Poor Line Benefits : ગરીબી રેખા નીચે જીવતા લોકોને સરકાર દ્વારા અત્યંત રાહત દરે અનાજ આપવામાં આવે છે. જેના માટે સરકાર દ્વારા કેટલાક નિતી નિયમો બનાવવામાં આવ્યા છે. રાહતદરે અનાજ મેળવવા બીપીએલ તેમજ એપીએલના કાર્ડ હોવા જરૂરી છે. આ કાર્ડ ખરેખર ઓછી આવકવાળા તેમજ અત્યંત જરૂરિયાતમંદ લોકોને મળવા જોઇએ, જેથી તે સરકારની યોજનાનો યોગ્ય રીતે લાભ ઉઠાવી શકે.
ખાસ કરીને નેશનલ ફૂડ સિકયુરિટી એક્ટ હેઠળ ગરીબોને રાહતદરે અનાજ પુરૂં પાડવાનો સરકારનો પ્રયાસ છે. જોકે તેમ છતાં કેટલાય અમીર લોકોએ પણ ગોલમાલ કરી સરકાર દ્વારા ગરીબોને સસ્તામાં અપાતું અનાજ મેળવવા માટે ફોર્મ ભર્યા હતા. દરમિયાન આ મામલે તપાસ કરતા જાણવા મળ્યું કે આવાતો અનેક કાર્ડ ધારકો છે જેમણે કાર્ડ મેળવી લીધા બાદ 6 મહિના કરતા વધુ સમય પછી પણ અનાજનો કોઇ જથ્થો ઉપાડ્યો જ નથી!
આ બાબત સામે આવતા આવા 1100થી વધુ એપીએલ તેમજ બીપીએલ કાર્ડ ધારકોની રાષ્ટ્રિય અન્ન સુરક્ષા યોજનાની યાદીમાંથી બાદબાકી કરી નાંખવામાં આવી છે. હવે આવા 1100 જેટલા રદ થયેલા નામોના સ્થાને ખરેખર જે લાભાર્થી છે તેનો સમાવેશ કરવામાં આવશે.
કેટલાય નવા કઢાવેલ કાર્ડ ધારકોને હજુ સુધી અનાજ મળનું નથી, કારણ કે આ માટેના ફોર્મ જુલાઈ મહિનામાં આવશે. આ ફોર્મ ભરી મોકલ્યા બાદ ચકાસણી કરતા એક મહિના જેટલો સમય લાગશે. જેથી કરીને ઓગસ્ટથી અનાજ મળવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે.
આ કાર્ડ કઢાવવા માટે પહેલા ફોર્મ ભરવામાં આવે છે, ત્યારબાદ જરૂરી ડોક્યુમેન્ટ રજૂ કરી તલાટી દ્વારા તેની ખરાઇ કરવામાં આવે છે. ખરાઇ બાદ એક રિપોર્ટ બનાવી, તેને કમિટીમાં મંજૂર કરવામાં આવે છે. ત્યારબાદ અંગૂઠો(થમ્બ પ્રિન્ટ) આપવામાં આવે છે, જે પછી લાભાર્થીનું કાર્ડ નીકળે છે.
વિવિધ કાર્ડ ધારકોને તેની આર્થિક સ્થિતિને અનુરૂપ ઘઉં, ચોખા, ખાંડ, ગોળ, મીઠું, જેવી કરિયાણાની વસ્તુઓ તેમજ ગેસ કનેક્શન ન હોય તો કેરોસીન વગેરે વસ્તુઓ રાહત દરે મળે છે. જો કે શહેરી વિસ્તારમાં જ્યાં કોર્પોરેશન અસ્તિત્વમાં છે,તેના કાર્ડ ધારકોને કેરોસીન આપવામાં આવતું નથી.
અંત્યોદય તેમજ બીપીએલ કાર્ડ પ્રથમ વખત નિ:શુલ્ક કાઢી આપવામાં આવે છે, જ્યારે ડુપ્લીકેટ કાર્ડ કઢાવવા માટે પાંચ રૂપિયા ચાર્જ લેવામાં આવે છે. એપીએલ-1 કાઢવા ઓરિજિનલ માટે રૂ.20 તથા ડુપ્લિકેટ માટે રૂ.30 ચૂકવવા પડે છે. એપીએલ-2 કાર્ડ કઢાવવા માટે ઓરિજિનલ અને ડુપ્લિકેટ બંને માટે રૂ.40 ભરવાના હોય છે. આ કાર્ડ કાઢવાની તમામ કામગીરી તાલુકા સેવા સદન, મોતિબાગ રોડ, સરદાર બાગ, જૂનાગઢ ખાતે જનરલ અધિકારીની કચેરીએ થી કાઢી આપવામાં આવે છે. જે તે કાર્ડ કઢાવવા માટેના અરજી ફોર્મની કોઈ ફી લેવામાં આવતી નથી. ફોર્મ ભરનાર પાસે જમીનો, મકાનો, ફોર વ્હીલ ગાડીઓ જેવી મિલકતો હોવાનું તપાસમાં સામે આવે તો આવા ફોર્મની બાદબાકી કરવામાં આવે છે.
અમે પણ જૂનાગઢને એટલો જ પ્રેમ કરીએ છીએ જેટલો તમે! જૂનાગઢ પ્રત્યેના આ પ્રેમને વધુ ગાઢ બનાવવા Aapdu Junagadh આપને જરૂરથી ઉપયોગી થશે. આ એક એવું માધ્યમ છે, જેના દ્વારા તમે આપણાં જૂનાગઢમાં બનતી રોજબરોજની સકારાત્મક ઘટનાઓ, નગરજનોને ઉપયોગી માહિતી, જૂનાગઢ શહેર અને તેની આજુબાજુ આવેલા સ્થળો, ધાર્મિકતા, ઐતિહાસિક સ્મારકો, વ્યક્તિ વિશેષ વિશેની માહિતી મેળવી શકશો. જો તમને ઉપરનો લેખ ગમ્યો હોય તો, શેર કરીને વધુને વધુ લોકો સુધી પહોંચાડો તથા તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો.
જો આપની પાસે જૂનાગઢ વિશેની વિશેષ માહિતી હોય તો અમારા સુધી ઇમેઈલ દ્વારા પહોંચાડી શકો છો.
Email Id: aapdujunagadh@gmail.com
Also Read : Baba Mitra Mandal દ્વારા વિવિધ લોકોની તરસ છિપાવવા થઈ રહ્યું છે આ ભગીરથ કાર્ય!