ઉનાળાની ગરમીનો પારો દિવસેને દિવસે વધી રહ્યો છે, ત્યારે સમગ્ર જીવ-સૃષ્ટિ આકુળ વ્યાકુળ બની ગઈ છે. ચારે તરફ આકાશમાંથી વરસતી અગ્નિથી બચવા જીવમાત્ર કોઈને કોઈ ઉપાયો શોધી રહ્યું છે. મનુષ્ય તો ગરમીથી રાહત મેળવવા ઠંડાપીણા અને સુતરાઉ આછા કપડાં પહેરવાનું પસંદ કરી રહ્યા છે. પરંતુ બહાર વિચરતા પશુ-પંખીઓ કોઈ વૃક્ષનો મીઠો છાયડો શોધે છે તો કોઈ પીવાના પાણીના કુંડા. Sakkarbaug Zoological Garden
ઉનાળાની ગરમીનો પારો 40 ડીગ્રીથી વધી જતા જીવસૃષ્ટિ અકળાઈ ગઈ છે. આપણાં જુનાગઢ શહેરમાં આવેલું પ્રાણી સંગ્રહાલય એટલે કે સક્કરબાગ ઝુમાં રહેતા પશુ-પક્ષીઓને ઠંડક મળી રહે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. તડકા અને ગરમીથી પશુ-પક્ષીઓને બચાવવા સક્કરબાગ ઝુમાં વિવિધ સુવિધાઓ આપવામાં આવી રહી છે. તાપમાનનો પારો ઊંચે જતાં પશુ-પક્ષીઓ ડી-હાઇડ્રેશનનો ભોગ બંતા હોય છે. ત્યારે પશુ-પક્ષીઓને આવી કોઈ દુવિધા ન ઊભી થાય તે માટે પાંજરાઓમાં ફોગર, બરફ અને એરકુલર મુકવામાં આવ્યા છે. જેની સાથે પાણીનો પણ છંટકાવ કરવામાં આવી રહ્યો છે. જેનાથી રહેણાંકનું તાપમાન નીચે જાય છે અને જીવોને ઠંડકનો અહેસાસ થાય છે.
કોઇ પશુ-પક્ષી હાંફતુ જણાય અથવા તો કોઈ તકલીફવાળું જણાઈ તો તેને તાત્કાલિક સારવાર મળી રહે તે માટેની ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. સક્કરબાગ ઝુમાં વન્યપ્રાણીઓના પીવાના પાણીમાં એન્ટીસ્ટ્રેસ મેડીસીન, ઇલેક્ટ્રોલાઇટ્સ અપાય રહી છે. પ્રાણી, પક્ષીઓ અને સરિસૃપ પ્રજાતિના પ્રાણીઓના પાંજરાઓમાં ફોગર સીસ્ટર તથા સ્પ્રીન્કલર ગોઠવવામાં આવ્યું છે જેથી તેઓને ઠંડક મળી રહે. વાઘ, વરૂ, વાંદરા, રીંછ જેવા પ્રાણીઓના પાંજરાના પાણીના હોજમાં બરફ નખાઇ છે. વન્યપ્રાણીના નાના બચ્ચાઓ તથા જરૂરીયાત મુજબ તેનાં એનિમલ હાઉસમાં એર કુલર રાખવામાં આવ્યા છે. વિવિધ પક્ષીઓ, પ્રાણીઓના ખોરાકમાં તરબુચ, ટેટી, કાકડી જેવા ફળ અને શાકભાજી વધુ પ્રમાણમાં આપવામાં આવે છે. તૃણાહારી પ્રાણીઓના પાંજરામાં વોટર સ્પ્રીન્કલર રાખવામાં આવ્યા છે જેથી તેઓ તડકામાં પણ ઠંડક મેળવી શકે છે.
સક્કરબાગ ઝુમાં રાખવામાં આવેલા માંસાહારી પ્રાણીઓના ખોરાકમાં 1 કિલોનો ઘટાડો કરાયો છે. કારણ કે આકરી ગરમીથી પ્રાણીઓના શરીરનું તાપમાન વધી જતું હોય છે, જેને લઇને ઉનાળામાં વધારે પાણી પીવે જેને કારણે તેમનો ખોરાક ઘટી જાય છે. આ પ્રાણીઓને શિયાળામાં 8.5 થી 9 કિલો ખોરાક અપાય છે, જ્યારે ઉનાળામાં 7.5 થી 8 કિલો અપાય છે. પ્રાણીઓ વધારે પાણી પીતા હોવાથી તેમાં ઇલેક્ટ્રોલાઇટ્સ પણ આપવામાં આવે છે.
#TeamAapduJunagadh