સોરઠની શૈક્ષણિક ધરોહર: બહાઉદ્દીન કોલેજ

જૂનાગઢનું ગૌરવ કહી શકાય તેવી બહાઉદ્દીન કોલેજનું નિર્માણ આજથી લગભગ 120 વર્ષ પહેલા એટલે કે ઇ.સ.1900ની સાલમાં થયું હતું. આ બહાઉદ્દીન કોલેજનું ભવ્ય બાંધકામ જોતાં એવુંજ લાગે કે જાણે છુટ્ટે હાથે પૈસો વપરાયો હશે! જૂનાગઢમાં આવેલી આ કોલેજ ફક્ત કોલેજ જ નથી પરંતુ બેનમૂન વાસ્તુ શિલ્પનું એક ઉત્તમ ઉદાહરણ પણ છે.
Lesser Known Facts about Bahauddin College - Aapdu Junagadh  આ કોલેજનું નામકરણ સોરઠ રાજ્યનાં વજીર બહાઉદ્દીનભાઈના નામ પરથી થયું હતું. 25 માર્ચ, 1897ના રોજ આ બહાઉદ્દીન કોલેજની ભવ્ય ઇમારતનું શિલાન્યાસ થયું હતું. આ ભવ્ય નિર્માણકાર્યમાં બહાઉદ્દીન ભાઈનું યોગદાન તો હતું જ, સાથોસાથ પુરુષોત્તમરાય ઝાલા પણ તેમાં સમાવિષ્ટ હતા. કેટલાક મતમતાંતરો મુજબ આ ભવન પહેલા બહાઉદ્દીનભાઇનું નિવાસસ્થાન હતું!  

સંદર્ભોમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે, બહાઉદ્દીનભાઈને 60 વર્ષ પૂર્ણ થતાં હતા, એ સમયે તેમના સ્નેહીજનો તરફથી અંદાજે 60 હજાર રૂપિયા જેટલી ભેટ મળી, જેમાં તેમણે 20 હજાર રૂપિયાનો ઉમેરો કર્યો. એ પછી દાનવીરો તરફથી રકમમાં એકાએક વધારો થતાં તે 2 લાખ આજુબાજુ પહોંચી ગઈ, અને બહાઉદ્દીનભાઈના મનમાં આ કોલેજના નિર્માણકાર્યનો વિચાર જન્મ્યો.એ સમયે નવાબ રસુલખાનજીનું રાજ ચાલતું હતું. ઇ.સ.1897માં તેનો શિલાન્યાસ થયો અને ત્રણ વર્ષના નિર્માણ કાર્યના અંતે 3, નવેમ્બર, 1900ના રોજ આ કોલેજનું લોકાર્પણ ભારતનાં તત્કાલિન વાઈસરૉય લોર્ડ કર્ઝનનાં હસ્તે કરવામાં આવ્યું. આરઝી હકુમતને પરીણામે જૂનાગઢને મળેલી આઝાદી વખતે વલ્લભભાઇ પટેલે બહાઉદ્દીન કોલેજના પટાંગણમાં યાદગાર સભા ભરી હતી.  

વાત કરવામાં આવે આ કોલેજના બેનમૂન બાંધકામની તો, આ ભવનની ઇમારત ઐતિહાસિકતાની સાથોસાથ સ્થાપત્ય કલાનો પણ અદ્દભૂત નમૂનો છે. કોલેજનાં મધ્યખંડનું બાંધકામ કોઈપણ આધાર સ્તંભ વગર થયેલું જોવા મળે છે. આ મધ્યખંડમાં કુલ 52 બારીઓ છે અને આ મધ્યખંડની પહોળાઈ 180 ફૂટ છે. જે એક આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. કોલેજનું બાંધકામ જેઠા ભગા મિસ્ત્રી દ્વારા કરવામાં આવેલું. જેની સરાહના ભારતનાં વાઈસરૉય લોર્ડ કર્ઝન દ્વારા કરવામાં આવી હતી.

વાત કરીએ અહીની શિક્ષણયાત્રાની તો, અંગ્રેજોના શાસનકાળ દરમ્યાન આ કોલેજમાં બેચલર ઓફ સાયન્સ, માસ્ટર ઓફ આર્ટ્સ અને લો ડિગ્રીના ભણતરથી શરૂઆત થઈ હતી. એ દિવસથી લઇને આજ સુધી શ્રેષ્ઠ અને ગુણવત્તાયુક્ત શિક્ષણની બાબતમાં બહાઉદ્દીન કોલેજ અગ્રેસર રહી છે. વર્ષ 1967માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં નિર્માણ પછી બહાઉદ્દીન કોલેજને તેની સાથે સંલગ્ન કરી દેવામાં આવી. નવલકથાકાર ‘ધૂમકેતુ’, પદ્મશ્રી વિષ્ણુભાઇ પંડ્યા સહિતની કેટલીય મહાન હસ્તીઓ અહિયાના ભૂતપૂર્વ વિદ્યાર્થી રહી ચૂક્યા છે.

Author : Sumit Jani #TeamAapduJunagadh