનો મળ્યા છે. ‘ઘર સામે સરોવર’ સંપાદક સંજુભાઇ વાળા (2009) અને ‘સાંજ ઢળી ગઇ’ સંપાદક નિતીનભાઇ વડગામા (2002) આ એમનો પરિચય.

શ્યામ સાધુ

ફકીરીપણાંનો ભાવ સતત એમની ગઝલોમાં ડોકાય છે. જીવનની અવસ્થાઓમાં પ્રગટતા માનવિય ભાવોનું નિરૂપણ તેઓએ કર્યુ છે, તેથી તેની રચનાઓમાં પોતીકો ભાવ પેદા થાય છે. તેમની ગઝલો માનવિય સ્વભાવની સાથે-સાથે જીવનમાં ઉભા થતાં અભાવની વાત કરતી ગઝલો છે. તેમના શાબ્દિક પ્રયોજનમાં મોસમનો લ્હાવ છે. અને માણસની ભીતરમાં ઘુમરાતા અને ચહેરે ન દેખાતા હાવભાવની વાત છે ગુજરાતી કવિતાનાં પ્રવાહમાંથી પસાર થવાનું થાય તો શ્યામ સાધુનો મખમલી અવાજ ગઝલનાં રૂપમાં કયાંક’ને કયાંકથી સાંભળવા મળી જ જાય. એમનો પોષાક, એમનો નિર્દોષ સ્વભાવ, એમની વાત કરવાંની છટા અને સંબંધોમાં સદૈવ અર્પણની ભાવના વગેરે બાબતો તેમનાં વ્યક્તિત્વને અન્ય કરતાં અલગ પાડતા તેવું તેમનાં મિત્ર કવિ અને અધ્યાપક ડો. કૌશિકરાય પંડયા પાસેથી સાંભળેલું.

આ ગઝલકારે માણસનાં ભીતરનાં ઝંઝાવાતની વાત કરી છે. બહારની દુનિયા સાથે માણસનું જોડાણ કદાચ અંદરના ઉદ્દભવેલા વાવાઝોડાને કારણે તુટતુ હોય છે અને એ વાવાઝોડું બહારની દુનિયા એજ ભીતરની દુનિયામાં ઉભુ કરેલું હોય છે. એમની એક ગઝલનો મત્લા આવીજ વાતને લઈને આવે છે, આ જુઓ એ બેનમુન મત્લાઃ

“ પાંચ-સાત તારીખની વચ્ચે અટવાયો છે,

રહેવા દે, ફુલોની વાતો રઘવાયો છે. “

આ શાયરને જો ફરીથી એકવાર એક પળ આપવામાં આવે તો આ કવિ શું કરવાની મહેચ્છા રાખે છે, તેનું વર્ણન એક શેરમાં આ બુહુક છે.

“એક પળ બસ એક પળ આપી જુઓ,

કેવું જીવનને ચકાસી નાંખીએ. “

દરેક કવિતામાં માત્ર કલ્પનાઓનું જ સામ્રાજય હોય છે એ જરૂરી નથી અનુભવોથી માણસ ઘડાય છે. તેમ અનુભુતિથી કવિતા ઘડાય છે. કવિતામાં સંવેદનાનું સામ્રાજય હોય છે. માણસ સંબંધોથી થાકી જાય છે પછી જિંદગી જીવવી નથી ગમતી અને પછી જીવન જીવવાનો પર્યાય જીવન વિતાવવું એવો બની જાય છે. જીવનના વિવિધ સ્મરણો, અનુભવો, દુઃખો, વેદનાઓ, વિચારો વગેરેને કવિતામાં ઉભરાતાં હોય છે. આ શાયરનો એક શેર મને ખુબ ગમે છે…

“આવ મારા રેશમી દિવસોના કારણ…

જિંદગી જેને કરે છે એ અહી ઠેબે ચડી છે. ”

આ નાનકડાં લેખમાં મે સ્વ. કવિશ્રીનો પરિચય આપ્યો છે, એમની કવિતાની નાની-નાની વાતો કરી છે. અલબત મે અહિં કોઇના સંદર્ભો ઢાંકયા નથી, પરંતુ શ્યામ સાધુ વિશે મે જે જાણ્યું છે, વાંચ્યુ છે અને અહિં આલેખવાનો પ્રયત્ન માત્ર કર્યો છે. કયારેક લેખન વિચારોમાંથી જન્મે છે તો કયારેક અનુભવોમાંથી, કયારેક વેદનામાંથી તો કયારેક સંવેદનામાંથી! હું એમનો ચાહક છું એમનો આ મારી નાની એવી શબ્દાંજલી છે. જૂનાગઢી કવિતાનાં આ અલાયદા ‘ઓલીયા’ શાયરને મારા સત સત વંદન.

Author: Nilesh Limbola #TeamAapduJunagadh

Also Read : પિતૃઓના ઋણ માટે ઉજવાતા શ્રાદ્ધપક્ષ નો પ્રારંભ.