સક્કરબાગ માં આવ્યા નવા રહેવાસીઓ, જેમાનું એક વિશ્વનું પાંચમા નંબરનું સૌથી વજનદાર પ્રાણી છે!

સક્કરબાગ

સક્કરબાગ : આપણાં જૂનાગઢમાં આવેલા સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની સ્થાપના જૂનાગઢ રાજ્યના નવાબના સમયમાં ઇ.સ.1863માં થઈ હતી. જે ભારતના જૂનામાં જૂના પ્રાણી સંગ્રહાલયમાંનું એક છે. સક્કરબાગ આશરે 198 એકરમાં ફેલાયેલું છે. સક્કરબાગ સંગ્રહાલયનું નામ એક મીઠા પાણીના કૂવા ‘સક્કર’ પરથી પડ્યું હોવાનું માનવામાં આવે છે.

સક્કરબાગ

સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયમાં તૃણાહારી, રાની, સરીસૃપો અને માંસાહારી પ્રાણીઓ જોવા મળે છે. આ પ્રાણી સંગ્રહાલયમાં એશિયાઇ સિંહ મુખ્ય આકર્ષણ છે, પરંતુ પ્રાણી એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ અન્ય ઝૂને ગીરના સિંહ આપી ત્યાંના પ્રાણીઓ-પક્ષીઓ સક્કરબાગ ઝૂમાં લાવવામાં આવે છે. ત્યારે જૂનાગઢ સક્કરબાગમાં મૈસુરના સ્વામી રાજેન્દ્ર ઝૂમાંથી કાળા હંસની જોડી(નર-માદા) તેમજ દક્ષિણ ભારતમાં જોવા મળતાં બાયસન 3 (એક નર-બે માદા) લઈ આવવામાં આવ્યા છે. જેના બદલે સક્કરબાગ ઝૂમાંથી સિંહની બે જોડી આપવામાં આવી છે.

સક્કરબાગ

પ્રાણી એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ સક્કરબાગના પ્રાણી-પક્ષીઓ અન્ય ઝૂને આપવામાં આવે છે, બદલામાં ત્યાંથી પ્રાણી-પક્ષીઓ મંગાવવામાં આવે છે. ત્યારે હવે સક્કરબાગ ઝૂમાં પણ ઓસ્ટ્રેલિયન કાળા હંસ અને બાયસન જોવા મળતા પ્રવાસીઓમાં વધારો જોવા મળશે.

સક્કરબાગ

બાયસન: 

બાયસનનું આયુષ્ય 18 થી 25 વર્ષ હોય છે. તેનો ગર્ભકાળ 275 દિવસ સુધીનો હોય છે. તેઓ એવરગ્રીન અને સેમી એવરગ્રીન ભેજવાળા પાનખર જંગલોમાં વસવાટ કરે છે. તેની ખાસિયતની વાત કરવામાં આવે તો, તેનું વજન 1000 કિગ્રા જેટલું હોય છે. હાથી, ગેંડા, હિપો અને જિરાફ બાદ વિશ્વનું પાંચમું સૌથી વજનદાર ભૂમિગત પ્રાણી છે.

તે ખોરાકમાં ઘાસ અને પાંદડા લે છે. તેનો વ્યાપ ભારત કે દક્ષિણ-પૂર્વ એશિયામાં જોવા મળે છે. સક્કરબાગમાં પહેલેથી જ એક નર અને બે માદા બાયસન હતા. ત્યારે વધુ એક નર અને બે માદા બાયસન લઈ આવતા સક્કરબાગ ઝૂમાં બે નર અને ચાર માદા સહિત કુલ છ બાયસન થયા છે.

ઓસ્ટ્રેલિયન કાળા હંસ:

આ કાળા હંસ મુખ્યત્વે ઓસ્ટ્રેલિયામાં જોવા મળે છે. તે ખોરાક ફ્રુટ લે છે. જેથી તે શાકાહારી છે. તેનો આવાસ ખુલ્લી જગ્યા તેમજ પાણીમાં જોવા મળે છે. તેનો વ્યાપ ઓસ્ટ્રેલિયામાં જોવા મળે છે. ઓસ્ટ્રેલિયામાં જોવા મળતા કાળા હંસ ભારતમાં જોવા મળતાં નથી, પરંતુ ભારતના અમુક ઝૂમાં કાળા હંસ જોવા મળે છે. ત્યારે હવે જુનાગઢ સક્કરબાગ ઝૂમાં પણ કાળા હંસ લઈ આવવામાં આવ્યા છે, જોકે આ હંસ ગુજરાતના એક પણ ઝૂમાં જોવા નથી મળતા હોવાનું જાણવા મળી રહ્યું છે.

Also Read : હિંદુ-મુસ્લિમની કોમી એકતાનું અનોખું ઉદાહરણ એટલે નરસિંહ મહેતા ના ચોરાની ગરબી