“જળ એજ જીવન”. પાણી વગર જીવસૃષ્ટિ શક્ય નથી, આ વાત બધા જાણતાં જ હોય છે. ઘણાં લોકો પાણી વેડફવામાં જરા પણ વિચારતા નથી હોતા, જ્યારે કુદરતને ખરા હ્રદયથી પ્રેમ કરનારા લોકો પાણીની એક એક બુંદની કિંમત કરતાં હોય છે. ખાસ કરીને ઉનાળાની ઋતુમાં જ્યારે પાણીની અછત સર્જાય ત્યારે જ પાણીની સાચી કિંમત સમજાય છે. ઉનાળાના આ સમયમાં જેમ જેમ દિવસો પસાર થઈ રહ્યા છે, તેમ તેમ તાપમાનનો પારો ઊંચે જઇ રહ્યો છે. શહેરીજનો ગરમીથી ત્રસ્ત બની ગયા છે.
આ ઉનાળાની ગરમીથી બચવા સામાન્ય લોકો તો વ્યવસ્થા કરી લેતા હોય છે, પરંતુ ઝૂંપડ-પટ્ટીમાં વસતા ગરીબો કે મજૂરવર્ગ માટે આ ઉનાળો વિતાવવો એ મુશ્કેલીભરી સ્થિતિ બની જાય છે.
ખુલ્લા પગે ચાલતા અને સતત તડકામાં રહીને કામ કરતાં આ લોકોની વેદના વિશે આપણે વાત કરીએ તો, કદાચ આપણાં રૂવાદે પણ અગ્નિ ફૂંટે! ત્યારે આ ગરીબ લોકોને ઉનાળા દરમિયાન બીજું કઈ મળે ન મળે પરંતુ પીવા માટેનું ઠંડુ પાણી મળી રહે તે માટે આપણાં જુનાગઢ શહેરમાં ચાલતા બોલબાલા ટ્રસ્ટ દ્વારા એક સેવાકીય પ્રવૃતિ કરવામાં આવી.
આપણાં જૂનાગઢમાં ચાલતા બોલબાલા ટ્રસ્ટએ શહેરના વિવિધ વિસ્તારોમાં જઈને ઝૂંપડ-પટ્ટીમાં વસતા ગરીબોની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન બોલબાલા ટ્રસ્ટનાં આશરે 50 જેટલા કાર્યકર ભાઈઓ-બહેનોએ મળીને ગરીબો અને જરૂરિયાતમંદોને કુદરતી ફ્રીઝ કહેવાતા અંદાજિત 200 જેટલા પાણીના માટલાનું વિતરણ કર્યું હતું. તેઓએ ઉનાળાની આ તપતી ઋતુમાં ગરીબોને નિ:સ્વાર્થ ભાવે પાણીના માટલાનું વિતરણ કર્યું હતું. આ સમયે જરૂરિયાતમંદ લોકોના મુખે ખુશીના હાસ્યની લહેર દોડતી થઈ હતી.
ઉનાળાની ઋતુમાં બોલબાલા ટ્રસ્ટ દ્વારા જુનાગઢ શહેરની મહિલાઓ માટે હાલમાં મહિલા સ્વાવલંબન સપ્તાહની ઉજવણી થઈ રહી છે. જે ઉજવણી કલેક્ટર કચેરીની સામે, સરદાર બાગ ખાતે થઈ રહી છે. જેમાં મહિલાઓ સ્વાવલંબી બને તે માટેની વિવિધ પ્રવૃતિઓ મહિલાઓને શીખવવામાં આવી રહી છે.
જો આપના દ્વારા પણ આ પ્રકારની કોઈ સેવાકીય પ્રવૃતિ થતી હોય તો અમને ઈમેઈલ દ્વારા જણાવી શકો છો.
Email Id: aapdujunagadh@gmail.com
અમે પણ જૂનાગઢને એટલો જ પ્રેમ કરીએ છીએ જેટલો તમે! જૂનાગઢ પ્રત્યેના આ પ્રેમને વધુ ગાઢ બનાવવા Aapdu Junagadh આપને જરૂરથી ઉપયોગી થશે. આ એક એવું માધ્યમ છે, જેના દ્વારા તમે આપણાં જૂનાગઢમાં બનતી રોજબરોજની સકારાત્મક ઘટનાઓ, નગરજનોને ઉપયોગી માહિતી, જૂનાગઢ શહેર અને તેની આજુબાજુ આવેલા સ્થળો, ધાર્મિકતા, ઐતિહાસિક સ્મારકો, વ્યક્તિ વિશેષ વિશેની માહિતી મેળવી શકશો.
તમે જે લેખ વાંચી રહ્યાં હતાં, તે Aapdu Junagadh ના માધ્યમથી પ્રસારિત થયો છે. આ લેખ વાંચવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરીને વધુને વધુ લોકો સુધી પહોંચાડો તથા તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો.