જૂનાગઢની આ યુવતીએ, જર્મની ખાતેથી મેળવી આ અનોખી સિદ્ધિ

સ્વામી દયાનંદે લખ્યું છે કે, જો કોઈ સ્ત્રી શિક્ષિત, સમજદાર અને સુયોગ્ય હોય તો તે સમગ્ર કુટુંબ, સમાજ અને દેશને સુદૃઢ બનાવે છે. કઇંક આવુંજ એક ઉત્તમ ઉદાહરણ બનીને ઊભરી આવી છે, આપણાં જૂનાગઢની એક યુવતી. હિરલ શાહ નામની આ યુવતી એ અનોખી સિદ્ધિ હાંસલ કરી છે, જે આપણાં સૌ માટે ગૌરવ લેવા જેવી બાબત છે.

સૌરાષ્ટ્ર યુનિ. અંતર્ગત ભૌતિક શાસ્ત્ર ભવનમાં અભ્યાસ કરતાં કુ.હિરલ શાહે ‘સ્ટ્રકચરલ, ઇલેક્ટ્રિકલ & મેગ્નેટિક પ્રોપર્ટીઝ ઓફ CMR, મલ્ટીફેરોઈક કમ્પાઉન્ડ’ ના ટાઇટલથી મહાશોધ નિબંધ રજૂ કર્યો હતો, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ તેમના આ સંશોધન કાર્યને માન્ય રાખીને ભૌતિકશાસ્ત્રમાં પીએચ.ડી.ની પદ્દવી એનાયત કરી છે. હિરલે આ સંશોધન કાર્ય ભૌતિકશાસ્ત્ર ભવનના ડૉ.જે.એ.ભાલોડિયાના માર્ગદર્શનમાં કરેલ છે.

તેમણે આશરે 24 જેટલી રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય ઇવેન્ટમાં ભાગ લઈ પોતાનું સંશોધન રજૂ કર્યું, તદુપરાંત આશરે 18 જેટલા સંશોધન પત્ર રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય ધોરણે સુપ્રસિદ્ધ જર્નલ્સમાં પ્રકાશિત કરી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું ગૌરવ વધાર્યું છે.

આ ઉપરાંત તેમણે ફિઝિક્ઝેનટ્રુમ, બેડ હોનેફ, જર્મની ખાતે 21 થી 26 જુલાઈ, 2019 દરમિયાન ભાગ લઈ પોતાનું સંશોધન રજૂ કરી સમગ્ર ભારતના એકમાત્ર કેન્ડિડેટ તરીકે પ્રતિનિધિત્વ કરેલ હતું. તેમણે મુખ્યત્વે એલ્સ્વીયર દ્વારા પ્રસિદ્ધ થતાં ‘જર્નમ ઓફ એલોયઝ એન્ડ કમ્પાઉન્ડ’માં બે રિસર્ચ પેપર્સ તથા અન્ય જેવાકે; ‘જર્નલ ઓફ સોલિડ સ્ટેટ સાયન્સ, જર્નલ ઓફ સોલિડ સ્ટેટ કેમેસ્ટ્રી અને જર્નલ ઓફ ક્રયોજેનિક્સ’ વગેરેમાં સંશોધનપત્રો પ્રસિદ્ધ કરેલ છે. જે એક ગૌરવપુર્ણ બાબત છે.તેઓએ પ્રસિદ્ધ કરેલા રિસર્ચ પેપર્સ, CMR મૅન્ગેનાઈટ અને કમ્પોઝાઈટ આધારિત છે. આ પ્રકારનાં મટિરિયલ્સ; ડેટા સ્ટોરેજ ડિવાઈસીસ, બાયો મેડિકલ એપ્લિકેશન્સ માટે ખૂબજ અગત્યના છે. કૂ.હિરલ દીપકભાઈ શાહે જે સિદ્ધિ હાંસલ કરી છે, તે બદલ સમગ્ર જૂનાગઢ તેઓને અભિનંદન પાઠવતા ગર્વની લાગણી અનુભવે છે..