Shishumangal Sanstha : નિરાધાર બાળકો અને સ્ત્રીઓને આશરો આપતો આધાર

Shishumangal Sanstha

Shishumangal Sanstha : 1948માં પુષ્પાબેન મહેતાએ સ્થાપેલી સંસ્થા નિ:સહાય બાળકને ‘માં’ની અને માવતરની હુંફ આપે છે. ગિરનાર કરતાં પણ મોટો ખોળો પુષ્પાબેન મહેતાએ વિસ્તારી આપ્યો છે.

જૂનાગઢનાં પુષ્પાબેનએ 1948માં શિશુમંગલની સ્થાપના કરેલી, એ વખતે કલ્પના પણ નહીં હોય કે એક નાનકડી કૂંપણમાંથી આટલો વિશાળ, વિરાટ વડલો થશે. નાનકડા ફાલિંગ હોમથી શરૂ થયેલી આ સંસ્થાએ પોતાના મૂળ હેતુમાંથી ચલિત થયા વગર અનેક ક્ષેત્રોમાં તેની પાંખો પ્રસારી છે.

તરછોડાયેલા અને નિરાધાર બાળકો માટે શિશુમંગલ “માં” નો ખોળો છે, અને સમસ્યાઓમાં ફસાયેલી સ્ત્રીઓ માટે એ બાપનું ઘર છે. આ સંસ્થાની પ્રારંભની સ્થિતિ થોડી કથળેલી આર્થિક સ્થિતિમાંથી ક્રમશ: પગભર થવાના પ્રયત્નો સફળ રહ્યાં. સુવિધા થતી ગઈ તેમ-તેમ આ સંકુલનો વિકાસ થતો ગયો.શિશુઓ માટે આવાસ, રસોડું, ઓફિસ, ભોજનાલય, તેમજ ‘પુષ્પવાટિકા’ નામનું આધુનિક ઘોડિયાઘર વગેરે મકાનો સુવ્યવસ્થિત નિર્માણ થયું.

પ્રાંગણમાં બાળકોના અભ્યાસ માટે શાળાની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં 300 જેટલા બાળકો પ્રાથમિક શિક્ષણ મેળવી રહ્યા છે. સંસ્થામાં ચાલતા ‘કુટુંબ સલાહ કેન્દ્ર’માં લગ્નજીવનમાં પેદા થતાં નાના મોટા મનદુ:ખનું સમાધાન કરવામાં આવે છે.

આ સંસ્થાના કેમ્પસમાં સરકાર માન્ય આંગણવાડી કાર્યકર તાલીમ ચાલે છે. શહેરમાં દિવાન ચોકના મકાનમાં શિશુમંગલ દ્વારા મહિલા મંડળની પ્રવુતી ચલાવવામાં આવે છે. નાનકડા પુસ્તકાલયથી શરૂઆત કર્યા પછી સરકાર શૈક્ષણિક સીવણ વર્ગો ચાલી રહ્યા છે. શિશુમંગલે શહેરની બહાર પણ પાંખો પ્રસારી છે, ગિર જંગલ વિસ્તારના નેસમાં વસતા માલધારી પરિવારોના બાળકોને પ્રાથમિક શિક્ષણ આપવાના હેતુથી સાસણ અને દેવડા ગામમાં આદિવાસી અને બક્ષીપંચની આશ્રમશાળા સંસ્થા ચલાવે છે.

પુષ્પાબહેન મહેતાના પિયરના ગામ પ્રભાસપાટણમાં શિશુમંગલ ટ્રસ્ટ દ્વારા પ્રવુતીઓના બીજ રોપાયા છે. મહિલા મંડળના નેજા હેઠળ આંગણવાડી, પ્રૌઢશિક્ષણ, પુસ્તકાલય, અધ્યાપન તાલીમ કેન્દ્ર(પી.ટી.સી) તેમજ સામાજિક પ્રવુતિઓ ચાલી રહી છે. આ ઉપરાંત ત્યાં ભોજનલાય પણ છે. બાળસંભાળ, મહિલા જાગૃતિ ઉપરાંત આરોગ્ય ક્ષેત્રે પણ શિશુમંગલે પગરણ માંડેલા છે. બરડા ડુંગરના જંગલ વિસ્તારના ઝરેરાનેસ ખાતે ગ્રામ આરોગ્ય કેન્દ્ર ચાલી રહ્યું છે.

શિશુમંગલ ટ્રસ્ટની બાળ અને મહિલા ક્લ્યાણની સેવાકીય પ્રવુતિઓને લક્ષમાં લઈ ભારત સરકારના સમાજ કલ્યાણ મંત્રાલયે 1991માં “શ્રેષ્ઠ સંસ્થા”નો એવોર્ડ આપેલો હતો. પુષ્પાબહેન મહેતા જેવા આત્માએ પ્રગટાવેલ સત્કાર્યનો દિવડો સાત દાયકાથી ઝગમગી રહ્યો છે. આવા દિવડામાં તેલ પૂરવું એ પણ સત્કાર્ય ગણાય છે.

આપણા શહેરમાં જ આવેલા આ અદ્દભુત સ્થળની ચોક્કસ મુલાકાત લો…

સંદર્ભ: સર્વોદય સમાજ

Author: Morvee Raval   #TeamAapduJunagadh

Also Read : Gujarat Sthapna Divas : નમીએ નમીએ માત! અમારી ગુણવંતી ગુજરાત