Mangnath Mahadev : જાણો કેવી રીતે માંગાભટ્ટજીની ભક્તિને વશ થઈ સ્વયંભૂ શિવલિંગ સ્વરૂપે બિરાજ્યા માંગનાથ મહાદેવ

Mangnath Mahadev

Mangnath Mahadev : જૂનાગઢ મધ્યે સ્થિત શ્રીમાંગનાથ મહાદેવ શિવાલય આશરે 400 વર્ષ પુરાતન છે. આજથી 400 વર્ષ પૂર્વે જૂનાગઢમાં શ્રી મંગેશરાયભટ્ટ (માંગાભટ્ટ) કરીને એક પરમ શિવભક્ત થઈ ગયા. માંગાભટ્ટ હાલમાં જ્યાં માંગનાથ મંદિર છે ત્યાં ઝુંપડી બાંધીને તેમના પત્ની સાથે રહેતા હતા. તેમના પત્ની પણ પરમ શિવભક્ત હતા.

નમો શિવ શિવ વિહારી રે, માંગેશ્વર મંગલકારી રે,

 કરુણાસિંધુ નાથ ઉમાવર, ભક્ત તણા પ્રતિપાળ રે…

Mangnath Mahadev

માંગાભટ્ટજીને દરરોજ જુનાગઢ ગિરનાર તળેટીમાં આવેલા ભવનાથ મહાદેવ મંદીરે જઈને પૂજા-અર્ચના કરી પછી જ અન્નજળ ગ્રહણ કરવું તેવો નિત્યનિયમ હતો. આ નિયમ તેમણે જીવનપર્યંત પાળેલો. ગમે તેવો શિયાળો, ઉનાળો કે ચોમાસું હોય તો પણ તે શિવભક્ત મહાદેવજીની પૂજા કરવાનું ચુકતા નહીં. સમય જતાં માંગાભટ્ટજી વૃદ્ધ થયા તો પણ તેમણે પોતાના નિયમને અણનમ રાખ્યો.

Mangnath Mahadev

એક વખત ભારે ચોમાસું જામ્યું. ભારે ગાજવીજ સાથે મુશળધાર મેહુલો વરસવા લાગ્યો. માંગાભટ્ટ આ મુશળધાર વરસાદમાં પણ ભવનાથ દાદાની સેવાપૂજા કરવા ચાલી નીકળ્યાં. ભવનાથ જતાં રસ્તામાં દામોદર કુંડથી આગળ સુવર્ણરેખા(સોનરખ) નદી આવે. તે વખતે આ નદી પાર કરીને જ ભવનાથ સુધી પહોંચી શકાતું. વધુ વરસાદને લીધે સોનરખ ગાંડીતુર બની વહેવા લાગી.

Mangnath Mahadev

એ સમયે માંગાભટ્ટજી પૂર ઉતરવાની રાહ જોવા લાગ્યા પરંતુ સોનરખ ધીમું પડવાનું નામ ન લે. નિત્ય નિયમ તૂટે નહીં તે માટે માંગાભટ્ટજી સતત ત્રણ રાત ત્રણ દિવસ સુધી ભૂખ્યા તરસ્યા,ૐ નમઃશિવાયનું રટણ કરતા કરતા બેસી રહ્યા. માંગાભટ્ટજીને થયું મહાદેવ એમની ભક્તિની પરીક્ષા લઇ રહ્યા છે. ત્યારે આ ભક્તને અડગ ભક્તિ કરતાં ત્યાં જ ઊંઘ આવી ગઈ. સ્વપ્નમાં ભવનાથ દાદાએ સ્વયં દર્શન આપ્યા અને આદેશ કર્યો કે “પ્રિય ભક્ત હવે તારે ભવનાથ આવવાની જરૂર નથી, હું સ્વયં તારા ઘરે સ્વયંભૂ શિવલિંગ રૂપે પ્રગટ થયો છું. તારા ઘરના ફળિયામાં સુંડલા નીચે મારું લિંગ રૂપે પ્રાગટય થયું છે”. માંગાભટ્ટજીની આંખો ખુલી ગઈ અને તેમને મનમાં શંશય જાગ્યો કે સ્વપ્ન સાચું હશે કે ખોટું?

Mangnath Mahadev

મહાદેવની પૂજા કરીને ભટ્ટજી ઘરે પહોચ્યા અને પોતાની પત્નીને બધી વાત કરી. તેમની પત્નીએ કહ્યું કે “હા ફળિયામાં સુંડલો ઉંધો પડ્યો છે”. બંને દોડીને ફળિયામાં ગયાં અને જઈને સુંડલો ઊંચકાવી જોયું તો સ્વયંભૂ શિવલિંગ ત્યાં પ્રગટ થયેલું જોવા મળ્યું. દંપતી એકદમ હરખભેર મહાદેવજીની નિત્ય પૂજા કરવા લાગ્યા.

સમય જતાં દંપતિ વૃદ્ધ થયા. દંપતિને કોઈ સંતાન ન હતું. તેમની બાજુમાં ભાટિયા ગૃહસ્થને ત્યાં માતાજી હીરાગિરિજી યોગિની આવતાં. માંગાભટ્ટજી માતાજી સાથે અવાર નવાર સત્સંગ કરતાં. તેથી હીરાગિરિજી માતાજી પર તેમને અતૂટ વિશ્વાસ અને શ્રદ્ધા હતી. માંગાભટ્ટજીનો અંતસમય નજીક આવ્યો. તેમણે માતાજી હીરાગિરિજીને બોલાવી કહ્યું કે તેમનો અંત સમય હવે નજીક આવ્યો છે માટે હવેથી આ શિવલિંગની સેવાપૂજા આપ કરજો. માતાજીએ અનુમતિ આપી અને માંગાભટ્ટ શિવચરણ પામ્યા. માંગાભટ્ટજીના નામ પરથી આ શિવલિંગનું નામ ‘શ્રીમાંગનાથ મહાદેવ’ પડ્યું.

Mangnath Mahadev

દરવર્ષે મહાશિવરાત્રિ અને કારતક વદ બીજ(માંગનાથ મહાદેવજીનો પાટોત્સવ) ના દિવસે પાટોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી થાય છે. ખાસ કરીને શ્રાવણ માસમાં અહીં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. માંગનાથ મહાદેવજી એ જૂનાગઢનાં લોકો માટે તો આસ્થાનું કેન્દ્ર છે જ, પરંતુ માંગનાથ રોડ સ્થિત વેપારી વર્ગ આ માંગનાથ મહાદેવમાં ખુબજ શ્રદ્ધા ધરાવે છે.

સૌને જય માંગનાથ…

અમે પણ જૂનાગઢને એટલો જ પ્રેમ કરીએ છીએ જેટલો તમે! જૂનાગઢ પ્રત્યેના આ પ્રેમને વધુ ગાઢ બનાવવા Aapdu Junagadh આપને જરૂરથી ઉપયોગી થશે. આ એક એવું માધ્યમ છે, જેના દ્વારા તમે આપણાં જૂનાગઢમાં બનતી રોજબરોજની સકારાત્મક ઘટનાઓ, નગરજનોને ઉપયોગી માહિતી, જૂનાગઢ શહેર અને તેની આજુબાજુ આવેલા સ્થળો, ધાર્મિકતા, ઐતિહાસિક સ્મારકો, વ્યક્તિ વિશેષ વિશેની માહિતી મેળવી શકશો. જો તમને ઉપરનો લેખ ગમ્યો હોય તો, શેર કરીને વધુને વધુ લોકો સુધી પહોંચાડો તથા તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો.
જો આપની પાસે જૂનાગઢ વિશેની વિશેષ માહિતી હોય તો અમારા સુધી ઇમેઈલ દ્વારા પહોંચાડી શકો છો.

Email Id: aapdujunagadh@gmail.com

Author: Sumit Jani #TeamAapduJunagadh

Also read : Hanuman Jayanti : સતત ૮૬ વર્ષથી અહીં અખંડ જ્યોત જલે છે, જાણો આ હનુમાન મંદિરની અનોખી ગાથા