સંભવિત વાવાઝોડામાં અસરગ્રસ્તોને મદદરૂપ થવા જૂનાગઢ ના સાધુ-સંતો તેમજ વિવિધ સંસ્થાઓએ કરી આ તૈયારી!

જૂનાગઢ

જૂનાગઢ : અરબી સમુદ્રમાં સર્જાયેલા ‘વાયુ’ વાવાઝોડાએ ભયાવહ સ્વરૂપ ધારણ કરીને સૌરાષ્ટ્ર તરફ આગળ ધપતા રાજ્ય સરકારે સાવચેતીની યુદ્ધના ધોરણે હાથ ધરેલી કવાયતનાં પગલે ગઇકાલે સાંજ સુધીમાં 1.67 લાખ લોકોને સલામત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યા હતા. સૌરાષ્ટ્રના દરિયાકાંઠા સહિતના 355 ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોમાં વાવાઝોડાની અસરની સંભાવના હોય એવા સ્થળોએથી લોકોને ખસેડીને સ્કૂલો, ધર્મશાળાઓ, સરકારી બિલ્ડીંગો સહિતના આશ્રયસ્થાનોએ લઈ જવામાં આવ્યા હતા.

જૂનાગઢ

સ્થળાંતર કરાયેલા લોકો માટે યુદ્ધના ધોરણે ફૂડ પેકેટસ સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં ગુજરાતનાં અનેક શહેરોએ પોતાનો સહકાર દાખવ્યો હતો. સંસ્કારી નગરી વડોદરા દ્વારા અંદાજિત 1 લાખ જેટલા ફૂડ પેકેટ અસરગ્રસતો માટે મોકલાવાયા. જ્યારે રાજકોટ શહેરની અનેક જાણીતી સંસ્થાઓ દ્વારા જરૂરિયાતમંદોને ફૂડ પેકેટ્સ અમલી રહે તે માટે તૈયારીઓ દાખવી હતી.

જૂનાગઢ

સંભવિત “વાયુ” વાવાઝોડુ દરિયાકિનારાના વિસ્તારોને ભારે નુકશાન પહોંચાડશે, તેવી સંભાવના સેવાઇ રહી છે, ત્યારે આવી સ્થિતિમાં અસરગ્રસ્તોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. ખાસ કરીને અસરગ્રસ્તો અને ફૂડ પેકેટનું વિતરણ થઇ શકે તે માટે વહીવટી તંત્ર દ્વારા પહેલ નાખવામાં આવી છે. જોકે આપણાં જૂનાગઢનાં સાધુ-સંતો તેમજ વિવિધ સંસ્થાઓએ આ ટહેલને ઉપાડી લીધી છે અને ફૂડ પેકેટ આપવા તૈયારી દર્શાવી છે.

જૂનાગઢ

માત્ર એક જ દિવસમાં 40 હજાર જેટલા ફૂડ પેકેટ આપવાની જાહેરાત કરવામાં આવી છે, આ ઉપરાંત વધુ જરૂર પડ્યે સાથ સહકાર આપવાની તૈયારીઓ બતાવી છે. ખાસ તો જૂનાગઢની વિવિધ જગ્યાના સાધુ-સંતોએ પોતાની દિલેરી બતાવી છે. જેમાં ભવનાથ ગુરુ ગોરક્ષનાથ આશ્રમ શેરનાથબાપુ, સ્વામિનારાયણ સુવર્ણ મંદિર જવાહર રોડ, મુક્તાનંદગીરી બાપુ, ગાયત્રી શક્તિપીઠ, મહામંડલેશ્વર વિશ્વંભર ભારતીબાપુ, રોટરી ક્લબ, ખેડૂત હિતરક્ષક સમિતિ, ભારતીય મજદૂર સંઘ અને મધુર સોશ્યલ ગ્રુપ દ્વારા ફૂડ પેકેટનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.

બીજી બાજુ જૂનાગઢ ભાજપ સમિતિના કાર્યકરો તેમજ મેયરશ્રી દ્વારા ફૂડ પેકેટ્સ બનાવી જરૂરિયાતમંદોને મદદરૂપ થવા તૈયારી દાખવી હતી. ફુડ પેકેટમાં સુકો નાસ્તો હોય છે, જેમાં બુંદી-ગાંઠિયા જેવો સૂકો નાસ્તો એક પેકેટમાં ભરીને જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવામાં આવશે. આ પ્રકારના ફૂડ પેકેટ્સ આપવા ઇચ્છતા લોકો સરદારબાગ સ્થિત ડિઝાસ્ટર મેનેજમેન્ટની કચેરીનો સંપર્ક કરી શકે છે.

અમે પણ જૂનાગઢને એટલો જ પ્રેમ કરીએ છીએ જેટલો તમે! જૂનાગઢ પ્રત્યેના આ પ્રેમને વધુ ગાઢ બનાવવા Aapdu Junagadh આપને જરૂરથી ઉપયોગી થશે. આ એક એવું માધ્યમ છે, જેના દ્વારા તમે આપણાં જૂનાગઢમાં બનતી રોજબરોજની સકારાત્મક ઘટનાઓ, નગરજનોને ઉપયોગી માહિતી, જૂનાગઢ શહેર અને તેની આજુબાજુ આવેલા સ્થળો, ધાર્મિકતા, ઐતિહાસિક સ્મારકો, વ્યક્તિ વિશેષ વિશેની માહિતી મેળવી શકશો. જો તમને ઉપરનો લેખ ગમ્યો હોય તો, શેર કરીને વધુને વધુ લોકો સુધી પહોંચાડો તથા તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો.
જો આપની પાસે જૂનાગઢ વિશેની વિશેષ માહિતી હોય તો અમારા સુધી ઇમેઈલ દ્વારા પહોંચાડી શકો છો.

Email Id: aapdujunagadh@gmail.com

Also Read : દત્ત જયંતિ નિમિતે ગિરનારના અધિષ્ઠાતા ગુરુદત્ત વિશે આટલું જાણીએ…