સિંહ : ગીરની લીલુડી ધરતી, અને આ ધરતીના બે જોરાવર હાવજ, ગીરને અલવિદા કહીને નીકળી ગયા! બાડો અને નાગરાજ નામ પડે એટલે ભલભલા માલધારીઓના કલેજા કાંપવા લાગે. ચરાવવા નીકળેલા માલ-ઢોરને લઈને રસ્તો બદલી નાખે. કોઈ જો રસ્તે નીકળેને સામે આ બે માંથી કોઈ સાવજનો ભેટો થઈ જાય તો, પાછું વળી જવાનું જ વટેમાર્ગુ પસંદ કરે.
માણસ જેવાજ નામો ધરાવતા બાડો અને નાગરાજ નામના બંને સિંહો પાક્કા ભાઈબંધ હતા. તેમની દોસ્તીની ચર્ચા આખાય ગીર વિસ્તારમાં થતી. બાડો અને નાગરાજ આ બંને નર સિંહોની જોડી મુળ કુટીયા રાજપરા, દુઘાળા વિસ્તારમાં રહેતા. જે પછી ધીમે-ધીમે તેઓએ વિસ્તાર વધાર્યો અને કાસિયામાં પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું. કાસીયા મા આવયા કાસીયા મા પોતાનુ સામ્રાજય સ્થાપ્યું. ત્યારબાદ તે બંને સિંહોએ ટૂરીઝમ વિસ્તારમાં પ્રવેશ્યા અને દેડકડી, કેરંભા, સાતવડલા, ગંધારીયા, પાંચારી, દુઘાળા વગેરે વિસ્તારોમાં પોતાના નામની હાંક જમાવી, જ્યાં બીજા કોઈ નરથી પગ પણ ન મુકાય!
કોઈ યુદ્ધ થાય ત્યારે બાડો સિંહ સૌથી આગળ હોય. આ સિંહને આંખ પાસે ગંભીર ઘા વાગેલો, જેથી તે બાડાના નામથી ઓળખાતો. લડાઈ વખતે વાગેલા આ ઘા પછી તેને સાસણ રેસ્ક્યુ સેન્ટર ખાતે ખાસ સારવાર આપવામાં આવી હતી. જ્યારે બાડાને સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો, ત્યારે તેનો મિત્ર નાગરાજ અને તેનો પરિવાર તેની રાહ જોઈને ચિંતાતુર બન્યો હતો. એ સમયે બારથી આવેલા બે નર સિંહે નાગરાજને માર્યો અને સિંહણોને બચ્ચા આ જગ્યા છોડીને ભાગી ગયા. ત્યારે નાગરાજ નિરાશ થઈને બાડાને ચારે બાજુ શોધતો, આખો-આખો દિવસ હુંકીને વેદના વ્યક્ત કરતો. એક મહીનામાં બાડો સિંહ સંપૂર્ણપણે સાજો થઇ ગયો અને પછી તેને જંગલમાં છોડવામાં આવ્યો.
ત્યારબાદ બંને મિત્રો ફરી ભેગા થયા અને બહારથી આવેલા સિંહો સાથે ઘમસાણ યુદ્ધ કર્યું. જેમાં નાગરાજ અને બાડાની જીત થઈ. યુદ્ધના ત્રણેક દિવસો પછી નાગરાજ જોવા મળ્યો, પરંતુ બાડાનો કોઈ પત્તો ન હતો. ત્યારે માલધારીઓ દ્વારા સમાચાર મળતા વનતંત્રને બાડાનો મૃતદેહ હાથ લાગ્યો. જે પછીથી નાગરાજ પણ સૂનમૂન રહેવા લાગ્યો.
નાગરાજે આંદાજીત 10 વર્ષ સુધી ગીરમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું. બાડાના ગયા પછી પણ નાગરાજનો દબદબો સારો હતો. નાગરાજ અને બાડો આ બંને આ સદીના સૌથી સારામાં સારા નર સિંહો કહીએ તો પણ ખોટું નથી! આજુબાજુના રેન્જ વિસ્તારમાંથી આવતા સિંહોના આક્રમક હુમલાઓ નાગરાજ પર અવારનવાર થતાં. બાડાના મૃત્યુના એક વર્ષ બાદ નાગરાજ આઘાતને કારણે હતાશ થઈ ગયો હોય, તેવું જણાતું.
તાજેતરમાં જ બીજા સિંહો સાથે નાગરાજનો જંગ ખેલાયો, ત્યારે તે ગંભીર રીતે ઘવાયો. વનતંત્ર દ્વારા રેસ્ક્યુ કરીને તેને સારવાર આપવામાં આવી. જે પછી તે સતત બીમાર જ રહેતો. મૃત્યુના એક દિવસ પહેલા તે સતત નિંદરાવસ્થામાં જ હતો. ત્યાં વસતા માલધારીઓને કઇંક અજુગતું લાગતાં વનતંત્રને જાણ કરી. બીમારી અને આઘાત બધુ સાથે થવાથી, ગાંડી ગીરનો નાગરાજ અનેક જંગો જીતીને જિંદગી સામે હારી ગયો.
ગીર પર રાજ કરનારા, નાગરાજ અને બાડા સિંહના આત્માની શાંતિ માટે આવો આપણે પણ પ્રાર્થના કરીએ…
આભાર: જીજ્ઞેશભાઇ ગોંડલીયા
અમે પણ જૂનાગઢને એટલો જ પ્રેમ કરીએ છીએ જેટલો તમે! જૂનાગઢ પ્રત્યેના આ પ્રેમને વધુ ગાઢ બનાવવા Aapdu Junagadh આપને જરૂરથી ઉપયોગી થશે. આ એક એવું માધ્યમ છે, જેના દ્વારા તમે આપણાં જૂનાગઢમાં બનતી રોજબરોજની સકારાત્મક ઘટનાઓ, નગરજનોને ઉપયોગી માહિતી, જૂનાગઢ શહેર અને તેની આજુબાજુ આવેલા સ્થળો, ધાર્મિકતા, ઐતિહાસિક સ્મારકો, વ્યક્તિ વિશેષ વિશેની માહિતી મેળવી શકશો. જો તમને ઉપરનો લેખ ગમ્યો હોય તો, શેર કરીને વધુને વધુ લોકો સુધી પહોંચાડો તથા તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો.
જો આપની પાસે જૂનાગઢ વિશેની વિશેષ માહિતી હોય તો અમારા સુધી ઇમેઈલ દ્વારા પહોંચાડી શકો છો.
Email Id: aapdujunagadh@gmail.com
Also Read : ઘરમાં પડેલી નકામી સાડીમાંથી બનાવો આવા હટકે ડ્રેસ, લોકો વખાણ કરતાં થકી જશે!