Classical dance : જૂનાગઢ શહેરને કલાક્ષેત્રનું ઘર માનવામાં આવે છે. અનેકવિધ કલા અને ઉમદા કલાકારોના કેન્દ્રસ્થાન એવા આપણાં જૂનાગઢમાં કલાને જાગૃત રાખવા વિવિધ સંસ્થાઓ કાર્ય કરી રહી છે. આજના ઇન્ટરનેટ અને ટેક્નોલોજીના યુગમાં જ્યારે યુવાધન પશ્ચિમી સંસ્કૃતિ તરફ આકર્ષિત થઈ રહ્યું છે, ત્યારે જૂનાગઢમાં ચાલતા વિવિધ કલાના તાલીમ કેન્દ્રો દ્વારા ભારતીય સંસ્કૃતિને જાગૃત રાખવા અથાગ પ્રયત્નો થઈ રહ્યા છે.
જૂનાગઢનાં એક યુવા અને ઉમદા કલાકાર શ્રી હરિઓમ પંચોલી દ્વારા જૂનાગઢમાં રહીને બાળકો તથા યુવાનોને નર્તન કલા શીખવવામાં આવી રહી છે. નાનપણથી જ નૃત્ય કલામાં રસ ધરાવતા શ્રી હરિઓમ પંચોલી ભરત નાટ્યમના જાણકાર અને ઉત્કૃષ્ટ કલાકાર છે. તેઓ છેલ્લા કેટલાય વર્ષોથી વિસરાતી જતી શાસ્ત્રીય નૃત્ય કલાને જાગૃત રાખવાની કામગીરી કરી રહ્યા છે. તેમના દ્વારા ચાલતી નૃત્ય ભારતી કલા સંસ્થામાં થઈ રહેલા વિશિષ્ટ પ્રયોગોથી બાળકો અને યુવાવર્ગ શાસ્ત્રીય નૃત્ય ભરત નાટ્યમ પ્રત્યે રુચિ દાખવતાં થયા છે. જૂનાગઢનાં આ કલા ઉપાસક દ્વારા ઊભરતા કલાકારોને પ્રોત્સાહિત કરવા તેમજ બાળકોની અંદર છુપાયેલી નર્તન કલાને બહાર લાવવાના સફળ પ્રયોગો થઈ રહ્યા છે. તેમણે આ કલા કાર્ય કરીને એક દશકા બાદ એક આખી નર્તન ટિમ ઊભી કરી છે.
તાજેતરમાં જૂનાગઢમાં મહાગુજરાત ગાંધર્વ સંગીત સમિતિ સુરત દ્વારા ભરતનાટ્યમ વિશારદની પરીક્ષા યોજાઇ હતી. જેમાં જૂનાગઢની નૃત્ય ભારતી કલા સંસ્થાના અનેક વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ શાસ્ત્રીય નૃત્યની પરીક્ષામાં જૂનાગઢની 13થી વધુ યુવતીઓએ નૃત્ય કલાની સુંદર રજૂઆત દ્વારા પરિક્ષકોના દિલ જીતી લીધા હતા. આ તકે મહાગુજરાત ગાંધર્વ સંગીત સમિતિના મંત્રી વિપુલભાઈ ત્રિવેદીએ ઉપસ્થિત રહીને કલાકારોને માર્ગદર્શન આપ્યું હતું.
આપણાં જૂનાગઢમાં નૃત્ય કલા અને સાંગીતિક કલાઓને જીવંત રાખવા નૃત્યભારતી કલા સંસ્થા અને સપ્તક સંગીત વિદ્યાલય દ્વારા અથાગ પ્રયાસો થઈ રહ્યા છે. તેના પરિણામે જૂનાગઢમાં તૈયાર થઈ રહેલા ઉમદા કલાકારો આગામી સમયમાં આપણાં જૂનાગઢનું નામ દેશ-વિદેશમાં રોશન કરશે તેવું જાણવા મળ્યું હતું.
#TeamAapduJunagadh
Also Read : World Press Freedom Day : વર્લ્ડ પ્રેસ ફ્રિડમ ડે