Historic Junnagadh Museum : ઇતિહાસની અનેક યાદો સંગ્રહીને સ્થિત થયેલું જૂનાગઢ સંગ્રહાલય

Historic Junnagadh Museum : આપણાં જૂનાગઢનો ઇતિહાસ ખુબજ વિશાળ અને રોચક છે. સ્વતંત્રતા પહેલા સૌરાષ્ટ્રમાં લગભગ 222 જેટલા રજવાડા હતા. તેમાં જૂનાગઢ સર્વોચ્ચ સ્થાને હતું. આ જૂનાગઢ નગર પર અનેક રાજાઓએ રાજ કર્યું. ઇ.સ.1947 સુધી નવ નવાબોએ રાજ કર્યું અને ત્યારબાદ ભારત દેશ આઝાદ થતાં નવાબ પાકિસ્તાન નાસી ગયા. ત્યારે તેમની કેટલીક અમુલ્ય વસ્તુઓ આપણાં જૂનાગઢનાં મ્યુઝિયમમાં સચવાયેલી છે. આવો તેના પર એક નજર કરીએ…

દરબાર હોલ મ્યુઝિયમ:

Historic Junnagadh Museum

જૂનાગઢના દિવાન ચોક ખાતે આવેલા દરબાર હોલ ખંડમાં નવાબીકાળ દરમિયાન દરબાર ભરાતો. જ્યારે અંતિમ નવાબ મહાબતખાનજી ત્રીજા પાકિસ્તાન જતા રહ્યા ત્યારબાદ રાજકોટ ખાતેના રિજિયોનલ કમિશનરે તા.9મી નવેમ્બર, 1947ના રોજ જૂનાગઢનો કબજો સંભાળ્યો. ત્યારે નવાબો દ્વારા વપરાતા અન્ય મકાનો સાથે કચેરી ખંડ પણ સુરક્ષિત કરાયો. જ્યારે જૂનાગઢ રાજ્ય સૌરાષ્ટ્ર સંઘમાં જોડાયું, ત્યારે ઇ.સ.1948માં આ હોલ જાહેર જનતાને જોવા માટે ખૂલ્લો મૂકાયો. ત્યારે તે મ્યુઝિયમનો ભાગ ન હતો.

Historic Junnagadh Museum

1964માં સંગ્રહાલય ખાતું અસ્તિત્વમાં આવ્યા બાદ હોલનો હવાલો નિયામકશ્રી સંગ્રહાલય ખાતાને સોંપાયો. મ્યુઝિયમ તૈયાર કરવા વસ્તુઓની પૂન: ગોઠવણીનું કાર્ય હાથ ધર્યું, જીર્ણ મકાનની સારવાર કરવામાં આવી અને મુખ્ય હોલની આજુબાજુ પિક્ચર ગેલેરી, પાલકી ખંડ, વસ્ત્ર વિભાગ, હથિયાર વિભાગ વગેરે ઉમેરાયા. પુનઃગોઠવણી પૂર્ણ થયા બાદ આ મ્યુઝિયમ જાહેર જનતા માટે તા.26મી જૂન, 1977ના રોજ ખુલ્લું મુકવામાં આવ્યું હતું.

દરબાર હોલ મ્યુઝિયમ એના દુર્લભ સંગ્રહ અને આકર્ષક ગોઠવણીને લીધે ખૂબજ લોકપ્રિય થયો હતો. જૂનાગઢ ખાતે પ્રવાસે આવતા સહેલાણીઓ, સંશોધકો, વિદ્યાર્થીઓ અને સામાન્ય મુલાકાતી માટે અહીંની મુલાકાત આવશ્યક થઈ હતી.

જૂનાગઢ મ્યુઝિયમ(સક્કરબાગ):

19મી સદીના ઉત્તરાર્ધમાં ઘણા દેશી રાજવીઓએ પોતાના રાજ્યમાં મ્યુઝિયમ બનાવ્યા હતા. જૂનાગઢ રાજ્યના નવાબ રસુલખાનને પણ પોતાના રાજ્યમાં એક મ્યુઝિયમ બનાવવાનું વિચાર્યું. ત્યારે જૂનાગઢ શહેરના હાર્દ સમાન આઝાદ ચોક (હાલની સરકારી લાઈબ્રેરી) ખાતે તા.2જી ડિસેમ્બર, 1897ના રોજ મુંબઇ રાજ્યના તે સમયના ગવર્નર લોર્ડ સેન્ટહર્સ્ટના હસ્તે મ્યુઝિયમની શિલારોપણ વિધિ થઈ. તા.5મી ડિસેમ્બરે, 1901ના રોજ લોર્ડ નોર્થકોર્ટે જાહેર જનતા માટે મ્યુઝિયમને ખુલ્લું મૂક્યું. જેમાં સ્થાનિક કલા કારીગીરીના વિવિધ નમૂનાઓ, ઐતિહાસિક નમૂનાઓ, ઉપરાંત ઉત્ત્ખનન દરમિયાન મળી આવેલા નમૂનાઓ મુકવામાં આવ્યા હતા. જૂનાગઢ રાજ્યના નવાબીકાળ દરમિયાન આ મ્યુઝિયમ શહેર સુધરાઈની ઓફિસમાં ફેરવી નાખી, મ્યુઝિયમને સક્કરબાગ ખાતે લઈ જવામાં આવ્યું.

ઇ.સ.1964માં સંગ્રહાલય ખાતું અસ્તિત્વમાં આવતા સક્કરબાગ ખાતેના મ્યુઝિયમના મકાનમાં ઇ.સ.1973-75 દરમિયાન જરૂરી સુધારા વધારા કરવામાં આવ્યા અને આધુનિક મ્યુઝિયોલોજીના સિદ્ધાંતો આધારિત વિભાગોના નમૂનાઓની પૂન:ગોઠવણી કરવામાં આવી.

જૂનાગઢ મ્યુઝિયમ:

જુનાગઢ સંગ્રહાલય તરીકે ઓળખાતું આ સંગ્રહાલય તા.27 ડિસેમ્બર 2014ના રોજ સરદારબાગની તાજ મંઝિલ તરીકે ઓળખાતી બિલ્ડિંગમાં માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું. આપણાં જૂનાગઢ ખાતે બે મ્યુઝિયમો (દરબાર હોલ-દીવાન ચોક અને જૂનાગઢ મ્યઝિયમ- સક્કરબાગ) હતા. જે બંને મ્યુઝિયમનું તાજ મંઝિલમાં એક મ્યુઝિયમ અંતર્ગત એકીકરણ કરવામાં આવ્યું. જેથી કરીને જાહેર જનતા આ એકજ જગ્યાએ એકીસાથે ઘણું બધું નિહાળી શકે, તેમજ જાણી શકે.

આ મ્યુઝિયમ અંતર્ગત અનેક વિભાગો આવેલા છે જેવાકે; ચાંદીકલા વિભાગ, પિક્ચર ગેલેરી, શસ્ત્ર વિભાગ, કાષ્ટ કલા વિભાગ, કાચ કલા વિભાગ, દરબાર હોલ, સિક્કા વિભાગ, પુરાતત્વિય વિભાગ, ઝૂમ્મરો, વસ્ત્રકલા વિભાગ. આવો આ વિભાગોમાં સચવાયેલા નવાબીકાળની વિશિષ્ટતા દર્શાવતા સંગીતમય નમૂનાઓને નજીકથી ઓળખીએ…

 

ચાંદીની રીપીટર નવાબ તથા વજીરની તસવીરવાળી ઘડિયાળ:    

  • આ ચાંદીની ઘડિયાળને રીપીટર ઘડિયાળ કહેવાય છે.
  • આ ઘડિયાળની બંને બાજુએ તસવીરો લાગેલી છે. જેમાં એક બાજુએ આઠમાં નવાબશ્રી રસુલખાનજીની તસવીર છે, જ્યારે બીજી બાજુએ જૂનાગઢ રાજ્યના વજીરશ્રી બહાઉદ્દીન ભાઈની તસવીર અંકિત કરેલી છે.
  • આ ઘડિયાળ કદાચ શ્રી રસુલખાનજીના જન્મદિન નિમિત્તે અથવા તો બહાઉદ્દીન ભાઈના જન્મદિવસની ભેટ રૂપે બનાવેલી હોય એવું લાગે છે.
  • આ ઘડિયાળમાં ક્રોનોગ્રાફિક તકનિક આવેલી છે. ઘડિયાળમાં ચાવી ભરતા સવા કલાક, એક કલાક અને અડધી કલાકના સમયાંતરે એલાર્મ વાગે છે.
  • આ ઘડિયાળનું વજન અંદાજે 150 ગ્રામ જેટલું છે.
  • આ ઘડિયાળ પર W.ROSENTHAL BOMBAY SWISS MAID એવું લખેલું છે.

રણશિંગુ: 

  • હાથી દાંતનું બનેલું રણશિંગુ એક પ્રકારનું વાદ્ય છે.
  • તેનો ઉપયોગ કોઈ તહેવાર કે પ્રસંગે છડી પોકારવા માટે થતો હોય તેવું લાગે છે.
  • આ ઉપરાંત કોઈ અગત્યની જાહેરાત સમયે લોકોને સાવધાન કરવા તેનો ઉપયોગ કરવામાં આવતો હશે તેવું અનુમાન છે.

ટી-સેટ પેટી:

  • આ એક સુશોભિત પડ ધરાવતી લાકડાની પેટી છે. તેમાં ઢાંકણ ખોલતાં તથા બંધ કરતાં સમયે સંગીત વાગતું, તેવી ગોઠવણ કરવામાં આવી છે, પરંતુ હાલ તે કામ કરતું નથી.
  • આ પેટીમાં ચાંદીની સાકરદાની, દૂધ તથા ચા રાખવાનું વાસણ તેમજ કપ સહિત બે ચમચીઓ પણ છે.
  • આ ટી-સેટ માંગરોળ સ્ટેટના તુલસીદાસ મોહનજી વોરા તરફથી કુંવરીબાશ્રી ખુદશાયઈ બીબી સાહેબાના લગ્નપ્રસંગે ભેટમાં આપેલું છે, તેવું લખાણ આ પેટી ઉપર છે.

આપણાં જૂનાગઢમાં આવેલા આ મ્યુઝિયમની મુલાકાત લઈ, આપણને મળેલા આ ઐતિહાસિક વારસાને નજીકથી ઓળખીએ…

સમય: સવારે 9 વાગ્યાથી બપોરે 12.15 વાગ્યા સુધી, બપોરે 2.45 થી સાંજે 6 વાગ્યા સુધી

સ્થળ: જૂનાગઢ મ્યુઝિયમ, તાજમંઝિલ બિલ્ડીંગ, સરદાર બાગ, જૂનાગઢ.

અમે પણ જૂનાગઢને એટલો જ પ્રેમ કરીએ છીએ જેટલો તમે! જૂનાગઢ પ્રત્યેના આ પ્રેમને વધુ ગાઢ બનાવવા Aapdu Junagadh આપને જરૂરથી ઉપયોગી થશે. આ એક એવું માધ્યમ છે, જેના દ્વારા તમે આપણાં જૂનાગઢમાં બનતી રોજબરોજની સકારાત્મક ઘટનાઓ, નગરજનોને ઉપયોગી માહિતી, જૂનાગઢ શહેર અને તેની આજુબાજુ આવેલા સ્થળો, ધાર્મિકતા, ઐતિહાસિક સ્મારકો, વ્યક્તિ વિશેષ વિશેની માહિતી મેળવી શકશો. જો તમને ઉપરનો લેખ ગમ્યો હોય તો, શેર કરીને વધુને વધુ લોકો સુધી પહોંચાડો તથા તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો.
જો આપની પાસે જૂનાગઢ વિશેની વિશેષ માહિતી હોય તો અમારા સુધી ઇમેઈલ દ્વારા પહોંચાડી શકો છો.

Email Id: aapdujunagadh@gmail.com

Also Read :  Hottest Actresses : આ અભિનેત્રીઓ પહેલા દેખાતી હતી એકદમ સીધી સાદી, હવે દેખાઈ રહી છે સુપર હોટ એન્ડ ગ્લેમરસ!