Junagadh News : પશુપાલન વ્યવસાયએ ગ્રામીણ ભારતમાં કૃષિ પછી સૌથી મોટા વ્યવસાય તરીકે ઓળખ ઉભી કરેલ છે. એમાંય ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તાર તેમજ ગીર વિસ્તારમાં પશુપાલન વ્યવસાયએ વંશ પરપરાગત અને પ્રાચીન વ્યવસાય છે. જે અર્ધકુશળ અને બિન-કુશળ લોકોને ઘર-આંગણે રોજગારીની તકો પુરી પાડે છે. પશુપાલનએ મહિલા પશુપાલકને પૂરક, કાયમી આવર્તિત આવક પૂરી પાડી કુટુંબ માટે આજીવિકાનું સાધન છે. ત્યારે આ વ્યવસાયનો એક ભાગ એટલે દૂધ ઉત્પાદન. આ દૂધ ઉત્પાદનમાં કેટલાક સુધારા વધારાઓ કરવાનું ઉત્પાદન સંઘ દ્વારા નક્કી કરાયું છે.
આપણું ગુજરાત રાજ્યમાં દુધ ઉત્પાદન ખર્ચમાં થયેલા વધારાને ધ્યાનમાં લઈને તાજેતરમાં જૂનાગઢ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ દ્વારા તા. 11-05-2019થી પ્રતિ કિલો ફેટમાં રૂપિયા 10 થી લઈને રૂપિયા 30 સુધીનો વધારો કરવામાં આવ્યો હતો, સાથોસાથ પશુપાલકોને પ્રતિ કિલો ફેટના 610 થી લઈને 630 ચૂકવવાની જાહેરાત પણ કરવામાં આવી હતી.
અછતગ્રસ્ત તથા અર્ધ અછતગ્રસ્ત વિસ્તારના પશુપાલકોને રાહત મળી રહે તે માટે આ જાહેરાત ખુબજ અસરકારક પુરવાર થઈ હતી. દૂધ ઉત્પાદનનો ખર્ચ વધતા ઘાસચારાની અછત, થઈ રહેલા સતત ભાવ વધારાને કારણે સંઘે ચાલુ વર્ષની શરૂઆતમાં ચોથી વખત ભાવ વધારો કરવાનો નિર્ણય કર્યો છે.
જૂનાગઢ જિલ્લા સહકારી દૂધ ઉ.સંઘ.લી. ના ચેરમેન રામશીભાઈ ભેટારીયા દ્વારા દૂધ ઉત્પાદન ખર્ચમાં થયેલા વધારાને ધ્યાને લઈને દૂધ ખરીદીનો ભાવ રૂ.40/- વધારીને રૂ.650/- પ્રતિકીલો જેટલો આપવાનું નક્કી કર્યું છે. આ ભાવવધારો તા.1લી જૂનથી અમલમાં મુકવામાં આવ્યો છે. આ ભાવવધારાથી દૂધ ઉત્પાદકોને દર મહિને અંદાજીત રૂ.90 લાખ જેટલો વધારાનો ફાયદો થશે, તેવું જાણવા મળી રહ્યું છે. ભેંસના દૂધમાં 10 ટકા ફેટના રૂ.65/- છે, જેથી દૂધ ઉત્પાદકોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે.
Junagadh News : જો આપણે પ્રતિકીલો ફેટને નજીકથી સમજીએ તો, દૂધ ઉત્પાદકને દૂધના પ્રતિ ફેટે રૂપિયા 0.40નો વધારો મળશે. ગત દિવસોમાં દૂધ ઉત્પાદકોને પ્રતિ ફેટનો ભાવ 5.90 થી 6.10 રૂપિયા ચૂકવવામાં આવતો, જે 1લી જૂનથી દૂધ ઉત્પાદકોને પ્રતિ ફેટ 0.40 સુધીનો વધારો મળશે, જેથી પ્રતિ ફેટ રૂપિયા 6.50 રૂપિયા ભાવ મળશે.
કોઈ મંડળી દ્વારા દૂધમાં ભેળસેળ થતી હોવાનું જણાશે અથવા સંઘના નિયમ કરતા ઓછો ભાવ ચૂકવાતો હોવાનું ધ્યાનમાં આવશે તો, તેના વિરુદ્ધ કાયદેસરના પગલાં પણ લેવામાં આવશે.
Also Read : મિની કુંભમેળામાં વિવિધ તંત્ર દ્વારા થઈ રહી છે આ ઉત્કૃષ્ટ કામગીરી