પરબધામ : આપણાં જૂનાગઢથી અંદાજે 58 કિલોમીટર દૂર આવેલું ભેસાણ નજીકનું અતિપ્રાચીન પરબધામ ભાવિકોમાં અનેરી આસ્થાનું પ્રતિક છે. આ પરબધામમાં દર વર્ષે પરંપરા અનુસાર યોજાનાર લોકમેળા માટેની તમામ તૈયારીઓ પૂર્ણ થઇ ચૂકી છે. આગામી તા.3 જુલાઈને બુધવારના રોજ બપોર પછી શરૂ થનાર આ લોકમેળામાં માનવ મહેરામણ પરબધામની પાવનભૂમિ ઉપર ઉમટી પડશે. આ મેળો તા.3 થી 5 જુલાઇ સુધી ચાલશે. તા.5મી જુલાઇને શુક્રવારના રોજ વહેલી સવારે મેળાની પૂર્ણાહુતિ થશે. આ મેળામાં અંદાજીત 12 લાખ ભાવિકો આ વર્ષે ઉપસ્થિત રહે તેવી શક્યતાઓ છે.
પરબધામ ના મહંત કરશનદાસ બાપુ ગુરુ સેવાદાસ બાપુના સાનિધ્યમાં યોજાનાર આ મહોત્સવને મહંતશ્રી કરસનદાસ બાપુ તા.4 જુલાઇને ગુરુવારના રોજ સવારે ધ્વજારોહણ સાથે વિધિવત રીતે ખુલ્લો મૂકશે. આશરે 250 વીઘામાં આ સમગ્ર લોકમેળાનું આયોજન થઈ રહ્યું છે. પરબધામના મેળામાં સમગ્ર ગુજરાતભરમાંથી અંદાજે 10 હજારથી વધુ સ્વયંસેવકો બે દિવસ સુધી માત્ર સેવા આપવાના હેતુથી જોડાશે. આ સેવાયજ્ઞમાં 4000 જેટલી મહિલા સેવિકાઓ પણ મેળામાં સેવા આપવા માટે આવશે.
ઉલ્લેખનીય છે કે, અહીં સરભંગ ઋષિનો ધૂણો હતો. જે સંતશ્રી દેવીદાસ બાપુએ ચેતન કર્યો હતો. આશરે 365 વર્ષ પૂર્વે અમરમાં અને દેવીદાસબાપુએ અષાઢી બીજના દિવસે જીવતા સમાધિ લીધી હતી. ત્યારથી પરબધામમાં અષાઢી બીજ મહોત્સવ ઉજવાય છે અને અષાઢી બીજને દિવસે કોઈને કોઈ સ્વરૂપમાં અમરમાં અને દેવીદાસ બાપુ પરબધામમાં આવે છે તેવી લોકવાયકા છે.
આવનારા ભાવિકોની રસોઈ માટે 500×50 ફૂટના મહાકાય રસોડા શરૂ કરવામાં આવ્યા છે. જેમાં 81 ચુલા, 500 કાઉન્ટર, 250 પીવાના પાણીના પોઇન્ટ, 20 મોટા વાહન પાર્કિંગ, 50 ટ્રેક્ટર દ્વારા રસોઇ પહોંચાડવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ મેળામાં 10 હજાર સ્વયંસેવકો અને 500 પોલીસ જવાનોનો સ્ટાફ તૈનાત રહેશે.
200 કટ્ટા ઘઉં, 400 ડબ્બા ઘીમાંથી શુદ્ધ શીરો બનાવવામાં આવશે. અષાઢીબીજે ઉપસ્થિત રહેતા 12 લાખ જેટલા ભાવિકો માટે મહાપ્રસાદ બનાવવામાં આવશે. પ્રસાદમાં ભક્તોને ફૂલ ભાણું પીરસવામાં આવશે. રોટલી, શાક, દાળ, ખીચડી અને શીરો બનાવવામાં આવે છે. જેમાં શીરો ખાવાનું ખાસ મહત્વ રહેલું હોય છે. આ શીરો બનાવવા માટે 200 કટ્ટા ઘઉંનો લોટ, 400 ડબ્બા ઘી, 100 ગુણી ખાંડ, 200 કિલો કાજુ અને કિસમિસ તથા 20 કિલો એલચીણો ઉપયોગ કરી આ શિરાની પ્રસાદી તૈયાર કરવામાં આવશે.
Also Read : હાલો જાણીએ 70 થી પણ વધારે વર્ષોથી ઉજવાતી વણજારી ચોકની ગરબી વિષે..