Home News ભારતના એવા રાજ્ય કે જેઓ પોતાના નામકરણ પાછળ કઇંક રોચક તથ્ય ધરાવે...
- કેરલમ્:
તાજેતરમાં જ કેરળ રાજ્યનું નામ બદલાવીને ‘કેરલમ્’ કરવામાં આવ્યું છે. મલયાલમ ભાષાના લોક વ્યુત્પત્તિ શાસ્ત્ર પ્રમાણે ‘કેરળ’ શબ્દએ ‘કેરા’ અને ‘આલમ’ એમ બે શબ્દોનાં જોડાણથી બનેલો છે. જેમાં ‘કેરા’નો અર્થ નારિયેલનું વૃક્ષ એવો થાય છે, જ્યારે ‘આલમ’ નો અર્થ એ ભૂમિ કે પ્રદેશ થાય છે. આમ, કેરળનો અર્થ ‘નારિયેળની ભૂમિ’ એવો થાય છે.
- ત્રિપુરા:
ત્રિપુરા રાજ્યએ પ્રકૃતિની ખુબજ નજીક છે અને આ જ કારણે તેના નામ સાથે પણ પ્રકૃતિ જોડાયેલી છે! ત્રિપુરા નામની વ્યુત્પત્તિ પર નજર નાખીએ તો; ‘તુઈ’ એટલે પાણી અને ‘પ્રા’ એટલે નજીક આમ, ત્રિપુરા એટલે ‘પાણીની નજીકનો પ્રદેશ’. ત્રિપુરાનું મહાભારત કાળનું એક પ્રાચીન નામ “કિરાત” પણ છે. ત્રિપુરાની રાજધાની અગરતલા છે અને ત્રિપુરાએ પોતાની સાંસ્કૃતિક વિરાસત અને પ્રાકૃતિક વાતાવરણ માટે જાણીતું છે.
- ગુજરાત:
વર્તમાનમાં સમગ્ર ભારતમાં ગૌરવવંતુ રાજ્ય એટલે ગુજરાત. ગુજરાત રાજ્યનું નામકરણ એ “ગુર્જર પ્રતિહાર” જાતીના નામ પરથી ઉતરી આવ્યું છે. મૈત્રક કાળમાં આ ‘ગુર્જર’ શબ્દ રાજસ્થાનમાં આવેલા એક પ્રદેશ પરથી પ્રચલિત બન્યો હતો અને ત્યાં વસતી પ્રજાતિ પણ ‘ગુર્જર’ કહેવાતી. અનુમૈત્રક કાળમાં ગુર્જરોની સત્તા ઉત્તર ગુજરાતમાં સ્થપાઈ, જેથી ઉત્તર ગુજરાતની ધરા ‘ગૂર્જરભૂમી’, ‘ગુર્જરદેશ’, ‘ગુર્જર રાષ્ટ્ર’ જેવાં નામોથી ઓળખાતી થઇ. ‘ગુજરાત’ નામનો સૌપ્રથમ ઉલ્લેખ ઈ.સ.1233માં લખાયેલા ‘આબુરાસ’ માં મળે છે. અરબી યાત્રાળુ અલબેરુનીએ ‘ગુર્જર’ શબ્દ સાથે અરબી ભાષાનો ‘અત’ પ્રત્યય જોડીને તેને ‘ગુજરાત’ એવું નામ આપ્યું. ગુજરાતની રાજધાની ગાંઘીનગર છે અને ગુજરાત ગરબા લોક નૃત્ય અને ગુજરાતી વાનગીઓ માટે જાણીતું છે.
- મધ્યપ્રદેશ:
મધ્યપ્રદેશનું જૂનું નામ ‘વિંધ્ય પ્રદેશ’ હતું. મધ્યપ્રદેશને ભારતનું હૃદય માનવામાં આવે છે કારણ કે, મધ્યપ્રદેશ એ ભારતની મધ્યમાં સ્થિત છે. આમ, મધ્યમાં રહેલ પ્રદેશ એટલે મધ્યપ્રદેશ. મધ્યપ્રદેશની રાજધાની ભોપાલ છે અને આ રાજ્ય વાઘ માટે જાણીતું છે. અહીં ભીમબેટકા, સાંચી અને ખજુરાહો જેવાં વિશ્વ વિરાસતના સ્થળ પણ આવેલાં છે.
- જમ્મુ-કાશ્મીર:
જમ્મુ કાશ્મીરને પૃથ્વી પરનું સ્વર્ગ માનવામાં આવે છે. જમ્મુ-કાશ્મીરના નામ પાછળ બે પ્રકારના મત જોવા મળે છે! એક મત અનુસાર જમ્મુ રાજાના નામ પરથી ‘જમ્મુ’ એવું નામ પડ્યું છે. કાશ્મીરનું નામ એ સરસત એટલે કાચબાઓની ખીણને કારણે પડ્યું છે. બીજા મત પર દ્રષ્ટિ કરીએ તો ‘કા’ નો અર્થ પાણી અને ‘શિમિરા’ એટલે કે સુકાવાવું! આમ, ‘પાણીથી સુષુપ્ત જમીન’ એટલે કાશ્મીર. એક માન્યતા અનુસાર મહર્ષિ કશ્યપ દ્વારા અહીં તળાવ બનવામાં આવ્યું હતું, એથી કાશ્મીર નામ પડ્યું. શ્રીનગર એ અહીંની રાજધાની છે અને આ કેન્દ્ર શાસિત પ્રદેશએ કુદરતી સુંદરતા માટે જાણીતું છે.
- પંજાબ:
પંજાબ એ પોતાના ખુશમિઝાજ અને ઉત્સાહી લોકો માટે જાણીતું છે. પંજાબ નામ બે ફારસી ભાષાનાં શબ્દોથી બનેલો છે. ‘પંજ’ એટલે પાંચ અને ‘આબ’ એટલે કે પ્રદેશ; પાંચ નદીઓ વચ્ચેનો પ્રદેશ એટલે પંજાબ. પંજાબમાં સતલુજ, બિયાસ, રાવી, ચિનાબ, ઝેલમ જેવી નદીઓ આવેલી છે. પંજાબને વૈદિક કાળમાં સપ્ત સિંધુનો પ્રદેશ કહેવામાં આવતો હતો; જેમાં રાવી(પરુષિણી), બિયાસ(વિપાસા), સતલુજ(સતુદરી), ઝેલમ(વિતસ્તા), ચિનાબ(અસિક્ની), સરસ્વતી અને સિંધુનો સમાવેશ થાય છે. પંજાબની રાજધાની ચંદીગઢ છે. પંજાબ પોતાના લોકનૃત્ય “ભાંગડા”ના કારણે ખુબજ જાણીતું છે.
- પશ્ચિમ-બંગાળ:
બંગાળ રાજ્યનું નામ બંગાળી ભાષાના શબ્દ ‘બાંગા’ ઉપરથી પડ્યું છે. અહીંની બે નદીઓ બ્રહ્મપુત્રા અને ગંગાના સંગમથી બનેલો શબ્દ બાંગા છે. આથી આ સંગમ ભૂમિને બંગાળ કહે છે અને અહીંના લોકોને બંગાળી કહે છે. બંગાળ રાજ્યની રાજધાની કોલકાતા છે અને બંગાળ રાજ્ય એ તેની મીઠાઈ તેમજ ‘દુર્ગા પૂજા’ ઉત્સવ માટે જાણીતું છે.
- તેલંગાણા :
તેલંગાણા રાજ્યએ આંધ્રપ્રદેશ રાજ્યનો જ એક ભાગ હતું, પરંતુ 2014 માં તેલંગાણા એક અલગ રાજ્ય તરીકેની ઓળખાણ મેળવી. તેલંગાણા રાજ્યનું નામ ‘ત્રિલિંગા’ શબ્દ પરથી પડ્યું છે. એક માન્યતા અનુસાર ભગવાન શિવ દ્વારા આ પ્રદેશના ત્રણ પહાડોમાં શિવલિંગ પ્રસ્થાપિત કરવામાં આવી હતી અને આ પહાડો તેલુગુ પ્રદેશની સીમા અંકિત કરે છે. તેલંગાણાની રાજધાની હૈદરાબાદ છે અને તે ચાર મિનાર, ગોડકોંડા ફોર્ટ, રામોજી ફિલ્મ સિટી જેવાં વિવિધ પ્રવાસન સ્થળો માટે જાણીતું છે.
- રાજસ્થાન:
રાજસ્થાન એ રંગોની ભાતીગળ રંગોળી જેવું રાજ્ય છે. ઈતિહાસકારોનું માનવું છે કે; જોર્જ થોમસે એ રાજસ્થાનને રાજપુતાના નામ આપ્યું હતું. બીજી માન્યતા અનુસાર, કર્નલ જેમ્સ ટોડએ આ રાજ્યનું નામ રાજસ્થાન આપ્યું હતું. સ્થાનિક લોકોની ભાષામાં જ્યાં રાજા રહે છે તે સ્થાન એટલે ‘રાજસ્થાન’. રાજસ્થાન રાજ્યની રાજધાની જયપુર છે અને રાજસ્થાન ધુમ્મર નૃત્ય અને ગણગૌરના તહેવાર માટે જાણીતું છે.
- કર્ણાટક:
કર્ણાટક રાજ્ય એ ભારતના પશ્ચિમ કિનારે આવેલું રાજ્ય છે. કર્ણાટક રાજ્યનું નામ કન્નડ શબ્દ પરથી પડ્યું છે. આ શબ્દના બે અલગ-અલગ અર્થ લેવામાં આવે છે. એક અર્થમાં કરી+નાડૂ એમ બે શબ્દોના જોડાણથી ‘કર્નાડુ’ શબ્દ બંને છે, જેનો અર્થ કાળી માટી એવો થાય છે. અન્ય રીતે તેને ‘કર્ણાટ’ એટલે કે ઊંચી જમીનવાળો પ્રદેશ એવા અર્થમાં દર્શાવવામાં આવે છે. કર્ણાટક રાજ્યની રાજધાની બેંગલુરુ છે અને 18 અભ્યારણ્યો ધરાવતું કર્ણાટક રાજ્ય વન્યજીવન માટે જાણીતું છે.