Junagadh News : સાયબર ફ્રોડનો શિકાર બનેલા કુલ 39 વ્યક્તિઓને જૂનાગઢ પોલીસે રૂ.19,52,015/- રિફંડ અપાવ્યા; હજુ રૂ.1 કરોડ 17 લાખ જેવી રકમ રિફંડ મેળવવા પ્રોસેસ ચાલુ છે!
- સાયબર ફ્રોડનો શિકાર બનતા વ્યક્તિઓની સંખ્યામાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે, ત્યારે જૂનાગઢ પોલીસ દ્વારા એક અખબારી યાદી જાહેર કરવામાં આવી છે.
- જેમાં ઉલ્લેખ થયા મુજબ હાલમાં સાયબર ક્રાઇમના વધતા જતા બનાવોને અટકાવવા, લોકોને સાયબર ક્રાઇમ અંગે જાગૃત કરવા તેમજ આવા બનાવોમાં લોકોએ ગુમાવેલ નાણા રીફંડ થાય તેવા પ્રયત્નો જૂનાગઢ પોલીસ દ્વારા થઈ રહ્યા છે.
- જો આંકડાકીય માહિતી પર નજર કરીએ તો; જૂનાગઢ જિલ્લામાં છેલ્લા કેટલાક મહીનાઓમાં સાયબર ફ્રોડના કુલ 39 બનાવોમાં જૂનાગઢ જીલ્લા સાયબર સેલ દ્વારા તાત્કાલીક કાર્યવાહી કરી કુલ રૂ.19,52,015/- જેટલી મોટી રકમ સાયબર ફ્રોડનો ભોગ બનેલ વ્યક્તિના બેન્ક ખાતામાં રીફંડ કરાવવામાં આવેલ છે.
- તેમજ સાયબર ફ્રોડની ફરીયાદોમાં ફ્રોડ થયેલ રકમ પૈકી કુલ રૂ.1,17,28,875/- જેટલી મોટી રકમ ફ્રોડ કરનાર વ્યક્તિઓના એકાઉન્ટમાં બ્લોક કરાવવામાં આવેલ છે, જેની પણ રીફંડ પ્રોસેસ ચાલુમાં છે.
- આજના ટેક્નીકલ સાયબર યુગમાં સાયબર ગઠીયાઓ દ્વારા અલગ અલગ પ્રકારએ લોકોને સાયબર ફ્રોડનો ભોગ બનાવે છે; જેમાં ક્રેડીટ કાર્ડ, ડેબીટ કાર્ડ અપડેશન ફ્રોડ, OTP ફ્રોડ, જોબ ફ્રોડ, ઓનલાઇન શોપીંગ ફ્રોડ, ઓનલાઇન રોકાણ ફ્રોડ, ઇન્સ્ટન્ટ લોન ફ્રોડ, સેકસ્ટોર્શન ફ્રોડ, વીજ બીલ ફ્રોડ, પોલીસ આર્મી જવાનની ખોટી ઓળખ આપવી વગેરે જેવી અલગ-અલગ મોડસ ઓપરેન્ડી મારફત લોકોને લલચાવી છેતરપીંડી કરવામાં આવતી હોય છે.
- જૂનાગઢ જીલ્લામાં કોઇપણ નાગરીક સાયબર ફ્રોડનો ભોગ બને તો તાત્કાલીક હેલ્પલાઇન નંબર “1930” પર ફોન કરી અથવા નીચે આપેલ ઓનલાઇન પોર્ટલ પર ફરીયાદ કરવા તથા જીલ્લા સાયબર ક્રાઇમ સેલનો સંપર્ક કરવા જણાવાયું છે.
- Website: https://cybercrime.gov.in/