સ્ટેચ્યુ ઓફ યુનિટી : ગુજરાત રાજ્ય પ્રવાસન ક્ષેત્રે દિવસને દિવસે વિકાસ કરી રહ્યું છે ત્યારે કેવડિયા કોલોની ખાતે નર્મદા બંધને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું આકર્ષણ ઊભું કર્યા બાદ રાજ્ય સરકારે હવે મોટા પાયે સિંહ-દિપડાથી લઈને 1000 થી 1200 પશુ-પંખીઓનો સમાવેશ કરતો ગુજરાત રાજ્યનો પ્રથમ વિશાળ સફારી પાક બનાવવાની તૈયારી શરૂ કરી દીધી છે.
સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા બનાવ્યા પછી, વનવિભાગ દ્વારા 200 થી વધુ એકરની જગ્યામાં વૈવિધ્યપૂર્ણ જીવોને ઓપન બેરીકેડ ખુલ્લા વિસ્તારમાં વસાવવામાં આવશે. જે પ્રવાસીઓને એક જ સ્થળે અનેક જોવાલાયક સ્થળો મળી શકે તે ઉદ્દેશ્યથી આ સફારી પાર્કને વિકસાવવામાં આવશે. કેવડિયા ખાતે વન વિભાગ દ્વારા અનોખા સફારી પાર્ક બનાવવા માટે કામકાજ શરૂ કરી દેવાયું છે. સ્થાનિક યુવાનોને વધુ રોજગારી લાભ મળે તે માટે તેમને ચાર મહિનાથી સફારી પાર્કની જાળવણી માટે તાલીમ આપવાની પણ શરૂ કરી દેવાઇ છે.
કેવડીયા નજીક નર્મદા બંધના ઇજનેરી સ્ટાફની જે કોલોની હતી, તે સહિતના 200થી વધુ એકરમાં સફારી પાર્ક બનશે. જેમાં પ્રવાસીઓને એકસાથે સિંહ-દિપડા લઈને હાલ વિવિધ રાજ્યના ઝૂને એનિમલ એક્સચેન્જ હેઠળ ગુજરાતમાંથી સિંહ મોકલવામાં આવી રહ્યા છે, તેની સામે જે પશુ-પંખી મળી રહ્યા છે, તે પણ અહીં આવીને નવા આકર્ષણો ઊભા કરશે. આગામી બજેટમાં આ માટે જરૂરી રકમ ફાળવણી પણ કરવામાં આવશે.
આ ઉપરાંત ગીર જંગલ વિસ્તારમાં સિંહના સંરક્ષણ માટે વિવિધ પગલાં લેવાની શરૂઆત પણ કરી દેવામાં આવી છે. તે અંગે માહિતી આપતા વનમંત્રીશ્રીએ જણાવ્યું કે, ટુરિસ્ટ જીપસીઓમાં પણ કુલ 250 જીપીએસ મશીન મૂકવામાં આવ્યા છે, જેથી તેનું મોનિટરિંગ થઈ શકે અને પરવાનગી સિવાય રૂટમાં જશે તો પણ અટકાવવામાં આવે છે. જેને કારણે ગેરકાયદેસર લાયન શો પણ નિવારી શકાશે. વન વિસ્તારની બહાર માનવ વસ્તી રહેતી હોય ત્યાં, સાવજો નીકળી જાય છે તેમની ઉપર દેખરેખ રાખવા પ્રથમ વખત જર્મનીથી 75 રેડિયો કોલર બેલ્ટ ખરીદવામાં આવ્યા છે અને તેના થકી સિંહ પર નજર રાખી શકાશે.
વનમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, દેશમાં પ્રથમ વખત લાયન એમ્બ્યુલન્સ ગીરમાં શરૂ કરવામાં આવી છે. જેમાં એનેસ્થેસિયા કમ વેન્ટિલેટર, બ્લડ એનેલાઇઝર, અલ્ટ્રા સાઉન્ડ વગેરે સાધનો છે. આ પ્રકારની વધુ ત્રણ એમ્બ્યુલન્સ ટૂંક સમયમાં તૈયાર કરીને વિવિધ વિસ્તારોમાં મુકાશે. સ્ટેટ ઓફ આર્ટ લાયન હોસ્પિટલ અને ડાયગ્નોસિસ કન્સલ્ટન્ટની નિમણૂક કરાઈ છે. આપણાં જૂનાગઢનાં સકકરબાગ ખાતે દોઢ વર્ષમાં હોસ્પીટલ બનાવવામાં આવશે. આ સાથે જ ડ્રોનથી સિંહ અને ગીર જંગલ વિસ્તાર ઉપર નજર રાખવા ટેન્ડર બહાર પાડીને વધુ ડ્રોન વનવિભાગ દ્વારા વસાવવામાં આવશે.
Also Read : અંડર-19 ગુજરાત બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2018