આપણાં જૂનાગઢ માં અંદાજિત 25 દિવસ પહેલા નિયુક્ત થયેલા મ્યુનિસિપલ કમિશનરશ્રી તુષાર સુમેરાએ શહેરના પ્રજાજનોના પ્રશ્નોનો સ્થળ પર જ ઉકેલ લાવવા માટે નવતર પ્રયોગ શરૂ કર્યો છે. શહેરના 15 વોર્ડમાં 15 અધિકારીની વોર્ડ પ્રભારી તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેઓએ અઠવાડિયામાં બે દિવસ મંગળવાર અને શુક્રવારે સવારે 8 થી 9.30 વાગ્યા સુધી પોતપોતાના નિયુક્ત બોર્ડના લોકોના સ્થાનિક પ્રશ્નોને જોઈને તેનો વહેલી તકે હલ લાવવાની વ્યૂહરચના ગોઠવી છે.
શહેરમાં દૂર-દૂરના વિસ્તારોમાં વસતા નગરજનોની નાની-નાની સમસ્યાઓ માટે મનપા કચેરી સુધી ધક્કો ખાવો ન પડે તે માટે આ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. જેમાં જે તે વિસ્તારમાં ફરજ બજાવતા સફાઈ કામદારોની હાજરી ચકાસણી, સફાઈ વ્યવસ્થા, ડોર ટુ ડોર કચરો એકત્રીકરણની વ્યવસ્થા, ગટર વ્યવસ્થા, ગટરના ચેમ્બરના મેનહોલ કવરની ચકાસણી, સ્ટ્રીટ લાઈટ ચાલુ છે કે બંધ, વોર્ડમાં પાણી ભરાવાનો પ્રશ્ન, પાણીની લાઇન લીકેજ, રસ્તા પર લારી-ગલ્લા કે અન્ય અડચણરૂપ અનઅધિકૃત દબાણની ચકાસણી, વગેરેનું વોર્ડમાં રહેતા લોકોનો સંપર્ક કરી તેમની ફરિયાદો મેળવી સંબંધિત શાખાને મોકલી ફરીયાદ નિકાલ અંગેની કાર્યવાહી કરવામાં આવશે. અલગ અલગ વોર્ડ મુજબના વોર્ડ પ્રભારીઓની યાદી અને સંપર્ક નીચે મુજબ છે…
આ સિવાય કમિશ્નરશ્રી સ્વયં સવારે 7 થી 10ના સમયગાળા દરમિયાન સરપ્રાઇઝ ચેકિંગ કરી, સ્થિતિ સુધારવાનો પ્રયાસ કરશે. આ ઉપરાંત જે તે વિસ્તારોમાં મનપાએ કરેલી કામગીરી બાદ પણ કોઈ ખામી રહી ગઈ હોય તો, તેને સુધારવા માટે થર્ડ પાર્ટી ઈન્સ્પેકશન કરવાનું નક્કી કર્યું છે. જેમાં સેવા કરવા ઇચ્છતા વિદ્યાર્થીઓને જોડવામાં આવશે. હાલ એગ્રીકલ્ચર યુનિ.ના કેટલાક યુવાનો પણ જોડાયા છે. જેઓ ખાનગી રીતે અઠવાડિયામાં એક દિવસ એક વોર્ડમાં જઈને લોકો સાથે વાતચીત કરીને સ્થાનિક પ્રશ્નો પૂછશે, જે પ્રશ્નો મનપાને ધ્યાને લાવીને તેનું નિરાકરણ લાવવાની કોશિશ કરવામાં આવશે.
આ ઉપરાંત આપણાં જૂનાગઢ શહેરમાં અનેક જગ્યાઓએ કચરાના કન્ટેનર રાખવામાં આવેલા છે. જેના લીધે તેની આસપાસ ભારે ગંદકી ફેલાઈ રહી છે. જેના માટે મનપા દ્વારા જોશીપરા વિસ્તારમાં પ્રાયોગિક ધોરણે કન્ટેનર ફરતે પ્લેટફોર્મ બનાવવામાં આવશે. આ સિવાય શહેરને કન્ટેનર મુક્ત કરવામાં આવશે. પોતાના ઘરનો કચરો ઘરેજ કચરાપેટીમાં રાખીને, ટિકરવાન આવે ત્યારે તે કચરો આપી દેવાનો નિર્ણય અમલી કરાશે. જેને લઈને શહેરમાં રહેલા કન્ટેનર કાઢી નાખવામાં આવશે, જે બાદ પણ કોઈ કચરો કરશે તો તેના વિરુદ્ધ દંડનીય નીતિ અપનાવાશે. આપણાં જૂનાગઢને સ્વચ્છ રાખવા થઈ રહેલી આ પહેલમાં આપણે પણ જોડાઈએ અને શહેરને સ્વચ્છ બનાવીએ…
Also Read : નવરાત્રિમાં વાઘેશ્વરી માતાજીના મંદિરનું અનોખું મહાત્મય