આપણું જૂનાગઢ ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

ગરબી

ગરબી : આધુનિકતાની સાથે સાથે પરંપરા પણ જળવાતી હોય એવી બહુ ઓછી ઘટનાઓમાની એક છે આપણા જૂનાગઢના વણઝારી ચોકમાં થતી ગરબીની વાત….

આઝાદી પહેલા એટલેકે લગભગ 70 થી પણ વધારે વર્ષોથી વણઝારી ચોકની ગરબી એ પોતાની અડગ લોકપ્રિયતા જાળવી રાખી છે અને આજે પણ લોકોનું કીડિયારું ઉભરાય છે અને લોકો નીચે બેસીને પણ ગરબી નિહાળતા જોવા મળે છે.

ગરબી

આઝાદી પહેલા વણઝારી ચોકમાં તંબુ બાંધીને ગરબી કરવામાં આવતી હતી. એ સમયમાં ભાઈઓ-બહેનો દ્વારા બેઠા ગરબા ગાવામાં આવતા હતા તથા આવનાર લોકોનું ગુલાબજળથી સ્વાગત કરવામાં આવતું હતું. ત્યારે માઈક વગર ખાલી ઢોલક, મંજીરા, ઝાંઝ અને પગેથી વગાડવાના હાર્મોનિયમ વગેરે સંગીત વાદ્યો નો ઉપયોગ કરવામાં આવતો. એ સમયમાં માત્ર લેમ્પના અજવાળામાં ગરબી થતી હતી. જે આઝાદી પછી ઈ.સ. 1948માં તંબુની બહાર કરવાની શરુ કરવામાં આવી.

ગરબી

રતુભાઇ અદાણીના પુસ્તક ‘આપણું જૂનાગઢ’માં આ ગરબી સર્કલ ચોક પછી બીજા નંબરની પ્રાચીન હોવાનું જણાય છે. આજે અનેક દાતાઓ સ્વૈચ્છીક દાન આપે છે. આજે 200 જેટલી જગદંબા સ્વરૂપ દીકરીઓ અહીંયા ફ્રીમાં ગરબે ઘૂમે છે કોઈ પણ પ્રકારની ફી લેવામાં આવતી નથી.

આ ગરબીમા થતા પ્રાચીન રાસો જેવાકે ભુવા રાસ, સળગતી ઈંઢોણી રાસ, એલઈડી લાઈટનો રાસ, વિછુડો રાસ, ટિપ્પણી રાસ શહેરીજનોના આકર્ષણ નું કેન્દ્ર બને છે અને મોટી સંખ્યા મા લોકો આ ગરબી જોવા એકત્રિત થાય છે.

સળગતી ઈંઢોણી રાસ અહીંયાનું મુખ્ય આકર્ષણ છે જેમાં બાળાઓ લગભગ 30 મિનિટ સુધી માથા પાર સળગતી ઈંઢોણી અને હાથમાં સળગતી મશાલો લઈને આ અનોખા રાસની રજૂઆત કરે છે. આજ દિન સુધી આ રાસ દરમિયાન ક્યારેય અકસ્માતની ઘટના નોંધાઈ નથી.

ગરબી

આવી અનેક પ્રાચીન ગરબીઓ આપણા જૂનાગઢમા છેલ્લા ઘણા વર્ષો થી કાર્યરત છે જે આપણને આપણી પ્રાચીન સંસ્કૃતિની યાદ અપાવે છે.તો આ નવરાત્રી આ પ્રાચીન ગરબીઓ ની મુલાકાત લેવાનું ભૂલતા નહીં.

આપણું જૂનાગઢ દ્વારા આઠમા નોરતે એટલે કે 17 ઓક્ટોબરના આ ગરબાનું લાઈવ કવરેજ પણ કરવામાં આવશે.

Also Read : પરબધામ માં યોજાનાર લોકમેળાની તૈયારીઓ પૂર્ણ, આવતીકાલથી થશે મેળાનો શુભારંભ…

આપણું જૂનાગઢ ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!