સ્કૂલવાન : દરેક માતાપિતા પોતાના બાળકનું ભવિષ્ય ઉજ્જવળ હોય એવું ઇચ્છતા હોય છે. આ માટે તેઓ પોતાના બાળકની ખૂબજ કાળજી રાખતા હોય છે. એમને નાનામાં નાની તકલીફ પણ ન પડે તેની તકેદારી રાખતા હોય છે. બાળકને સારું શિક્ષણ, સારી સુવિધા મળે એવા પ્રયત્નો દરેક માતાપિતા કરતાં હોય છે, પરંતુ ક્યારેક એવી અણધારી ઘટના બનતી હોય છે કે, બાળકોની સલામતી પર પ્રશ્નો ઊભા થાય છે. સુરતમાં બનેલી આગની ઘટના આ વાતનું તાજેતરનું ઉદાહરણ છે. સુરતની ઘટના પછી દરેક માતાપિતા પોતાના બાળકની સલામતી માટે સજાગ બન્યા છે.
હાલમાં જ બનેલી બીજી એક ઘટના જેમાં 3 બાળકો સ્કૂલવાનમાંથી પડી ગયા, ખરેખર તો સ્કૂલવાનમાં વધીને 12 બાળકો બેસી શકે એવી વ્યવસ્થા હોય છે, પરંતુ અમુક સ્કુલવાનમાં 20 થી 22 બાળકોને ઘેટાં બકરાની જેમ ભરવામાં આવે છે. આવી બધી ઘટનાઓ માટે માત્ર સ્કૂલવાન ચાલકોને જ જવાબદાર ન ઠેરવી શકાય. એક જાગૃત વાલી તરીકે આપણી પણ ઘણી બધી જવાબદારીઓ છે. કોઈપણ ઘટના માટે બીજા પર દોષનો ટોપલો ઢોળી દેવાથી ઘટનાથી થયેલ નુકસાનની ભરપાઈ કરી શકાતી નથી, તેથી એક જાગૃત વાલી તરીકે આપણે પણ આપણી જવાબદારી સમજીએ.
વાલીઓ એ ધ્યાનમાં રાખવાની બાબતો:-
- ગુજરાત હાઈકોર્ટે બાળકોને ઠાંસીઠાંસીને ભરતા સ્કુલવાન અને રિક્ષાઓ સામે પગલા લેવાના કરેલા હુકમના અનુસંધાનમાં ગુજરાત સરકારે આ પરિપત્ર કર્યો હતો. એ મુજબ…
- સૌપ્રથમ તો તમારું બાળક જે સ્કૂલવાનમાં જાય-આવે છે, તે ચાલક પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ છે કે નહીં તે જાણવું જોઇએ.
- તમારી પાસે સ્કૂલવાન ચાલકનું નામ, સરનામું અને ફોન નંબર હોવા જોઈએ. સ્કુલવાન અને સ્કુલરિક્ષા પર તેના માલિકનું નામ અને ફોન અને મોબાઈલ નંબર લખવો ફરજિયાત છે.
- તમારા બાળકના સ્કૂલવાન ચાલક પાસે વીમો, ફિટનેસ સર્ટિફિકેટ અને ટેક્સી પાસિંગ છે કે નહીં તેની તપાસ કરવી પણ જરૂરી છે.
- તમારા બાળકની વાનમાં કુલ કેટલા બાળકો બેસાડવામાં આવે છે તેની જાણકારી તમને હોવી જોઈએ.
- બાળક સ્કૂલવાનમાંથી શરીરનો કોઈપણ ભાગ બહાર ન કાઢી શકે એવી વ્યવસ્થા હોવી જોઈએ. સ્કુલવેનની બારીઓ ડિઝાઈનવાળી જાળીઓથી કાયમી રીતે બંધ રહે તેવી રીતે બનાવવાની હોય છે. જાળીમાંથી બાળક તેમના શરીરનો કોઈપણ હિસ્સો બહાર ન કાઢી શકે તેવી ગોઠવણ કરવાની રહે છે.
- તમારું બાળક જે વાનમાં જાય છે, તેમાં પ્રાથમિક સારવારના સાધનો; એમાંય ખાસ કરીને અગ્નિશામક સાધનો હોય એ ખૂબજ જરૂરી છે.
- સ્કુલવાનના બારણા બરાબર બંધ થાય તે માટે તેના દરવાજાના લોક બહુજ સારા હોવા જરૂરી છે. સ્કુલબેગ રાખવા માટે અંદર પુરતી વ્યવસ્થા હોવી જોઇએ. વાહનમાંથી દફતરો બહાર લટકતાં ન હોવા જોઈએ.
- વાહનમાં બલ્બ અને હોર્ન બેસાડેલું હોવું જરૂરી છે. સ્કુલવાન કે રિક્ષા કલાકના 20 કિલોમીટરથી વધુ ઝડપથી દોડતી ન હોવી જોઈએ.
હવે આ નિયમોનું પાલન કરાવવા ગુજરાત હાઈકોર્ટે સરકારે કરેલા પરિપત્રની જોગવાઈ પ્રમાણે જ બાળકોને શાળાએ લઈ જવાનું રીક્ષા અને સ્કૂલવાન ચાલકો ચાલુ કરે તે બાબતની તકેદારી રાખવાની જવાબદારી આપણી પણ છે.
Take Care
Author: Urvashi Deshani #TeamAapduJunagadh
Also Read : સોરઠની શૈક્ષણિક ધરોહર: બહાઉદ્દીન કોલેજ