ઝાંબાઝ મહિલા ઓફિસરોએ ખૂંખાર આરોપીને દબોચી લઈને જૂનાગઢ પોલીસનું કામ હળવું કર્યું, જાણો સંપૂર્ણ વિગતો

સ્ત્રી હવે ખરેખર પુરુષ સમોવડી બની રહી છે. સ્ત્રીઓ પડકારજનક કામ કરતી નથી આવી માન્યતાને સ્ત્રીઓએ દૂર કરી બતાવી છે. ગુજરાત પોલિસમાં હાલમાં સ્ત્રીઓની સંખ્યામાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે. મહિલા કોન્સટેબલથી લઈને મહિલા પીએસઆઇ સુધી દરેક પોસ્ટમાં મહિલાઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. ગુજરાત પોલિસમાં ફરજ બજાવતી આવી જ ચાર મહિલા પોલીસ ઓફિસરએ આવું જ એક પડકારજનક કામ પાર પાડીને સાબિત કરી દીધું છે કે મહિલા શક્તિસ્વરૂપા છે.

ગુજરાત પોલીસનો હિસ્સો બનેલી ચાર મહિલા પોલીસમાં સબ ઇન્સપેકટર સંતોક ઓડેદરા, નિતમિકા ગોહિલ, અરુણા ગોહિલ અને સિમ્મી માલ કે જે હાલમાં એન્ટિ ટેરેરિસ્ટ સ્કવોર્ડમાં ફરજ બજાવે છે. એટીએસના ડીઆઈજી હિમાંશુ શુકલાએ આ ચારેય પીએસઆઇને જૂનાગઢનાં કુખ્યાત ગેંગસ્ટર જૂસબ અલ્લારખાને ઝડપી લેવાનું કામ સોંપ્યું હતું. આ ચારેય મહિલા પીએસઆઇએ જૂસબને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા અને હથિયાર સાથે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન જુસબ બોટાદના જંગલમાં સંતાયો હોવાની માહિતી મળી હતી.

જૂસબ માથાભારે ગુનેગાર છે. જે પોલીસ પર પણ હુમલો કરતા અચકાતો નથી. જૂસબ જ્યારે પોલીસ સામે આવે ત્યારે એ પોલીસ પર હુમલો કરે તેવી પૂરેપુરી શક્યતા હતી, કારણ કે તેની પાસે હથિયાર હોવાની સંભાવના હતી. આમ છતાં આ ચારેય મહિલા પીએસઆઇએ તમામ તૈયારી અને હથિયાર સાથે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને તેમણે જૂસબને શોધી કાઢ્યો હતો. જૂસબને સામે હુમલો કરવાની તક મળે એ પહેલા જ તેને ઘેરી લેવામાં આવ્યો હતો અને આ ચારેય હથિયારબંધ મહિલા પોલીસ અધિકારીઓએ તેને કાબૂમાં લઈ લીધો હતો.

જૂસબ પર લૂંટ, હત્યાનો પ્રયાસ અને હત્યા જેવા અનેક ગુનાઓ નોંધાયા છે. જૂસબ પકડાઈ ગયો છે એવા સમાચાર મળતા જ જુનાગઢ પોલીસે પણ હાશકારો અનુભવ્યો હતો.

આપણાં દેશની બહાદુર અને ઝાંબાજ મહિલા પોલીસ ઓફિસરોને સો સો સલામ…

Author: Urvashi Deshani #TeamAapduJunagadh