દત્ત દાતારની આ ભૂમિ સંત સુરા અને દાનવિરોની ભૂમિ છે. આપણાં જૂનાગઢની ધરતીનો ઇતિહાસ અને વારસો આગવી વિશિષ્ટતા ધરાવે છે. ત્યારે ગરવા ગિરનારની ગોદમાં આવેલા આ જૂનાગઢ શહેરમાં અનેક એવા લોકો વસે છે, જે માનવ સેવા અને જીવદયાને પોતાનો જીવન મંત્ર ગણીને અસંખ્ય સેવાકીય કાર્ય કરી રહ્યાં છે. આ સેવાભાવી લોકો નિ:સ્વાર્થ ભાવે પશુ-પંખીઓ તથા જરૂરિયાતમંદ લોકોની અવિરત પણે મદદ કરતાં આવ્યા છે.
આપણાં જૂનાગઢમાં ચાલી રહેલા બાબા મિત્ર મંડળ વિશે તો જૂનાગઢવાસીઓ જાણતા જ હશે. તેઓ દ્વારા થતી માનવસેવાની પ્રવૃતિઓના અનેક દાખલા અવાર નવાર સામે આવતા હોય છે. શિયાળો, ઉનાળો અને ચોમાસું આ કોઈપણ ઋતુ જોયા વગર તેઓ સતત માનવસેવા અને જીવદયામાં જોડાયેલા રહે છે. આ ઉનાળાની આકરા તાપ વચ્ચે તેમના દ્વારા થઈ રહેલી વિવિધ સેવાકીય પ્રવૃતિ ખરેખર નોંધ લેવા જેવી છે.
ગિરનારના ખોળે આવેલા જૂનાગઢ શહેરમાં હાલમાં ગરમીનો પારો ખુબજ વધી ગયો છે. ત્યારે સમગ્ર જીવ સૃષ્ટિ ગરમીને કારણે ત્રાહિમામ પોકારી રહી છે. અસહ્ય ગરમીની વચ્ચે લોકો તો ઠંડાપીણાં જેવા વિવિધ પ્રકારના ઉકેલો શોધી લેતા હોય છે, પરંતુ રસ્તે રખડતા નિરાધાર પશુઓનું શું? ત્યારે આપણાં જૂનાગઢમાં સેવાકીય પ્રવૃતિ સાથે જોડાયેલા બાબા મિત્ર મંડળ દ્વારા શહેરના રસ્તા પર રખડતા કામધેનુ અને નંદી જેવા પશુઓને દર રવિવારે બપોરે ગોળ વરિયાળીનું સરબત પીવડાવી ગરમીથી રાહત આપવાનો નિ:સ્વાર્થ પ્રયત્ન થઈ રહ્યો છે. આ સેવાકીય પ્રવૃતિ સંપૂર્ણ ઉનાળા દરમિયાન કરવામાં આવશે. જેના ઉપક્રમે જે લોકો તેમાં સહયોગ આપવા ઇચ્છતા હોય છે તે નીચે આપેલી વિગતો પર સંપર્ક કરી શકે છે.
બાબા મિત્ર મંડળ દ્વારા થતી વિવિધ પ્રવૃતિમાં તેમના દ્વારા ચાલી રહેલા હરતા ફરતા અન્નક્ષેત્ર વિશે તો સૌ કોઈ પરિચિત હશે જ. કોઈપણ નાત, જાત, જ્ઞાતી, પંથ કે સંપ્રદાયના ભેદભાવ વગર દરરોજ સાંજે સમરસ ભાવ સાથે સાદું છતાંય રસદાર અને ગરમાગરમ ભોજનનું વિતરણ કરવામાં આવે છે. શહેરના વિવિધ વિસ્તારોમાં આશરો લેતા જરૂરિયાતમંદો આ પ્રવૃતિનો લાભ લઈ પોતાની ભૂખ બુઝાવે છે. બાબા મિત્ર મંડળ દ્વારા દર વષૅની જેમ આ વષૅ પણ ઠંડા પાણીના મિનરલ હોટર જગ શહેરના મુખ્ય માર્ગો પર રાખવામાં આવ્યા છે. જેના દ્વારા રસ્તે ચાલતા રાહદારીઓ ઠંડુ પાણી પીને પોતાની તરસ બુઝાવે છે.
બાબા મિત્ર મંડળ દ્વારા થતી આ પ્રવૃતિમાં તમે પણ આર્થિક યોગદાન આપી સહયોગ કરી શકો છો. જેમના માટે તમારે નીચેની વિગતો પર સંપર્ક કરી શકો છો.
બાબા મીત્ર મંડળ,જુનાગઢ
સંપર્ક: 9426168296